Charotar

બોરસદની વિદ્યાર્થિનીને માર મારનારા શિક્ષિકાને એક વર્ષની કેદ

છ માસ પહેલા બનેલા બનાવમાં વાંચતા આવડતું ન હોવાથી ધબ્બા મારતાં ચામઠા ઉપસી આવ્યાં

(પ્રતિનિધિ) આણંદ તા.23

બોરસદની ઇશ્વર કૃપા પ્રાથમિક શાળામાં 12મી માર્ચ,2024ના રોજ શિક્ષિકાએ ધો.5ની વિદ્યાર્થિનીને વાંચતા ન આવડતું હોવાથી પીઠ પર મારમાર્યો હતો. જેને કારણે વિદ્યાર્થિની દર્દથી કણસતી હતી. આ અંગે તેની માતાએ શિક્ષિકા સામે ફરિયાદ આપી હતી. જે અંગે બોરસદ કોર્ટે શિક્ષિકાને કસુરવાર ઠેરવી એક વર્ષની સખત કેદ અને રૂ. એક લાખનો દંડ ફટકાર્યો હતો.

બોરસદના પામોલ રોડ પર આવેલી ઇશ્વર કૃપા પ્રાથમિક શાળામાં ધો.5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને 13મી માર્ચ,2024ના રોજ તેની માતા શાળાએ મોકલવા તૈયાર કરી રહ્યાં હતાં. આ સમયે બાળકી અચાનક રડવા લાગી હતી અને દર્દથી કણસવા લાગી હતી. આથી, તેની માતાએ તેના બરડામાં જોતા ચામઠા પડેલા હતાં. આ અંગે પુત્રીને પછતાં તેણે જણાવ્યું હતું કે, 12મી માર્ચના રોજ કલાસમાં શિક્ષિકા સંગીતાબહેને મોબાઇલમાં ફકરો વાંચવા માટે આપ્યો હતો. પરંતુ વાંચતા ન આવતા તે એકદમ ગુસ્સે થઇ ગયાં હતાં અને બરડાના ભાગે હાથથી ધબ્બા માર્યાં હતાં. જે મને દુઃખે છે. આથી, માતા ચોંકી ગયા હતા અને શાળાએ ગયાં હતાં ત્યાં શિક્ષિકા સંગીતાબહેન તથા આચાર્યને મળ્યાં હતાં અને દિકરીને માર મારવા બાબતે ધ્યાન દોર્યું હતું. આ અંગે બોરસદ શહેર પોલીસ મથકે સંગીતાબહેન દિલીપભાઈ પઢીયાર સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી સંગીતાબહેનની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી બાદ બોરસદ કોર્ટમાં ચાર્જશીટ મુકી હતી.

આ કેસ બોરસદના એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકિલ એસ.એ. દવેની દલીલ, દસ જેટલા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યાં હતાં. જેના આધારે ન્યાયધિશે શિક્ષિકા સંગીતાબહેનને જ્યુવેનાઇલ જસ્ટીસ એક્ટ,2016ની કલમ 75ના ગુનાના કામે તકસીરવાન ઠેરવ્યાં હતાં અને એક વર્ષની સખત કેદની સજા તથા રૂ.એક લાખનો દંડ ફટકાર્યો હતો.

રક્ષક તે જ ભક્ષક હોય તેવી અનુભૂતિ થાય છે

શિક્ષિકા દ્વારા વિદ્યાર્થિનીને મારવાના કેસમાં કોર્ટે નોંધ્યું હતું કે, શિક્ષિકાનું સ્થાન મા સમાન હોય છે. આ બનાવમાં બાળકી ધો.5માં અભ્યાસ કરતી હતી. ધો.5 સુધીમાં બાળકીને વાંચી શકે તેવી કોઇ પણ દરકાર કરવામાં આવી નથી. જે શાળા છે, તેમાં મોટા ભાગે ગરીબ વર્ગના બાળકો ભણવા માટે આવતા હોય છે. વાલીઓ પણ બાળકો શાળામાં સારી રીતે ભણે તેવી આશાથી મોકલતા હોય છે. પરંતુ શિક્ષિકાનું કૃત્ય જોવામાં આવે તો ધો.5માં ભણતી બાળકીને વાંચતા આવડતું નથી. તે બાબતની પોતાની કોઇ જવાબદારી સ્વીકારી નથી અને વાંચતા આવડતું નથી. તેવું જણાવી મારમાર્યો છે. આમ, શિક્ષિકાબહેને પોતાની ફરજ યોગ્ય રીતે ન બજાવી બાળકીને યોગ્ય રીતે અભ્યાસ ન કરાવી વાંચવાનું કહેતા ન આવડે તે સ્વભાવિક છે. જો શિક્ષક ધારે તો રિસેસના સમયમાં કે શાળાના સમય દરમિયાન બાદ પણ આ પ્રકારના બાળકોને થોડીવાર માટે રોકીને ભણાવી શકાય છે. પરંતુ શિક્ષકો પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે અને નિર્દોષ બાળકોને આવડતું નથી તેવું જણાવી મારમારે છે. સમાજમાં હાલમાં આ પ્રકારના કિસ્સા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. રક્ષક તે જ ભક્ષક હોય તેવી અનુભૂતિ થાય છે. જો શિક્ષિકાને માત્ર ઠપકો આપી છોડી દેવામાં આવે તો સમાજમાં ખૂબ જ ખરાબ મેસેજ જાય અને તમામ શાળાના શિક્ષકોમાંથી બાળકોને માર મારવાનો ભય નિકળી જાય અને બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જતું હોય છે.

Most Popular

To Top