Vadodara

સોખડા સ્વામીનારાયણ મંદિરમાં સ્વામીના આપઘાતની તપાસમાં પોલીસની નિરસતા

નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધાયાને 17થી દિવસ થયા છતાં આરોપી સામે કોઇ કાર્યવાહી કેમ નહી ?

પુરાવાનો નાશ કરી આપઘાતને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર પાંચ આરોપીઓને બચાવવાનો કારસો?

પ્રતિનિધિ વડોદરા તા.22

સોખડા સ્વામીનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીના આપઘાત કેસમાં હાઇકોર્ટના આદેશથી મંજુસર પોલીસ સ્ટેશનમાં નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરંતુ આ ફરિયાદને પણ 17 દિવસ થયા હોવા છતાં કોઇ આરોપીઓ વિરુદ્ધ કોઇ પગલા કેમ ભરાયા નથી ? આરોપીઓને નિવેદન પણ બોલાવાયા નથી. ત્યારે પોલીસ દ્વારા કેમ આ કેસમાં નિરસતા દાખવાઇ રહી છે તેવા સવાલ ઉભા થયા છે.  

સોખડા સ્વામીનારાયણ મંદિર ખાતે 27એપ્રિલ 2022ના રોજ સેવા આપતા ગુણાતીત ચરણદાસ સ્વામીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ વાતની જાણ કિશોરભાઇ નારણભાઇ ત્રાંગડીયા (રહે.વંથલી, જુનાગઢ)  હરીપ્રકાશદાસ, પ્રભુપ્રિયદાસ , જ્ઞાનસ્વરૂપદાસ , ત્યાગવલ્લભદાસ સ્વામીને હતી. પરંતુ તમામ સ્વામીએ ભેગા મળીને આ હકીકતને છુપાવીને ગળે ફાંસાને લગતા પુરાવા હુક અને ગાતડીયું અન્યત્ર ખસેડી નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સ્વામીએ ગુણાતીત ચરણદાસ સ્વામીએ આત્મહત્યા કરી હોવાની વાત છુપાવી હતી અને તેઓનું મોત કુદરતી રીતે નિપજ્યું હોવાનું કહાની ઘડી કાઢી હતી. જે તે સમયે પોલીસે તપાસ કરી ફાઇલ બંધ કરી દીધી હતી. ત્યારબાદ મરણ જનાર ગુણાતીત સ્વામીના કુટુંબિક ભત્રીજાએ હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરાવતા હાઇકોર્ટે બે વર્ષ બાદ મંજુસર પોલીસને કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો. જેમાં ભત્રીજાએ હસમુખભાઇ દ્વારા પાંચ આરોપી વિરુદ્ધ નોન કોગ્નિજેબલ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી આ ફરિયાદમાં પોલીસે કોર્ટમાંથી મંજુરી મેળવીને તપાસ કરવાની હોય છે. ત્યારે પોલીસને કોર્ટે પણ તપાસ કરવા માટેની મંજૂર આપી દીધી છે. ત્યારે નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધાવ્યાને પણ 17 દિવસ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં પોલીસ કેમ મગનું નામ મરી પાડી રહી નથી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મંજુસર પીઆઇ પાસેથી તપાસ લઇને કરજણ પીઆઇને આ કેસની તપાસ સોંપાઇ છે. પરંતુ 20 દિવસ થવા આવ્યા ઉપરાંત કોર્ટમાંથી મંજુર મળી ગઇ હોવા છતાં પોલીસ દ્વારા કેમ ફરિયાદમાં દર્શાવેલા આરોપીઓને નોટિસ આપી નિદેવન માટે બોલાવવામાં આવ્યા નથી. પોલીસ દ્વારા દાખવવામાં આવતી નિરસતા કારણે ખાખીની કામગીરી પર શંકા સેવાઇ રહી છે. બીજીવાર ફરિયાદ દાખલ કરાઇ તેમ છતાં પોલીસ કેમ આરોપીઓ સામે પગલા ભરતી નથી. ત્યારે પોલીસે આરોપી કિશોર નારણ ત્રાંગડીયા, હરીપ્રકાશદાસ, પ્રભુપ્રિયદાસ, જ્ઞાનસ્વરૂપદાસ, ત્યાગવલ્લભદાસ સ્વામી વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે તેવું જોવુ રહ્યુ.

Most Popular

To Top