Vadodara

વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે પાલિકામાં મોરચો




વર્ષો થી પોતાની માંગ સાથે સફાઈ કર્મચારીઓ અને વડોદરા મહાનગર પાલિકા વિવિધ વિભાગો માં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા રોજમદાર અને છૂટક પર કામ કરતા 700 થી વધારે કર્મચારીઓએ આજે તેમના નેતા અશ્વિન સોલંકી સાથે પાલિકાની મુખ્ય કચેરીએ કાયમી કરવાની માંગ સાથે મોરચો લઈ ગયા હતા. મોરચાની જાણ પાલિકાના અધિકારીઓને થઈ જતાં સિક્યોરિટીને કહી મુખ્ય ગેટ પર તાળું કરી દઈ કોઈને અંદર ના પ્રવેશ મળે એ માટે કચેરી નો મુખ્ય ગેટ બંધ કરી દેતા સફાઈ કામદાર ના નેતા અશ્વિન સોલંકી અને સાથે આવેલા કર્મચારીઓ પાલિકા સામે રોષ વ્યકત કરતા હાય હાય ના નારા લગાવ્યા હતા.
એકાદ વરસાદમાં વડોદરા શહેર વેરવિખેર થઈ જાય છે, રોડ-ગટર જેવી પાયાની સુવિધાના કોઈ ઠેકાણા નથી. એનું એક કારણ એ છે કે વડોદરા મહાનગરપાલિકા રોજમદાર અને છૂટક કે કોન્ટ્રાક્ટ પર કામ કરનારાઓ પર નભે છે. વિકાસના દાવાઓ વચ્ચે હકીકત તો એ છે કે છેલ્લા કેટલાય વખતથી નગરપાલિકામાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ નથી. જેના કારણે આખુ પાલિકાનું તંત્ર રોજમદારોના સહારે ચાલી રહ્યુ છે. કાયમી કર્મચારીઓ ધીરે ધીરે નિવૃત થઈ રહ્યા છે. રોજમદારોને વર્ષોથી નોકરી કરવા છતાં કાયમી કરવામાં આવતા નથી. જો આવી જ રીતે ચાલતુ રહ્યુ તો એકાદ બે વર્ષમાં વડોદરા મહાનગર પાલિકા એકેય કાયમી કર્મચારી નહી હોય તેવી સ્થિતિ સર્જાશે તેમ ખુદ પાલિકાના અધિકારીએ થોડા સમય પહેલા ચીમકી આપી હતી. ત્યારે અધિકારીઓ જો બાકીનો સ્ટાફ જલ્દી થી ભરવામાં નહિ આવે તો એક સાથે રાજીનામા આપી દઇશું એવું કહી રહ્યા હતા .

વડોદરા મહાનગર પાલિકામાં ઘણાં વખતથી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ નથી. પરિણામે આઉટસોર્સિંગ એજન્સીઓના કર્મચારીઓ પર પાલિકાનું તંત્ર ચાલી રહ્યુ છે. આ ઉપરાંત વર્ષોથી નોકરી કરતાં રોજમદારો હવે કાયમી નોકરી માટે કોર્ટનો દરવાજો ખટખટાવી રહ્યા છે. સરકારને પણ કાયદાકીય લડત માટે લાખોનો ખર્ચ કરવો પડી રહ્યો છે. આ બધીય મથામણ છતાંય સરકારને ભરતી કરવાનું સુઝતુ નથી. આજે પાલિકાના મોટાભાગના વિભાગોમાં રોજમદારોના સહારે છે. ઓફિસર તરીકે કરાર આધારિત નાયબ કલેક્ટર, મામલતદાર અને નાયબ મામલતદારની નિમણુંક કરવામાં આવી રહી છે. હવે આ મામલે વિરોધ થઈ રહ્યો છે. એવી માંગ ઉઠી છે કે, સાત વર્ષથી વધુ વર્ષના કાયમી કર્મચારીની ખાતાકીય પરીક્ષા લઈ ચીફ ઓફિસર તરીકે નિયુક્તિ કરવી જોઇએ. વહીવટી અનુભવને કારણે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. કેટલીય પાલિકામાં ફાયર બ્રિગેડમાંય જગ્યાઓ ખાલી પડી છે. સ્વચ્છ ભારત મિશન એ પાલિકામાં વહીવટનો એક હિસ્સો બન્યો છે ત્યારે પાંચ વર્ષ પુરા થયાં હોય તેવા કર્મચારીને રેગ્યુલર પોસ્ટિંગ આપી કાયમી નોકરીના લાભ આપવા માંગ કરાઈ છે. આમ, વડોદરા મહાનગર પાલિકા કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરીને વડોદરા મહાનગર પાલિકાઓમાં તાકીદે ભરતી કરવા રજૂઆત કરી છે, તેમ સફાઈ કામદારોના નેતા અશ્વિન સોલંકીએ જણાવ્યું હતું. તેઓએ કીધું હતું કે તમામ વિભાગના કોન્ટ્રાક્ટ પર વર્ષો થી કામ કરતા કામદારો ને કાયમી કરાવવા પોસ્ટ કાર્ડ લખવામાં આવશે જેથી મુખ્ય મંત્રી અને પ્રધાનમંત્રી ને પણ જાણ થાય.

પ્રથમ વરસાદમાં જ મહાનગર વડોદરાની મુશ્કેલીમાં વધારો થયો જોવા મળ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચ મહિનામાં જ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈને આંદોલન શરૂ કરાયું હતું. જાણકારોના મતે, નાગરિકના જન્મથી મૃત્યુ સુધીની અને સરકારની વિવિધ સેવાઓ મહાનગરપાલિકા અને પંચાયતોની જેમ સમાન હોવા છતાં ભેદભાવ રખાઈ રહ્યો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લઘુતમ મહેકમ પણ ઓછું અપાય છે અને વારંવાર જગ્યાઓ માટેનો સમયગાળો લંબાવવો પડે છે તે સ્થિતિમાં કાયમી ભરતી કરાઈ રહી નથી. સરકારને વારંવાર રજૂઆતો છતાં પ્રશ્નોની અવગણના થાય છે. કાયમી કર્મચારીઓ-કામદારો હોય તો તેમની એક જવાબદારી બને છે અને સરકારનું તેમના પર નિયંત્રણ રહે છે. આ રીતે રોજમદાર તરીકે આવતા કમદારોને કોન્ટ્રાક્ટરોએ પણ રોજરોજ શોધવા જવા પડે છે અને શિસ્ત પણ જળવાતું નથી. ત્યારે જનતાની રોજબરોજની તમામ જરૂરિયાતો અને સુવિધાઓ સાચવવાની જવાબદારી જે પાલિકાઓ પર હોય છે, ત્યારે જો તે જ આઉટસોર્સિંગ પર નભે તો જનતાનું શું થાય.

Most Popular

To Top