Vadodara

વડોદરા: ટ્રેડિંગમાં નાણા રોકાણ કરશો તો ડબલ થઈને પરત મળશે તેમ કહી ઠગે રૂ. 15 લાખ ખંખેર્યા..

ભાવિન મકવાણા એ ઇન્વેસ્ટ કરેલા રૂપિયા માંથી એક પણ રૂપિયો પરત નહીં કરતા ઠગાઈની ફરિયાદ

સિક્યુરિટી પેટે આપેલા તેની માતાના છ ચેક પૈકી એક ડિપોઝિટ કરાવતા બાઉન્સ થયો

પ્રતિનિધિ વડોદરા તા.20
મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઇન ટ્રેડિંગનો બિઝનેસ કરતો હોવાનું કહીને ઠગે યુવકને 15 લાખ રોકાણ કરશો તો 27 લાખ પરત મળશે તેવી લાલચ આપી હતી. પરંતુ ઘણો સમય થઈ ગયો હોવા છતાં ભેજાબાજે રોકાણ કરવા આપેલા 15 લાખમાંથી એક રૂપિયો પરત આપ્યો ન હતો. વારંવાર માંગણી કરતા તેણે તેની માતાના છ ચેક સિક્યુરિટી પેટે આપ્યા હતા. જેમાંનો એક ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા બાઉન્સ થયો હોય ઠગ વિરુદ્ધ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગોત્રી રોડ પર કૃણાલ ચોકડી પાસે વ્રજરાજ રેસીડેન્સીમાં રહેતા કાર્થીક રાજન ઐયર ( ઉવ.42) એ ફરિયાદ નોંધાવી છે કે અગાઉ હું ગુગલ ડોટ કોમ કંપનીમાં એચ આર મેનેજર તરીકે નોકરી કરતો હતો અને વર્ષ 2022થી નાની મોટી કંપનીમાં એચ આર લગતી કન્સલ્ટીંગનુ ફ્રીલાન્સીંગનુ કામ કરું છું. ગત 10 માર્ચ 2024 ના રોજ ગઇ હું મારા મિત્ર કૌશલભાઈ પારેખે ભાવિન રજનીકાંત મકવાણા સાથે ઓળખ કરાવી હતી. ભાવિન મકવાણા મોબાઈલ એપ્લીકેશનથી ઓનલાઈન ટ્રેડીંગનો વ્યવસાય કરતો હોવાનુ જણાવતા તેની સાથે ટ્રેડીંગના વ્યવસાયને લગતી ઘણી વાતચીત થઈ હતી. ભાવિન હાલમાં યુએસડીટીનો ટ્રેડીંગનો વ્યવસાય કરતો હોવાનું જણાવી ટ્રેડીંગમાં નાણા રોકવામાં આવે તો જેટલા નાણા રોકાશે તેના ડબલ નાણા પરત મળશે. જેથી મને તેણે ટ્રેડિંગ બાબતે સમજાવ્યું હતું. ત્યારબાદ તેણે મોબાઈલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી અને તે એપ્લીકેશનથી તે યુએસડીટીના ટ્રેડીંગનું કામ કરે છે અને જો ટ્રેડીંગમાં પૈસા રોકવા હોય તો આ એપ્લીકેશનમાં નાણા ટ્રાંસ્ફર કરવા પડશે. જો નાણા ટ્રેડીંગમાં રોકશે તો તેના ડબલ રોજે રોજ ઓનલાઈન યુપીઆઈ દ્વારા અથવા રોકડેથી ચુકતે કરી આપશે તેમ જણાવ્યું હતું. જેથી ભાવીન મકવાણા મારા મિત્ર કૌશલ પારેખનો મિત્ર હોવાથી તેણે મને મારા ટ્રેડીંગમાં રોકેલા પૈસા કોઈ જગ્યાએ ડૂબે નહી તેવો વિશ્વાશ આપી ટ્રેડીંગમાં નાણાનું રોકાણ કરવા કહ્યું હતું. ત્યાર બાદ મે ભાવીન મકવાણાને રોકડા રૂપિયા 1.80 લાખ ટ્રેડીંગ વ્યવસાયમાં રોકવા માટે આપ્યા હતા અને તેણે આ રૂપિયા એક મહીનામાં ડબલ થઈને રૂપિયા ત્રણ લાખ સાઈઠ હજાર મળી જશે તેમ જણાવ્યું હતું. ભાવીન મકવાણા અમને થોડા દિવસ સુધી રોજના 9 હજાર રૂપિયા ક્યારેક રોકડે અને જીપેથી ચુકવતો હતો. દરમિયાન તેણે મને ફોન કરી નટુભાઈ સર્કલની આગળ અકોટા ચાર રસ્તા પાસે આવેલ કાઠિયાવાડી ખડકી પાસે બોલાવતા હુ તેને મળવા ગયો હતો ત્યારે તેણે નવી સ્કીમ આવી હોવાનુ જણાવી તે સ્કીમમાં રૂ.15 લાખ રોકશો તો 27 લાખ મળશે તેવી લાલચ આપી હતી. પરંતુ આ ભાવિન મકવાણાએ અગાઉના 1.80 લાખ મુડીની રકમ પુરેપુરી ચુકતે કરી દિધા હોય તેના ઉપર વિશ્વાશ હતો. જેથી તેને રૂપિયા 15 લાખ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવા માટે આપ્યા હતા. પરંતુ ભાવિન મકવાણાએ આજ દિન સુધી 15 લાખમાંથી એક રૂપિયો પરત આપ્યો નથી. વારંવાર ફોન કરતા ભાવીને મારો ફોન રિસીવ કરવાનો બંધ કરી દીધું હતું અને વોટસેપ પર પણ કોઈ પ્રકારનો જવાબ આપતો ન હતો. મારા પૈસાની સિક્યુરીટી માટે ભાવિન મકવાણાને વાત કરતા તેણે તેના તમામ એકાઉન્ટ ફ્રીજ થયેલા હોવાનું જણાવી મને તેની મમ્મી વિજ્યાબેન રજનીકાંત મકવાણાના બીઓબી મકરપુરા શાખાના 6 ચેક આપ્યા હતા. જે પૈકી એક ચેક અમારા બીઓબી ઈલોરાપાર્ક શાખામાં વટાવતા તે ચેક બાઉન્સ થયો હતો. અકોટા પોલીસે તેમની ફરિયાદના આધારે ઠગ મકવાણા વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top