( પ્રતિનિધી ) વડોદરા, તા.20
વડોદરાના મકરપુરા વિસ્તારમાં પડેલા ભુવામાં એસટી બસ ફસાઈ ગઈ હતી. બસનું ટાયર ભુવામાં ફસાઈ જતા મુસાફરો ગભરાયા હતા બનાવને લઈને સ્થાનિક જાગૃત મહિલા સામાજીક કાર્યકર દોડી આવ્યા હતા. જ્યારે બીજી તરફ ક્રેઇનની મદદ વડે બસને બહાર કાઢવામાં આવી હતી.
સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકા તંત્રની વધુ એક વખત પોલ ઉઘાડી પડી છે.છેલ્લા ઘણા દિવસોથી વડોદરા શહેરમાં ભુવા નિર્માણ પામી રહ્યા છે.જો કે હજી સુધી પાલિકા તંત્ર આ ભુવા પુરવાની કામગીરી હાથ ધરી નથી. તેવામાં શુક્રવારે મકરપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી સુરત વડોદરા ડાકોર રૂટ ઉપરની એસટી બસ માર્ગ પર પડેલા ભુવા માં થાકી હતી.બસનું ટાયર ભુવામાં ફસાઈ ગયું હતું. અચાનક બસ એક તરફ નમી જતા બસમાં બેઠેલા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.મુસાફરોને કોઈ ઇજા પહોંચી ન હતી. જ્યારે બસને ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.