વસોમાં વિસર્જન યાત્રામાં હોબાળા મામલે 12 વિધર્મી શખ્સ સામે ગુનો નોંધી અટકાયત કરાઇ
(પ્રતિનિધિ) નડિયાદ, તા.18
વસોમાં ગતરોજ નીકળેલી વિસર્જન યાત્રામાં બે કોમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાબતે લઘુમતિ કોમના 12 ઈસમો સામે ગુનો દાખલ થયો છે. જેમા આ ઈસમો દ્વારા વિસર્જન યાત્રામાં દખલ કરવા એકસંપ થઈને ગાળો બોલી અને ગુનો કર્યો હોવા મામલે ફરીયાદ નોંધાઈ છે અને આ ગુનાની તપાસ માતર પી.આઈ. જી.એન. પરમારને સોંપવામાં આવી છે.
વસોમાં ગઈકાલે ગણપતિની વિસર્જન યાત્રા નીકળી હતી. જે દરમિયાન સમી સાાંજે 4 વાગ્યાના અરસામાં આ વિસર્જન યાત્રા ગામની મુખ્ય જામા મસ્જીદ પાસેથી પસાર થતી હતી. તે વખતે બંને કોમ વચ્ચે ઘર્ષણ થયુ હતુ અને ઉગ્ર બોલાચાલી બાદ મામલો તંગ બન્યો હતો. મોડી રાત્રે આ મામલે વસો પોલીસ મથકના પોલીસ સબ ઈન્સપેક્ટરે હિન્દુ પક્ષની ફરીયાદ પંકજભાઈ પટેલ (ઉં.58)ના આધારે દાખલ કરી છે. જેમાં 12 ઈસમો સામે તમામ આરોપીઓએ એકસંપ થઈને પોતાનો સમાન ઈરાદો પાર પાડવાના ઈરાદે હાથમાં ડંડા લઈ ગેરકાયદેસર મંડળી રચી ગણપતીજીની શોભાયાત્રા પસાર થતી હોય તેમાં દખલ કરવાના ઈરાદે ગાળો બોલી ગુનો કર્યો હોય, તેમની સામે બી.એન.એસ. કલમ 189 (2), 190, 191 (2), 352 મુજબ ગુનો દાખલ કર્યો છે.
વસો પોલીસે ગુનો દાખલ કરી બારેય આરોપીને રાઉન્ડઅપ કર્યા છે અને તેમની પૂછપરછ હાથ ધરી છે. આ મામલે વસો પોલીસ મથકના પોલીસ સબ ઈન્સપેક્ટર એચ. એન. આજરાએ ગુનો નોંધ્યો હતો અને તે બાદ આ ઘટનાની તપાસ માતર પોલીસ ઈન્સપેક્ટર જી.એન. પરમારને સોંપવામાં આવી છે. જે સમયે આ ઘટના બની તે વખતે તાત્કાલિક માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ વસો દોડી આવ્યા હતા. આ તરફ હિન્દુ અગ્રણીઓ દ્વારા આ મામલે જણાવાયુ છે કે, વસોમાં જામા મસ્જીદ પાસે અગાઉ જ ત્યાં ઉપર લગાવાયેલા પડદા કાઢી લેવા જણાવાયુ હતુ, જો તે પડદા કાઢી લેવાયા હોત તો ડ્રોન અને કેમેરાના મદદથી સ્થિતિ પર ધ્યાન રાખી શકાય તેમ હતુ. પરંતુ આ પડદા કાઢવામાં આવ્યા નહોતા અને તેની આડમાં બોલાચાલી કર્યા બાદ ગણતરીની સેકન્ડમાં સામા પક્ષ જોડે હથિયારો આવી ગયા હતા અને તેમણે હુમલો કર્યો હતો. જેમાં વિસર્જન યાત્રામાં શામેલ એક વ્યક્તિને ઈજા પહોંચી છે. જો કે, આ અંગે તપાસકર્તા પી.આઈ. જી.એન. પરમારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આ અંગે વિસર્જનયાત્રા દરમિયાન બે કોમ વચ્ચે બોલાચાલી થઈ હોવાની ફરીયાદ નોંધાઈ છે. હાલ તો આરોપીઓની અટકાયત કરી છે અને ઈજાગ્રસ્તો અંગે જણાવ્યુ હતુ કે, તપાસમાં આવુ કંઈ સામે આવશે તો તે અંગે કાર્યવાહી કરવામાં આવશે.
આ આરોપીઓ સામે ફરીયાદ
મકશુદ્દીન ઈમુદ્દીન સૈયદ, ઈમરાનભાઈ હનીફભાઈ વહોરા, એઝાઝભાઈ હનીફભાઈ વહોરા, સાગીરભાઈ યુસુફભાઈ વહોરા, માહિર રસુલભાઈ ઈન્દિરાનગરીવાળો, નદીમભાઈ બાબુભાઈ પાનાર, ફિરોજભાઈ સલીમભાઈ વહોરા, આસિફભાઈ ઉર્ફે ભુરીયો વહોરા, ઈરફાનભાઈ સત્તારભાઈ વહોરા, આફો વહોરા, સલમાન યુસુફભાઈ વહોરા, સાજીદ યુનુસભાઈ વહોરા (બાકડી), અન્ય દસેક માણસોનું ટોળુ.
વસોમાં ધાર્મિક શોભાયાત્રા દરમિયાન ઢોલ – નગારા બંધ કરાવવાને લઇ રોષ
વસોમાં ગણેશ વિસર્જન બાદ થયેલા છમકલાને લઇ ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ અંગે વસોના હિન્દુ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ગામમાં નિકળતી ધાર્મિક શોભાયાત્રા તથા ગણપતિ અને રામનવમીની શોભાયાત્રા અને જૈન ધર્મોવાળાની પણ નિકળતી શોભાયાત્રામાં વિધર્મીઓ દ્વારા બેન્ડ વાજા તથા ઢોલ, નગારા બંધ કરાવવામાં આવે છે. તે આગામી દિવસોમાં બંધ ન કરાવે અને જો બંધ કરવામાં આવે તો તેમની સામે યોગ્ય – કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી. આ ઉપરાંત વસો બજારથી વસો ચોકડી સુધી માંસાહારની દુકાનો બંધ કરાવવા, વસો બજાર તથા બસ સ્ટેશન વગેરે વિસ્તારમાં બેસતા અસામાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી હતી.