Charotar

ચરોતરના કઠલાલ, મહુધા બાદ હવે વસોમાં કોમી છમકલું


ગણેશ વિસર્જન ની યાત્રા દરમિયાન ગુલાલ ઉડાડવાની બાબતે ઉગ્ર બોલાચાલી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.17
વસો ગામમાં મુખ્ય મસ્જીદ પાસે આજે ગણેશ વિસર્જન યાત્રા પહોંચી તે સમયે બે કોમ વચ્ચે મામલો બિચક્યો હતો. જેમા બે પક્ષો સામસામે આવી જતા થોડા સમયમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું. જો કે, સ્થાનિક પોલીસ સ્થળ પર હાજર હોવાથી તાત્કાલિક બંન્ને પક્ષોને શાંત કરી છૂટા કર્યા હતા. હાલ જિલ્લા પોલીસનો કાફલો વસો પહોંચ્યો છે.
આ બનાવ અંગે સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ વસો ગામમાં મંગળવાર બપોરે 4 વાગ્યાના અરસામાં ગણેશ વિસર્જન યાત્રા શહેરની મુખ્ય મસ્જીદ પાસેથી પસાર થઇ રહી હતી. તે સમયે અગાઉ નિર્ધારિત કર્યા મુજબ યાત્રા નમાઝના સમયે 10 મિનિટ રોકવાની હતી. જો કે આ યાત્રા રોકાઇ ન હતી અને દરમિયાન યાત્રામાંથી કેટલાક તત્વોએ પ્રથમ ત્યાં હાજર લધુમતી કોમના લોકો પર ગુલાલ નાંખ્યો હતો. જે બાદ મસ્જીદના ગેટ પર ગુલાલ નાંખ્યો હતો. આટલા સુધી વાતાવરણ શાંત રહ્યુ હતુ. તે બાદ મસ્જિદ પાસે ચોક્કસ ધાર્મિક ગીતો વગાડી અને ડાન્સ શરૂ કર્યો હતો. દરમિયાન કેટલાક તત્વોએ ખોટી રીતે મસ્જીદના થાંભલા પર ભગવો ઝંડો ફરકાવવાનો પ્રયાસ કરતા મામલો બિચકયો હોવાની ચર્ચા છે. તે બાદ સ્થળ પર બંન્ને કોમના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો વધુ ગંભીર બને તે અગાઉ સ્થળ પર હાજર સુરક્ષા જવાનોએ સ્થિતિ સંભાળી લઇ મામલો શાંત પાડયો હતો. આ બનાવમાં એક પોલીસકર્મીને ઇજા પહોચી હોવાનુ પણ ચર્ચાઇ રહ્યુ છે. આ વચ્ચે હાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ વસો પહોચ્યા છે, બીજી તરફ હિન્દુ સંગઠનના લોકો પણ પણ પોલીસ મથકે પહોચ્યા છે. તો આ બાબતે બંન્ને પક્ષની ફરિયાદ નોંધાઇ નથી. તેમ પોલીસ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

સામાન્ય બોલાચાલી થઇ છે, મોટુ કઇ નથી.
આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે,
બે પક્ષો વચ્ચે સામાન્ય બોલચાલી થઇ હતી. તે સિવાય મોટુ કઇ નથી. આ અંગે બંન્ને પક્ષો દ્વારા જે લેખિત રજૂઆત કરાશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

વસો પોલીસની દેખીતી બેદરકારી

વસોમાં જે છમકલું થયું એમાં વસોના પીએસઆઈ આજરાની દેખીતી બેદરકારી બહાર આવી છે. સંવેદનશીલ ગામ હોવા છતાં તેઓ યોગ્ય બંદોબસ્ત ગોઠવણમાં નિષ્ફળ ગયા હતાં. જે પોઇન્ટ પર પોલીસની સતર્કતા હોવી જોઈએ તે પણ જોવા મળી નહોતી.

Most Popular

To Top