પકડ વોરંટ ઇશ્યુ કરવા ગયા તે સમયે પટ્ટા – ટોપી ઉતારી દેવાની ધમકી આપી
(પ્રતિનિધિ) ખંભાત તા.16
ખંભાતના ઉંદેલ ગામમાં રહેતા માથાભારે શખ્સે પોલીસ કોન્સ્ટેબલને પટ્ટા – ટોપી ઉતારી લેવાની ધમકી આપી હતી. આ શખ્સ સામે મારામારીનો કેસ હતો અને તેનું પકડ વોરંટ ઇશ્યુ કરવા પોલીસ જતાં ધમકી આપી હતી. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.
ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ રોશનકુમાર જગદીશભાઈ કલમસર આઉટ પોસ્ટમાં છેલ્લા બે માસથી સમન્સ બજવણી તથા પરચૂરણ કામગીરી કરે છે. તેઓ 15મી સપ્ટેમ્બરના રોજ બપોરના સુમારે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ પ્રવિણસિંહ સાથે સમન્સ, વોરંટની બજવણી કરવા નિકળ્યાં હતાં. તેઓ ઉંદેલ બસ સ્ટેન્ડ પાસેના સર્કલ નજીક પહોંચ્યાં તે સમયે ધુવારણ – ખંભાત રોડ પર ગટર લાઇન ખોદી હતી. જેથી ટ્રાફિક નિયમન માટે બંદોબસ્તમાં હાજર હતાં. આ સમયે સાકીર ઉર્ફે સાકા મહેબુબ પઠાણ (રહે. ઉંદેલ) ત્યાં હાજર હતો. જે અવાર નવાર પોલીસ સ્ટેશન ખાતે આવતો હતો અને તેની સામે સમન્સ આવતા હોવાથી તેની બજવણી કરતાં હોય છે. આથી, સાકીર ઉર્ફે સાકાનું પકડ વોરંટ ઇશ્યુ થયેલું હોવાથી તેની બજવણી માટે હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહે આ સીકરને રોક્યો હતો અને પકડ વોરંટ બાબતે જાણ કરી હતી. આથી, સાકીર ઉશ્કેરાઇ ગયો હતો અને મોટે મોટેથી બોલવા લાગ્યો હતો કે, આવા પકડ વોરંટ આવતા રહેતા હોય છે. તમે પોલીસ મારૂ કંઇ બગાડી શકશો નહીં. હું મોટી રાજકીય વગ ધરાવું છું. હું તમારા પટ્ટા – ટોપી ઉતારી નાંખીશ તેમજ જિલ્લા ટપાડી દઇશ. તેવી ધમકીઓ આપી હતી. આ ઉપરાંત જાહેરમાં અશ્લીલ શબ્દો બોલતો હતો. આ અંગે પોલીસ સ્ટેશન જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને સાકીર ઉર્ફે સાકા પઠાણની પકડ વોરંટના આધારે ધરપકડ કરી લોકઅપમાં મુકી દીધો હતો. આ ઉપરાંત કોન્સ્ટેબલ રોશનકમારની ફરિયાદ આધારે સાકીર ઉર્ફે સાકા મહેબુબ પઠાણ સામે ગુનો નોંધ્યો હતો.