પ્રતિનિધિ વડોદરા તા 16
ડભોઇ રોડ પર સોમા તળાવ વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતી મહિલા પોતાના પતિના પાનના ગલ્લાના પગથીયા પર બેઠા હતા. તે દરમિયાન એક શખ્સ તેમના ગળામાંથી રુ.90 હજારનું બે તોલા સોનાનું મંગલસૂત્ર તોડીને ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે રીઢા આરોપીને ગાજરાવાડીથી ગણેશનગર તરફ જતા રોડ પરથી ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને વાડી પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપ્યો છે.
વડોદરાના ડભોઇ રોડ પર સોમાતળાવ વિસ્તારમાં આવેલા મહાનગર વુડાના મકાનમાં રહેતા આધેડ વયના મહિલા પોતાના પતિના પાનના ગલ્લાના પગથીયા પર બેઠા હતા. તે દરમિયાન તેમના વિસ્તારોમાં અગાઉ રહેતા સમીર ઉર્ફે સદ્દુ હનીફ પટેલ પાનના ગલ્લા પર આવ્યો હતો. જેથી મહિલાએ તેમને શું જોઈએ છે તેવું પૂછ્યું હતું. પરંતુ સમીરે કંઈ બોલ્યો ન હતો અને એકાએક જ મહિલાએ ગળામાં પહેરેલું 90 હજારનું બે તોલાનું સોનાનું મંગળસૂત્ર તોડીને ફરાર ગયો હતો. મહિલાએ બુમાબૂમ કરતા પતિએ તેની પાછળ દોડીને પીછો કર્યો હતો પરંતુ રીઢો આરોપી હાથમાં આવ્યો ન હતો. મહિલાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ મંગળસૂત્ર તોડીને ફરાર થઈ ગયેલા શખ્સની શોધખોળ કરી રહી હતી. દરમિયાન હ્યુમન સોર્સીસના આધારે ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે મંગળસૂત્ર તોડીને ભાગનાર રીઢો આરોપી સમીર ઉર્ફે સદુ પટેલ ગાજરાવાડીથી ગણેશ નગર તરફ જઈ રહ્યો છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબની જગ્યા પર પહોંચીને રીઢા આરોપી સમીર પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે વાડી પોલીસ સ્ટેશનમાં સોંપાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રીઢા આરોપી સમીર ઉર્ફે સદુ પટેલ વિરુદ્ધ અગાઉ બાપોદ અને વાડી પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ તથા મારામારીના ગુનાઓ નોંધાયેલા છે.