Vadodara

અલકાપુરી ગરનાળાની ગટરની સમસ્યાનું બે દિવસ બાદ નિરાકરણ આવ્યું

સમસ્યાઓ જો મીડિયા ઉજાગર ન કરે તો તંત્ર હાથ પર હાથ રાખીને બેસી જ રહેશે



પ્રતિનિધિ વડોદરા તા. 16
ચોમાસામાં વરસાદ આવે ત્યારે વડોદરા શહેરનું અલકાપુરી ગરનાળુ છલકાય એ વર્ષો જૂની પરંપરા છે, અને આ સમસ્યા માટે લોકો ટેવાઈ પણ ગયા છે પરંતુ વરસાદે જ્યારે વિરામ લીધો હોય ત્યારે પણ જો અલકાપુરી ગરનાળુ ભરાઈ જાય તો ચોક્કસ પણે વડોદરા મહાનગર પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થાય.
રેલવે સ્ટેશનના પાછળના ભાગથી લઈને ગરનાળા પાસેની ગટરો ઉભરાઈ રહી છે, અને તેમાંથી ઉભરાતા પાણી ગરનાળામાં ભરાયા છે. છેલ્લા બે દિવસથી મીડિયા દ્વારા ઉભરાતા ગટરના પાણી બાબતે અહેવાલ રજૂ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ બપોર પછી તંત્ર દ્વારા ગટર ની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

આ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે જો મીડિયા નાગરિકોને થતી સમસ્યાઓ ઉજાગર ન કરે તો તંત્ર હાથ પર હાથ રાખીને બેસી જ રહેશે. અલકાપુરી ગરનાળુ એક એવી જગ્યા છે જ્યાંથી દિવસ અને રાત્રી દરમિયાન હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે. સાથે જ સત્તાધીશો અને કોર્પોરેશન ના અધિકારીઓ પણ આ રસ્તા પરથી વારંવાર આવતા જતા હોય છે. તેમ છતાં ઉભરાતા ગટરના પાણીની સમસ્યા આ લોકોની નજરમાં કેમ નથી આવતા તે એક મોટો પ્રશ્ન છે. વિચારવા જેવી બાબત એ છે કે વડોદરા મહાનગરપાલિકા પાસે ગટરની સાફ-સફાઈ માટે મોટા મોટા મશીનો છે અને તેની સાથે સ્ટાફ પણ છે છતાંય આ પ્રકારે ગટર ની સમસ્યાનો નિરાકરણ લાવવા માટે મહાનગરપાલિકાનું તંત્ર વિલંબ કેમ કરે છે. જો કોઈ મહાનગરપાલિકા ના અધિકારી કે સત્તાધીશો ના ઘરની સામે આ પ્રકારની ગટર ઉભરાતી હોત તો તાત્કાલિક સમસ્યાનો નિવારણ આવી ગયું હોત પરંતુ જાહેર માર્ગ પર કોને નડે છે તેવી વિચારધારા કદાચ વડોદરા મહાનગરપાલિકા રાખતી હોય તેવું જણાઈ આવે છે.

Most Popular

To Top