Vadodara

વડોદરા : ગેરકાયદે જગ્યા પર રિધમ હોસ્પિટલનો ઓક્સિજન રિફલિંગ પ્લાન્ટ જોખમી

કોઇ દિવસ પ્લાન્ટમાં દુર્ઘટના સર્જાય અને કોઇની જાન જોખમમાં મુકાશે તો કોણ જવાબદાર ?

સિધ્ધાર્થ બંગ્લોઝના રહીશોમાં ગેરકાયદે પાર્ક થતાં વાહનો તથા પ્લાન્ટને લઇ અકસ્માતની ભીતિ

પ્રતિનિધિ વડોદરા તા.15

સમા વિસ્તારમાં આવેલા રિધમ હોસ્પિટલ સંચાલકો દ્વારા દાદાગીરી કરીને રાતોરાત જાહેર જગ્યા પર ફેન્સિંગ લગાવી કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સિધ્ધાર્થ બંગ્લોઝના રહીશોએ વિરોધ કરવા સાથે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે હોસ્પિટલના સત્તાવાળાએ ફેન્સિંગ દુર કરીને જગ્યા ખુલી કરી નાખી છે. પરંતુ હજુ હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન બોટલોનો રિફલિંગ માટેનો પ્લાન્ટ સોસાયટીમાં જૈસે થેની સ્થિતિમાં રાખી મુક્યો છે. ત્યારે આ પ્લાન્ટમાં દુર્ઘટના સર્જાવાના કારણે કોઇની જાન જોખમમાં મુકાશે તો તેના માટે જવાબદાર કોણ , તેવા સવાલો ઉભા થયા છે. હોસ્પિટલના સત્તાવાળાઓ પોતાની મનમાની કરીને જાહેર રોડ પર આડેધડ વાહનો પાર્ક કરાવતા હોય છે. જેના કારણે સ્થાનિક સહિતના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે.  

વડોદરાના સમા વિસ્તારમાં વિશ્વામિત્રી પાસે સિધ્ધાર્થ બંગ્લોઝ સોસાયટી આવેલી છે. મસમોંઘી કિંમતમાં મકાન ખરીદીને લોકો રહેવા માટે આવ્યા છે. પરંતુ સોસાયટીની બાજુમાં આવેલા રિધમ હોસ્પિટલના સંચાલકો દ્વારા કરાતી દાદાગીરીને કારણે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. હોસ્પિટલમાં દ્વારા પોતાના તથા દર્દીઓના વાહનો મુકવા માટે કોઇ પાર્કિંગની વ્યવસ્થા કરાઇ નથી. પરિણામે હોસ્પિટલના સ્ટાફ સહિતના લોકો  દ્વારા સોસાયટી તથા જાહેર રોડ પર વાહનો પાર્ક કરી દેતા હોવાના કારણો સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. હોસ્પિટલના સત્તાધીશોને કહેવા જતા સ્થાનિકો સાથે અગાઉ બોલાચાલી તથા પોલીસ કેસ થયા હોવાના કિસ્સા પણ બની ચુક્યા છે. ત્યારે ફરીવાર હોસ્પિટલના સંચાલકો દ્વારા પોતાના મનમાની કરીને જાહેર રોડ જાણે પોતાની માલિકીનો હોય તેમ તેના પર ફેન્સિંગ કરીને ગેટ બેસાડી કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો ગઇકાલે શનિવારે 250 જેટલા સ્થાનિક લોકોએ વિરોધ કરવા સાથે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે સત્તાધીશો શાનપણ અપનાવી ફેન્સિંગ દુર કર્યા બાદ રોડ પર નાખેલા મોટા મેન્ટલ પથ્થરોથી ઓટલો બનાવવા કામને પડતું મુક્યું હતું. પરંતુ હજુ સુધી રિધમ હોસ્પિટલ ઉપયોગમાં આવતા ઓકિસજનના બોટલને રિફલિંગ કરવાનો માટેનો પ્લાન્ટ સોસાયટીમાં જૈસે થેની સ્થિતિમાં રાખી મુક્યો છે. જે હજુ સુધી હટાવાયો નથી. ત્યારે હોસ્પિટલના ઓક્સિજનના બોટલો રિફલિંગ કરતી વેળા જો કોઇ દિવસ બ્લાસ્ટ જેવી ઘટના સર્જાશે અને કોઇને જાનહાનિ પહોંચશે તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલો સ્થાનિક લોકો કરી રહ્યા છે.

હજુ કેટલુ દબાણ ગેરકાયદે ? અધિકારી દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરાય તો ઘણી વિગતો બહાર આવે  

રિધમ હોસ્પિટલના સત્તાવાળાઓએ હોસ્પિટલ તો બનાવી દીધુ અને તેમાંથી અઢળક નફો પણ રળી રહ્યા છે. પરંતુ પોતાના સેપરેટ પાર્કિંગની વ્યવસ્થા કરતા નથી. સ્થાનિકો દ્વારા સંચાલકોને અન્ય જગ્યા ભાડે રાખીને હોસ્પિટલના વાહન પાર્કિંગ કરાવવા બાબતે વારંવાર કહેવા છતાં ચાડી ચામડીના સંચાલકોના પેટનું પાણી હાલતુ નથી. જાહેર રોડ પર ગેરકાયદે કબજો કરીને વાહન પાર્ક  કરાવી  લોકોને હેરાન કરવામાં તેમને રસ તેવું લાગી રહ્યું છે. ફેન્સિંગ ગેરકાયદે હોવાથી તોડી પડાયું તો પછી હજુ કેટલુ ગેરકાયદે દબાણ હોસ્પિટલના સંચાલકો દ્વારા કરાયું છે. અધિકારીઓ દ્વારા ઉડાંણ પુર્વક અને કાયદેસર રીતે તપાસ થાય તો ચોકાવનારી વિગતો બહાર આવે તેમ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top