કોર્પોરેશનના ભ્રષ્ટ વહીવટના કારણે 1 વર્ષ સુધી ભક્તો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન નહીં કરે, મંડળે લીધો નિર્ણય
આજવા રોડ એકતાનગર ખાતે રોડ રસ્તાની ખખડધજ હાલત :
એક મહિના પહેલા કોર્પોરેશનમાં અને સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરવા છતાં પણ કોઈ સાંભળવા તૈયાર નથી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.15
વડોદરા શહેરમાં શ્રીજીની પ્રતિમાઓનું ઠેર ઠેર સ્થાપન કરવામાં આવ્યું છે. તારીખ 17 મીના રોજ દસ દિવસ સુધી સ્થાપિત થયેલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. ત્યારે કેટલાક શ્રીજી ભક્તોમાં તંત્રના પાપે રોષની લાગણી ફેલાય છે આજવા રોડ એકતાનગર ખાતે જય ભીમ યુવક મંડળ દ્વારા આ વખતે રોડ રસ્તાના ઠેકાણા નહિ હોવાથી એક વર્ષ સુધી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન નહીં કરવાનો નિર્ણય કરાયો છે.
જય ભીમ યુવક મંડળ, એકતા નગર આજવા રોડ આંબેડકર નગર મરાઠી મહોલ્લોના આયોજકોએ જણાવ્યું હતું કે 1984 થી ગણપતિજીની સ્થાપના કરીએ છીએ અને એક મહિનાથી અમે લોકો કોર્પોરેશનમાં રજૂઆત કરીએ છીએ કે ગણપતિ બાપ્પા આગમન કરી રહ્યા છે. તમને રોડ રસ્તા સીધા કરી આપજો. પણ એ લોકો કહે છે કરી આપીશું, પણ હજી સુધી થયું નથી. એટલે અમે આ વખતે શ્રીજીની પ્રતિમાને ફરાવી ફરાવીને લઈને આવ્યા છીએ.
પણ હવે વિસર્જન વખતે અહીંથી જતા જતા રસ્તો એટલો ખરાબ છે કે અહીંથી વિસર્જન વખતે પ્રતિમા ખંડિત થશે એવી અમને બીક લાગે છે. એના કારણે હવે અમારા મંડળના તમામ લોકોનો નિર્ણય છે કે અમારે હવે વિસર્જન નથી કરવું. આવતા વર્ષે અમે વિસર્જન કરીશું કે જ્યારે વ્યવસ્થા થશે. કોર્પોરેશન રોડ રસ્તા વ્યવસ્થિત બનાવશે ત્યારે અમે વિસર્જન કરીશું. પણ હવે નહીં કરીએ. કારણ કે એક મહિના પહેલાથી અમે રજૂઆત કરતા આવ્યા પછી હવે થાકી ગયા છીએ. એકતા નગરમાં કોઈને કોઈક સુવિધા છે અને કોઈકને નથી એ દેખાઈ આવે છે.