Vadodara

ગણેશ વિસર્જનમાં 6500 સુરક્ષા જવાનો ખડે પગે હાજર રહેશે..

ગણેશ વિસર્જન અને ઈદ એ મીલાદ માટે વડોદરા શહેર પોલીસ સજ્જ, પત્રકાર પરિષદ થકી આપી માહિતી

પ્રતિનિધિ વડોદરા તા. 15
દેશ-વિદેશમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. વડોદરા શહેર ના લોકો પણ આ તહેવાર ખૂબ જ ઉત્સાહભેર ઉજવી રહ્યા છે. ગણેશ ઉત્સવની સાથે સાથે આવતીકાલે 16 સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદની ઉજવણી પણ મુસ્લિમ ધર્મના લોકો દ્વારા કરવામાં આવશે. 17 સપ્ટેમ્બર અનંત ચતુર્દશી દિવસે શ્રીજીની પ્રતિમા ઓનું વિસર્જન થશે. આઠ કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેર પોલીસ આ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે સંપૂર્ણપણે સજ્જ છે.

આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા પોલીસ ભવન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદ થકી માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે આવતીકાલે 16 સપ્ટેમ્બર ના રોજ શહેરમાં ઈદ એ મીલાદ ની ઉજવણી કરવામાં આવશે અને તેના બીજા દિવસે એટલે કે 17 સપ્ટેમ્બર મંગળવારના રોજ શહેરમાં ધામધૂમથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન પણ થવાનું છે. આ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે વડોદરા શહેર પોલીસ તૈયાર છે. વડોદરા શહેર પોલીસના ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઇ સહિત 3500 થી વધુનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ ઉપરાંત ગણેશ વિસર્જન યાત્રાઓ અને કૃત્રિમ તળાવ પર વડોદરા શહેર પોલીસની સાથે સાથે રાષ્ટ્રીય અનામત દળ અને રાજ્ય અનામત દળ ના જવાનો પણ બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે.

ગણેશ વિસર્જન માટે તૈયાર કરેલા આઠેય કૃત્રિમ તળાવ પર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ શહેર આયોજકો સાથે અને શાંતિ સમિતિની બેઠકો પણ કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વિસર્જન પૂર્વે ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા દોઢ મહિનાથી ગણેશ ઉત્સવ સારી રીતે ઉજવાય તે માટે આગમન યાત્રાઓથી લઈને વિસર્જન સુધી પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ પ્રકારનો અણબનાવ ન થાય તે માટે ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરા તેમજ બોડી વોર્ન કેમેરા થકી ચાંપતી નજર રાખવામાં આવશે. કોઈપણ પ્રકારની અફવા ન ફેલાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે અને સોશિયલ મીડિયા પર પણ પોલીસની ચાંપતી નજર રહેશે.

Most Popular

To Top