મોબાઈલ ચોરી કરીને ભાગેલો શખ્સ સીસીટીવી કેમેરામાં કંડારાયો
પ્રતિનિધિ વડોદરા તા.11
વડોદરાના કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા ક્રોમા સેન્ટરમાં ખરીદી કરવાના બહાને ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયો કર્મચારીની નજર ચૂકવી રુ.23 હજારના મોબાઈલની ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. જોકે મોલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોર કંડારાઈ ગયો હોય હરણી પોલીસે મોબાઈલ ચોરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
મૂળ મહારાષ્ટ્રના આનંદ વિરેન્દ્ર કનોજીયા સમા વિસ્તારમાં રહે છે અને કારેલીબાગ ખાતે આવેલા ક્રોમા સેન્ટરમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 8 સપ્ટેમ્બરના રોજ તેઓ નોકરી પર હતો અને ત્યારે સાંજના સમયે ક્રોમા સેન્ટરમાં હાજર હતા. તે દરમિયાન એક શખ્સ મોબાઇલ ખરીદવા માટે આવ્યો હતો અને સેમસંગ કંપની મોબાઈલ બતાવો તેમ જણાવ્યું હતું. ત્યારે સ્ટાફમાં નોકરી કરતા પ્રતિભા પ્રસાદે મોબાઈલ બતાવ્યો હતો. દરમિયાન સેન્ટરમાં અન્ય ગ્રાહકો ખરીદી કરવા માટે આવતા તેમના તરફ ધ્યાન ન રહેતા મોબાઈલ લેવા માટે આવેલો ગઠિયો વન પલ્સનો રૂપિયા 23 હજારનો મોબાઈલ છુપી રીતે ચોરી કરીને લઈ ગયો હતો. જોકે ક્રોમા સેન્ટરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં મોબાઈલ ચોર ગઠિયો કંડારાઈ ગયો હતો. મેનેજરે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજની આધારે મોબાઈલની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.