ભારત સાથેની સરહદે સતત ઉંબાડિયા ફેંકી રહેલું ચીન ફરી એકવાર આ સંદર્ભમાં સમાચારોમાં ચમક્યું છે. ચીનના લશ્કર પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ના સૈનિકો ભારતના રાજ્ય અરૂણાચલ પ્રદેશમાં ૬૦ કિલોમીટર જેટલા અંદર સુધી તાજેતરમાં ઘૂસી આવ્યા હોવાનો બનાવ બન્યો હોવાનું મીડિયા અહેવાલ જણાવે છે. આ બનાવ એકાદ સપ્તાહ પહેલાનો હોવાનું કહેવાય છે જેની વિગતો હાલમાં બહાર આવી છે. ચીની સૈનિકો અરૂણાચલ પ્રદેશના અંજો જિલ્લામાં પ્રવેશ્યા હતા. તેઓ આ જિલ્લાના કાપાપુ વિસ્તારમાં કેટલોક સમય છાવણી નાખીને રોકાયા પણ હતા એ મુજબ એક મીડિયા અહેવાલે જણાવ્યું હતું. આ ઘૂસણખોરી એકાદ સપ્તાહ પહેલા થઇ હોવાનું કહેવાય છે.
જો કે આવી બીજી પણ ઘૂસણખોરીઓ ચીની સૈનિકો દ્વારા દુર્ગમ અને નિર્જન ભારતીય વિસ્તારોમાં થતી હોય પણ તેની જાણ કોઇને થતી ન હોય તેવું પણ બની શકે છે. ચીને અરૂણાચલ પ્રદેશની ચીન સાથે લાગતી સરહદ નજીક ગામડાઓ બાંધ્યા હોવાના અહેવાલો અને અરૂણાચલ પ્રદેશના કેટલાક પર્વતો, નદીઓ વગેરેને ચીની નામો આપવાના તેના કૃત્ય પછી ઘૂસણખોરીનું આ પગલું વધુ ચોંકાવનારું છે. ચીની દળોએ જ્યાં આ વખતે ઘૂસણખોરી કરી છે તે કપાપુથી સૌથી નજીકનું વહીવટી સર્કલ ચંગલાગામ છે અને મેકમોહન લાઇનથી ૯૦ કિમી જેટલા અંતરે છે. ભારત અને ચીનની સરહદે પહેરો ભરતા ભારતના અર્ધલશ્કરી દળ ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ(આઇટીબીપી)નો મેકમોહન લાઇન પરનો છેલ્લો કેમ્પ હડીગ્રા ઘાટ નજીક આવેલો છે જે કપાપુમાં છે.
આઇટીબીપીની છાવણી નજીકના વિસ્તારમાં ચીની સૈનિકો ઘૂસી આવ્યા તે બાબત જરા વધુ કઠે તેવી છે. જો કે ભારતીય વિસ્તારમાં ચીની લશ્કરની ઘૂસણખોરીનો આ પહેલો બનાવ નથી. આ પહેલા પણ આવા બનાવો બન્યા છે. ઓકટોબર ૨૦૧૮માં દસ જેટલા ચીની સૈનિકો ભારતની અંદર અંદાજે ૧૪ કિમી જેટલા અંદર સુધી આવી ગયા હતા. તેઓ મથુ અને એમરા નદીઓના કાંઠે દિબાંગ ખીણમાં આવ્યા હતા અને તંબુ નાખીને કેટલોક સમય રોકાયા હતા. તેમણે કેટલાક ભારતીય મજૂરોને પણ કામે રાખ્યા હતા અને આવા એક મજૂરે ફોટાઓ પણ ખેંચ્યા હતા.
સપ્ટેમ્બર ૨૦૧૯માં ઇસ્ટર અરૂણાચલ પ્રદેશ મતવિસ્તારના ભાજપના સાંસદ તાપીર ગાઓએ ચીનની ઘૂસણખોરીનો એક વીડિયો પણ બતાવ્યો હતો, તે વખતે ચીની દળોએ એક નાળા પર લાકડાનો પુલ બનાવ્યો હતો. ઓગસ્ટ ૨૦૨૨માં સોશ્યલ મીડિયા પર વ્યાપક ફરતા થયેલા વિઝ્યુઅલ્સ દર્શાવતા હતા કે ચીની સૈનિકો હડીગ્રા તળાવ પાસે બાંધકામ પ્રવૃતિ પર દેખરેખ રાખી રહ્યા હતા જ્યાં ત્રણ એક્સકેવેટર મશીનો કામ કરી રહેલા દેખાતા હતા. પોતે ભારતીય પ્રદેશમાં ઘૂસી આવ્યા હતા તેનો પુરાવો મૂકી જતા હોય તે રીતે ચીની સૈનિકોએ કપાપુમાં ખડકો પર સ્પ્રે છાંટીને ચિતરામણ કર્યું હતું જેમા ચાઇના જેવા શબ્દો લખ્યા છે.
તેમણે વર્ષનું માર્કિંગ પણ કર્યું છે, જે વ્યુહરચના ચીની દળો ભારતીય પ્રદેશમાં ઘૂસણખોરી વખતે પોતાનો દાવો પુરવાર કરવા અપનાવતા હોય છે. સ્થળ પરની તસવીરોમાં સૈનિકોએ સળગાવેલ બોનફાયર અને ત્યાં પડેલી ચીની ખોરાક સામગ્રી પણ જોઇ શકાય છે. ચીનના પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો અરૂણાચલ પ્રદેશના કાપાપુ વિસ્તારમાં પ્રવેશીને ખડકો પર કેટલાક ચિન્હો વગેરે ચીતરી ગયા તે બાબતે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ સોમવારે કહ્યું હતું કે કેટલાક સ્થળોએ ચિન્હોનું ચિતરામણ કરી ગયા તેનો અર્થ એ નથી કે આપણા વિસ્તાર પર તેમના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે.
અરૂણાચલ પ્રદેશના વતની એવા રિજિજુએ કહ્યું હતું કે જ્યાં યોગ્ય રીતે સરહદ આંકવામાં આવી નથી તેવા કેટલાક સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી વખતે ભારત અને ચીનના સૈનિકો એકબીજાના વિસ્તારમાં ક્યારેક પ્રવેશી જતા હોય છે અને આ બાબત પરથી એમ કહી શકાય નહીં કે તે વિસ્તાર પર કબજો જમાવવામાં આવ્યો છે. ચીની સૈનિકોને ત્યાં કશું કાયમી ધોરણે બાંધવા દેવામાં આવ્યું નથી. આપણી બાજુએથી કડક સતર્કતા રાખવામાં આવે છે એમ તેમણે કહ્યું હતું. રિજીજુની એ વાત સાચી છે કે ફક્ત ખડકો પર ચિતરામણ કરી દેવાથી કોઇ પ્રદેશ પર કોઇનો કબજો સાબિત થઇ જતો નથી.
પરંતુ ચીની સૈનિકોએ આવું ચિતરામણ કરવાની ઘૃષ્ટતા આચરી તે બાબત મહત્વની છે. કિરણ રિજિજુએ કહ્યું કે ભારત અને ચીનના સૈનિકો પેટ્રોલિંગ કરતી વખતે ભૂલમાં ઘણી વખત એકબીજાના પ્રદેશમાં પ્રવેશી જતા હોય છે. તેમની આ વાત પણ સાચી હોઇ શકે છે કારણ કે યોગ્ય માર્કિંગ કર્યા વિનાની નિર્જન સરહદો પર આવું બનવું શક્ય છે. પરંતુ આ બનાવ ભૂલમાં બન્યો હોવાનું એટલા માટે લાગતું નથી કે સૈનિકોએ ખડકો પર ચિતરામણ કર્યું છે તેમાં ચાઇના જેવા શબ્દો લખ્યા છે અને માર્કિંગ કર્યું છે. જો તેઓ ભૂલમાં પ્રવેશી ગયા હોય તો આવું ચિતરામણ કરે નહીં. દેખીતી રીતે તેઓ પોતે અહીં આવી ગયા છે તેવું બતાવવા માગતા હોય તેમ લાગે છે. ચીનની કોઇ પણ હરકતોને હળવાશથી લેવા જેવી નથી.