Vadodara

સ્માર્ટ સિટીમાં નજર રાખવા લાગેલા સીસીટીવી કેમેરાની જ નજર બંધ છે?

કોઇ અકસ્માત, ગુનેગાર, રખડતાં પશુ, ઓવરસ્પિડ વાહનો, તસ્કરો કે ગુનેગારો શું આ રીતે પકડાશે ખરા?

શહેરમાં કેટલા સીસીટીવી કેમેરા કાર્યરત છે કે બંધ છે તે જોવાની તસ્દી પાલિકા તંત્ર લે છે ખરું કે પછી લાખોના ખર્ચે સીસીટીવી કેમેરા લગાડી દઇ સંતોષ માની નિશ્ચિંત થઇ ગયા

વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે પાલિકાના સ્માર્ટ અધિકારીઓ દ્વારા ઘણા ખર્ચા કર્યા છે અનેક નાના મોટા દબાણો દૂર કર્યા, સૂકા ભીના કચરા માટે ડસ્ટબીન લગાડ્યા, એલઇડી સ્ક્રિન લગાવ્યા, ફ્લાયઓવર બ્રિજ નિર્માણ કર્યા, રોડ રસ્તાઓ પર દરવર્ષે રિસર્ફેસીંગ કરાય તેવી કામગીરી કરી છે તથા વાહન ટેક્સ ચૂકવતી જનતાશે રખડતાં પશુ મુક્ત રોડ મળી રહે, ગુનેગારો તથા ઓવરસ્પિડ વાહનો, અકસ્માત જેવા બનાવો પર અંકુશ રહે તે માટે શહેરમાં ઠેરઠેર લાખોના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવી દીધા આમ પાલિકા તંત્ર સ્માર્ટ સિટી બનાવવા માટે ઘણાં બધાં પ્રોજેકટ કરાવી દીધા પરંતુ પાલિકા તંત્ર એટલું તો વ્યસ્ત છે કે આ બધી કામગીરી એકવાર કોન્ટ્રાક્ટર ને આપી દીધાં પછી તે કામગીરી ઉપર યોગ્ય મોનિટરિંગ રાખવા જાળવણી નિભાવણી કરવા માટે સમય જ નથી, માણસો નથી અથવાતો સ્માર્ટ વિઝન (દ્રષ્ટિ) નથી તેવું જણાય છે જેના પરિણામે શહેરીજનોને ફાયદો તો થતો જ નથી સાથે પાલિકાને પણ ચોક્કસ પરિણામ મળતું નથી ઉપરથી ખર્ચા જ વધી રહ્યાં છે ત્યારે સવાલ એ થાય કે આ કયા પ્રકારની સ્માર્ટ કામગીરી છે? શહેરમાં લાખોના ખર્ચે સીસીટીવી કેમેરા લગાડ્યા છે જેના કારણે સિટી કમાન્ડ કંટ્રોલ રૂમ તથા પોલીસ,ટ્રાફિક પોલીસ જેવાં વિભાગો દ્વારા પશુઓ પર નજર રહે,ઓવરસ્પિડ વાહનચાલકો, નંબર વિનાના, વધુ સવારી ધરાવતા વાહનો, ગુનેગારો, ચોરીના વાહનો, કે પછી અન્ય ગુનાઓ પર નજર રાખી શકાય.પરંતુ શહેરમાં દરરોજના લોકો રખડતાં પશુઓનો ભોગ પણ બની રહ્યાં છે, તોતિંગ, ભારદારી વાહનોના દિવસે પ્રતિબંધ છતાં માતેલા સાંઢ જેવા ભારદારી વાહનો તમામ નિયમો તોડી શહેરમાં અકસ્માત સર્જી રહ્યાં છે, તસ્કરો, વાહનચોરો બિંધાસ્ત રીતે ચોરીને અંજામ આપી શહેર બહાર આબાદ નિકળી પણ જાય છે અને પ્રવેશી પણ શકે છે, ઓવરસ્પિડ વાહનો પણ દોડી રહ્યાં છે,અકસ્માત પણ થઇ રહ્યાં છે પરંતુ સીસીટીવી કેમેરામાં પકડાતા નથી તેની પાછળનું કારણ એ છે કે પાલિકા તંત્ર અને સંલગ્ન અન્ય તંત્ર પાસે જે તે વિસ્તારમાં લાગેલા કેટલા સીસીટીવી કેમેરા કાર્યરત છે કે નથી તે જોવાનો, કોન્ટ્રાક્ટર પાસેથી દર મહિને રિપોર્ટ લેવાનો સમય નથી અથવાતો સ્માર્ટ વિઝન જ નથી. હા ફક્ત સીસીટીવી કેમેરામાં નંબર પ્લેટ તૂટેલી, નંબર પ્લેટ નથી કે પછી સિટબેલ્ટ નથી લગાડ્યા, ત્રણ સવારી છે આ બધું ચલણ માટે તરતજ પકડાઇ જાય છે જેનાથી આવક આવે છે પરંતુ કોઇપણ પ્રકારની અન્ય બાબતો પકડાતી નથી. શું પાલિકા તંત્ર ફક્ત જે તે કામગીરી માટે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી જવાબદારીથી મુક્ત થઇ જાય છે? કોન્ટ્રાક્ટર દ્વારા તે કામગીરીના સમય મર્યાદામાં કેટલી કયા પ્રકારની કામગીરી કરી રહ્યાં છે એ રિપોર્ટ લેવાની જરુરિયાત શું પાલિકા તંત્રને નથી? જો યોગ્ય રીતે કામગીરી ન થતી હોય તો જે તે કોન્ટ્રાક્ટરો પાસેથી દંડ વસૂલાવવો જોઈએ તેની રકમમાંથી પૈસા કાપવા જોઈએ તો જ લોકો વ્યવસ્થિત કામગીરી કરશે પરંતુ જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં જ ‘તેરી ભી ચુપ, મેરી ભી ચૂપ’ થઇ જાય પરિણામે શહેરની જનતાના વેરાના નાણાંનો ફાયદો તો જનતાને મળતો નથી પરંતુ ફક્ત અને ફક્ત નાણાંનો વેડફાટ થઇ રહ્યો છે ફાયદો ફક્ત કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને જે તે કોન્ટ્રાક્ટરો ને જ થઇ રહ્યો છે. વિકાસના નામે જનતાના ટેક્સના નાણાં, સરકારી નાણાંનો દૂરપયોગ કેટલો યોગ્ય?

Most Popular

To Top