( પ્રતિનિધિ )વડોદરા,તા.9
વડોદરામાં હાલ ગણેશઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે, વડોદરાના નવલખી કુત્રિમ તળાવ નજીક જીઈબીના થાંભલા પર બે માણસો કામગીરી માટે ઉપર ચડ્યા હતા. તે દરમિયાન તેમને નીચે મગર જોવા મળતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને જાણ કરી હતી.
જેથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તાઓ વન વિભાગના અધિકારીઓને સાથે રાખી મગરનું રેસ્ક્યુ કરવા સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં ભારે જેહમત બાદ તેઓએ આશરે ચારથી પાંચ ફૂટના મગરને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કર્યો હતો.
વડોદરાના નવલખી કુત્રિમ તળાવ નજીક ઝાડી ઝાંખરા હોવાથી તેમજ તાજેતરમાં જ પૂરના કારણે વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોને પોતાનું નિવાસ્થાન છોડવું પડ્યું હતું. જેથી વડોદરામાં રોડ રસ્તા તેમજ અવાવરી જગ્યા પર મગર જોવા મળી રહ્યા છે. ત્યારે, વિસર્જન કરવા આવનાર ભાવિક ભક્તોને પણ તેનું ધ્યાન રાખવું જોઇએ.