ચાર ગઠિયાએ ભેગા મળી ખાતેદારના નામે લોન લઇ પોતાના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી
લુણાવાડામાં આવેલી કોગટા ફાયનાન્સ કંપનીના કર્મચારી સહિત ચાર શખ્સે લોનધારકના દસ્તાવેજોનો ઉપયોગ કરી લોનની રકમ પોતાના ખાતામાં કરાવી હતી. આ અંગે ભાંડો ફુટતા ચારેય શખ્સ સામે લુણાવાડા પોલીસે ગુનો નોંધ્યો હતો.
વડોદરા રહેતા અને કોગટા ફાયનાન્સમાં એરીયા લીગલ મેનેજર તરીકે ફરજ બજાવતાં કેયુર મહર્ષિભાઈ અધ્વર્યુએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, લુણાવાડામાં અંબાજી મંદિરની પાછળ શહેરા દરવાજાની બહાર કોગટા ફાયનાન્સ બેંકની શાખા આવેલી છે. જેનો ચાર્જ મોડાસા બ્રાંચના એરિયા સેલ્સ મેનેજર પરવેઝ અબ્દુલ મજીદ કાંકરોલિયા સંભાળે છે. આ બ્રાંચમાં 15 જેટલા કર્મચારી ફરજ બજાવે છે. જેમાં 1લી સપ્ટેમ્બર,2022થી એસોસિયેટ બિઝનેસ મેનેજર તરીકે દિવ્યરાજસિંહ પ્રતાપસિંહ સોલંકી (રહે. લુણાવાડા) ફરજ બજાવતાં હતાં. જેઓ લોકોને લોન આપવાનું તથા જે લોન ધારકના નાણા બાકીહોય તે પરત લેવાનું અને ડાયરેક્ટ સેલ્સ એજન્ટ (ડીએસએ) પાસેથી વધુમાં વધુ ધંધો લાવવાનો હોય છે. વધુમાં જે લોન ધારકોએ લીધેલા નાણા ચુકવ્યાં હોય તે રકમ 24 કલાકની અંદર જમા કરાવવાની હોય છે. જે વ્યક્તિના નાણા લીધા હોય તેને કંપનીની રસીદ આપવાની હોય છે.
દરમિયાનમાં કેયુર અધ્વર્યુને ફરિયાદ મળી હતી કે, લોન ધારકે નાણા ભરી દીધા હોય છે, પરંતુ રસીદ મળતી નથી. જેથી તપાસ કરતાં દિવ્યરાજસિંહએ 12 જેટલા લોન ધારકો પાસેથી રૂપિયા લઇને રસીદ બનાવેલી અને આ રૂપિયા કંપનીમાં જમા કરાવ્યાં નહતાં અને અંગત કામમાં વાપરી નાંખ્યાં હતાં. જેમાં કુલ 1,26,061નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કોગટા ફાયનાન્સ કંપનીમાં ફરિયાદ મળી હતી કે, લોનના નાણા ભરવા માટે ફાયનાન્સ કંપનીની નોટીસ આવે છે અને લોનના નાણા તેઓને મળ્યાં જ નથી. આ અંગે પરવેઝ અબ્દુલ મજીદ કાંકરોલિયાએ તપાસ કરતાં દિવ્યરાજસિંહ સોલંકીએ લોન માટેની પ્રોસેસ કરેલી અને તેઓના કહેવા પ્રમાણે એગ્રીમેન્ટ ઉપર સહી કરેલી બાદમાં લોન મંજુર થતાં રૂપિયા ડીએસએના ખાતામાં નાંખેલા હતાં. જે નાણા લોન ધારક સુધી પહોંચ્યાં જ નહતાં. આવી કુલ રૂ.11,78,379ની રકમ બારોબાર પગ કરી ગઇ હતી.
આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરતાં દિવ્યરાજસિંહ સોલંકી તથા ડીએસએ સાનુલહસન અલ્તાફહુસેન બાંડી (રહે. મોડાસા)એ સેલ્વી ફાયનાન્સિયલ સર્વિસ તથા શિવાની ઓટો કન્સલ્ટન્ટના કર્મચારીએ ભેગા થઇને કાવતરૂ રચીને 4 લોન ધારકોને લોન આપવાના બહાને તેઓ પાસેથી જરૂરી દસ્તાવેજો લઇ લોન કેસ બનાવી એગ્રીમેન્ટ ઉપર સહીઓ કરાવી નાણા પોતાના ખાતામાં લઇ બારોબાર વાપરી નાંખ્યાં હતાં. આમ, દિવ્યરાજસિંહ સહિત ચાર શખ્સે કુલ 13,04,440ની છેતરપિંડી આચરી હતી. આ અંગે લુણાવાડા પોલીસે દિવ્યરાજસિંહ, સાનુલહસન, સેલ્વી ફાયનાસિયલ સર્વિસનો કર્મચારી અને શિવાની ઓટો કન્સલ્ટન્ટના કર્મચારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.