Vadodara

EME ટેમ્પલ ગ્રાઉન્ડમાં પૂર પછી ત્રીજો મગર ઘૂસી આવ્યો



9 ફૂટના મગરે રસ્સી છોડાવવી ધમપછાડા કર્યા; રેસ્ક્યુઅરોને પાછળ જવું પડયું


વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ મગરો રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા હોવાના કોલ વનવિભાગને સતત મળી રહ્યા છે. ત્યારે આજે નવ ફૂટ લાંબો મગર EME ટેમ્પલ ગ્રાઉન્ડ ઘૂસ્યો હતો. જે અંગેનો કોલ મળતાની સાથે જ વન વિભાગની ટીમ રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગઈ હતી. મગરના ગળા અને મોઢામાં દોરડું નાખતાની સાથે મગરે ધમપછાડા કરીને રસ્સીમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો. થોડી વાર તો રેસ્ક્યુઅરોને પણ પાછળ ખચી જવું પડ્યું હતું. ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. આ સાથે જ ડભોઈ રોડ પર આવેલ કેલનપુર ગામમાંથી પણ એક પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.બન્ને મગરને સહી સલામત રીતે વિશ્વામિત્રી નદીમાં મૂક્ત કરવામાં આવ્યા હતા.

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા EME ટેમ્પલ ગ્રાઉન્ડ ખાતે 9 ફૂટનો મહાકાય મગર ઘૂસી આવ્યો હતો.જેને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેથી સ્થાનિકોએ તુરંત વડોદરા વન વિભાગની ટીમને જાણ કરી હતી. જેથી વન વિભાગની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મહાકાય મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં રસ્સીમાંથી મગરે છટકવાનો પ્રયાસ કર્યો હતો પણ રેસ્ક્યુઅર સહિતની ટીમ મગરને પકડી પાંજરે પૂર્યો હતો.

વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરાના ડભોઇ રોડ પર કેલનપુર ગામમાંથી પણ એક પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ અંગે ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવારે જણાવ્યું હતું કે, મારા પર ગઈકાલે રાતે સડા બાર વાગ્યાની આસપાસ ડભોઈ રોડ પર આવેલા કેલનપુર ગામમાંથી ફોન આયો હતો કે, એક મગર અમારા ખેતર પાસે આવી ગયો છે. આ ફોન આવતા જ અમારી સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત અને સંસ્થાના બીજા કાર્યકરો અને વડોદરા વન વિભાગના અધિકારી નીતિનભાઈને લઈને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જોતા એક પાંચ ફૂટનો મગર ખેતરમાં જોવા મળ્યો હતો. આ મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગના સોંપવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 45 જેટલા મગરોને વન વિભાગની ટીમે વિવિધ સંસ્થાઓ સાથે મળીને રેસ્ક્યુ કર્યું છે. આ મગરો વડોદરા શહેરના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા, જેથી આ તમામ મગરોને રેસ્ક્યુ કરીને ફરીથી નદીઓમાં છોડી દેવામાં આવ્યા હતા. વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ વન વિભાગની ટીમ વિવિધ સંસ્થાઓ સાથે મળીને સતત મગરો અને સાપ સહિતના વન્ય જીવોના રેસ્ક્યુ કરી રહી છે.

Most Popular

To Top