Vadodara

પૂરમાં રાજકારણી સામે આક્રોશ વ્યકત કરનાર સામે ગુનો દાખલ કરી લોકરોષને દબાવવાનો પ્રયાસ


પૂરના પાણી વિવિધ વિસ્તારોમાં ભરાઈ ગયા હોય તેમ છતાં કોઈ રાજકીય નેતાઓ શુદ્ધા જોવા માટે ન આવ્યો હોય સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો

દરેક વિસ્તારમાંથી રાજકારણીઓને જાકારો મળ્યો હોય અન્ય કોઈ વિરોધ ન કરે તે માટે એક સ્ટંટ કરાયો હોવાની ચર્ચા

પાણી ઓસર્યા બાદ માત્ર જશ ખાટવા આવેલા રાજકીય નેતાને રોષે ભરાયેલા યુવકે ટાંટીયા તોડી નાખવાની ધમકી આપવા સાથે અભદ્ર ઈશારો કર્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અભદ્ર ઈશારો કરનાર શખ્સની ધરપકડ


પ્રતિનિધિ વડોદરા તારીખ 3

આપણો ભારત દેશ લોકશાહી દેશ છે.જેમાં દરેક જનતાએ પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવવા હકદાર છે. ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં આવી પડેલી પુરની પરિસ્થિતિ વચ્ચે લોકોએ ભારે હાલાકી પડી હતી. પરંતુ કોઈ રાજકીય નેતાઓ જોવા માટે નહીં આવતા લોકોમાં ઉકળતો ચરુ નેતાઓ પ્રત્યે જોવા મળ્યો હતો. હરણી વિસ્તારમાં એક સ્થાનિકે ગુસ્સે ભરાયેલા હોય ભાન ભૂલી ગયા હોય તેમ મીડિયાના કેમેરા સામે એક રાજકારણી વિરુદ્ધ રોષ ઠાલવીને ટાંટીયા તોડી નાખવાની ધમકી આપવા સાથે અભદ્ર ઈશારા કરતા કંડારાઈ ગયા હતા. એ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા એમના વિરુદ્ધ ફરિયાદ થતા ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી. જ્યારે કેટલાક મીડિયા કર્મીને પણ નિવેદન માટે બોલાવ્યા હતા. રાજકારણીને તેમના વિસ્તારમાંથી દરેક જગ્યા પરથી જાકારો મળ્યો હોય એફ આઈ આર કરીને જાહેર જનતાને દબાવવાનો પ્રયાસ કરાયો છે. રાજકારણી તરીકે જનતાના વોટે જીત્યા હોવા છતાં પોતાના મતદાર સામે જ ફરિયાદ કરાવડાવીને તેમની ધરપકડ કરાવવી કેટલી યોગ્ય તેવા સવાલો લોકોમાં ચર્ચાઇ રહ્યા છે.

વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે વિશ્વામિત્ર નદીમાં પૂર આવતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. જેના કારણે વડોદરાની જનતાને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં તો એટલી હદે પાણી ભરાઈ ગયા હતા કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ પહોંચાડવી મુશ્કેલ બની ગઈ હતી. પરંતુ ચૂંટણી ટાણે વોટ માંગવા આવતા જન પ્રતિનિધિઓ જોવા મળ્યા ન હતા. જેના કારણે જનતામાં આ નેતાઓ પ્રત્યે ભારે આક્રોશ ફેલાયો હતો. જેમાં પૂરના પાણી ઉતરી ગયા બાદ વિવિધ વિસ્તારોમાં રહેતા રહીશોએ ખુબ હાલાકી હોય નેતાગીરી સામે ઘરે રોષ જોવા મળી રહ્યો હતો. મીડિયા દ્વારા તેમની વેદના જાણવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં સ્થાનિકોએ રોષ વ્યકત કરતા કહ્યું હતું કે જ્યારે પાણી ભરાયેલા હતા ત્યારે કોઈપણ નેતાએ વિસ્તારની તથા લોકોની મુલાકાત લીધી ન હતી. જેના કારણે સ્થાનિકોમાં નેતાઓ પ્રત્યે વ્યાપક રોષ ફેલાયો હતો. આ રાજકારણી દ્વારા તેમના વિસ્તારમાં કોઇ કામગીરી કરાઈ નથી તેવા અને સવાલો ઉઠાવ્યાં હતા. પૂરની સ્થિતિ વચ્ચે એક પણ નેતા આટો મારવા શુધ્ધા આવ્યા ન હોય સ્થાનિક રહીશો પૈકી કુલદીપ ભટ્ટ ઉશ્કેરાટમાં રાજકારણી સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા અભદ્ર ઇશારો કરતા જણાયા હતા અને તેઓ એક મીડિયાના કેમેરામાં કેદ થઈ જતા તેનો વિડીયો વાયરલ થયો હતો. પરંતુ રાજકારણી વડોદરામાંથી તેમને નેતા તરીકે ચૂંટી લાવનાર એક મતદાર જ હોય તેમ છતાં તેમને સમજાવીને પણ મામલો થાળે પડે તેવી સ્થિતિ હતી પરંતુ રાજકારણીને સમગ્ર વિસ્તારમાંથી જાકારો મળ્યો હોય અન્ય કોઈ આવું ફરીવાર ન કરે જનતાને દબાવવા માટે એક મતદાર એવા કુલદીપ ભટ્ટ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ ત્રાહિત વ્યક્તિ દ્વારા નોંધાવવામાં આવી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચે કુલદીપ સૂર્યકાંત ભટ્ટની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કુલદીપ ભટ્ટ સામાન્ય મધ્યમવર્ગીય માણસ છે. કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નથી અને સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટીનું કામ કરે છે. તેમની સામે ગુનો દાખલ થતાં લોકોમાં આશ્ચર્ય સાથે રોષ ફેલાયો છે.


– વીડિયોમાં અભદ્ર ઈશારો કરતા દેખાતા કુલદીપ ભટ્ટની ધરપકડ કરાઈ


સોશિયલ મીડિયામાં રાજકીય નેતા સામે અભદ્ર ઈશારા કરવા સાથે ટાંટીયા તોડી નાખવાની ધમકી આપતો વિડિયોમાં વાયરલ થયો હોય જેની સામે ફરિયાદ નોંધાતા પોલીસે કુલદીપ ભટ્ટની ધરપકડ કરી છે. વીડિયોમાં કુલદીપ ભટ્ટ અભદ્ર ઇશારા કરતા નજરે પડે છે જેના કારણથી તેમની ધરપકડ કરી છે. જે વિડિયો વાયરલ થયો હતો તે મીડિયા કર્મીઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે નિવેદન માટે બોલાવવામાં આવ્યાં હતાં. કોઈ મીડિયા કર્મચારીની અટકાયત કરાઈ નથી. એચ એ રાઠોડ, એસીપી ક્રાઈમ બ્રાન્ચ

સામાન્ય ગુનાનો આરોપી હોવા છતાં ક્રાઈમ બ્રાન્ચમાં બધી કિલ્લે બંધી કેમ ?


એક રાજકારણી વિરુદ્ધ ઇશારા કરનાર યુવક ને ક્રાઈમ બ્રાન્ચમાં ધરપકડ કરીને લવાયો હતો. આ માત્ર એક સામાન્ય ગુના નો આરોપી છે તો પછી આટલી કિલ્લેબંધી કેમ કરાઈ હતી? ક્રાઇમ બ્રાન્ચ ની કચેરીમા જાણે કોઈ આતંકવાદીને પકડી લાવ્યા હોય તેવી કિલ્લેબંધી કરી દઈ મીડિયા અને સામાન્ય લોકો માટે પ્રવેશબંધી ફરમાવી દેવાઈ હતી.

મીડિયા કર્મચારીઓને પણ નિવેદન માટે બોલાવી દબાવવાનો પ્રયાસ કરાયો ?
વડોદરા શહેરમાં રાજકીય નેતાઓ, તમામ વિભાગના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા આચરવામાં આવતા કૌભાંડોને મીડિયા દ્વારા નિષ્પક્ષ રીતે પ્રદર્શિત કરવામાં આવતા હોય છે. જેના કારણે દેશનો આધાર સ્તંભ હોવા છતાં કેટલાક રાજકીય નેતાઓ તથા પોલીસ દ્વારા મીડિયાના અવાજને દબાવવાનો પ્રયાસ કરાય છે. એક રાજકારણી સામે કરતા યુવક નો વિડીયો એક સ્થાનિક ચેનલમાં વાયરલ થયો હતો. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રાજકીય નેતાના કહેવાથી પોલીસે પણ આ સ્થાનિક ચેનલના કર્મચારીઓને નિવેદન માટે બોલાવી દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

Most Popular

To Top