છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વના મોટા અર્થતંત્રોમાં સૌથી ઝડપે વિકાસ કરતા અર્થતંત્ર તરીકે ભારતનું સ્થાન ટોચ પર રહ્યું છે. ખાસ કરીને કોરોનાના રોગચાળા પછી ભારતની રિકવરી કદાચ સૌથી ઝડપી રહી છે અને રોગચાળા પછી ભારતનો વિકાસદર અન્ય તમામ મોટા અર્થતંત્રો કરતા સૌથી વધુ રહ્યો છે પરંતુ હાલમાં દેશનો વિકાસદર થોડો ધીમો પડ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાનો ભારતનો વિકાસદર ૬.૭ ટકા નોંધાયો છે જે છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળાઓમાં સૌથી નીચો વિકાસ દર છે.
એપ્રિલથી જૂન ૨૦૨૪ના ક્વાર્ટરના વિકાસ દરના આંકડા સરકારે શુક્રવારે બહાર પાડ્યા છે જે મુજબ આ ક્વાર્ટરમાં ૬.૭ ટકાનો વિકાસ દર નોંધાયો છે જે આ સમયગાળા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)એ મૂકેલા ૭.૨ ટકાના અંદાજ કરતા નીચો છે. તેની અગાઉના એટલે કે ગત નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરના ૭.૮ ટકાના વિકાસ દર કરતા પણ નીચો છે અને ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના ૮.૨ ટકાના વિકાસ દર કરતા તો ઘણો નીચો છે. જો કે ભારત સૌથી વધુ ઝડપે વિકસતા મોટા અર્થતંત્ર તરીકે ચાલુ રહ્યું છે જ્યારે ચીને એપ્રિલ-જૂન ૨૦૨૪માં ૪.૭ ટકાનો વિકાસદર નોંધાવ્યો છે.
દેશની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટસ (જીડીપી)માં નોંધાયેલ આ ૬.૭ ટકાનો વિકાસદર એ વ્યાપકપણે નિષ્ણાતોએ જે અંદાજ મૂક્યો હતો તે મુજબનો જ છે, જો કે આ સમયગાળા માટે આરબીઆઇએ મૂકેલા અંદાજ કરતા નીચો છે. આ નીચા વિકાસદર માટે સરકાર તરફથી ખર્ચમાં કરાયેલા ઘટાડાને અને આ ક્વાર્ટરમાં આવેલા ગરમીના મોજાઓની નકારાત્મક અસરોને જવાબદાર ગણવામાં આવે છે.
આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં સખત ગરમી હતી અને તેનાથી આર્થિક પ્રવૃતિઓને સ્વાભાવિક રીતે અસર થઇ હતી. સરકાર તરફથી ખર્ચમાં થયેલો ઘટાડો તે સમયગાળામાં ચૂંટણીની પ્રવૃતિઓને કારણે થયો હોવાનું માનવામાં આવે છે. આચાર સંહિતા અમલમાં હોવાને કારણે સરકારે તેના કેટલાક ખર્ચ મુલતવી રાખવા પડ્યા હતા. જો કે આ સમયગાળામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં થોડો વધારો નોંધાયો છે જે ગત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના એપ્રિલથી જૂનના સમયગાળામાં ૪.૭ ટકા હતો તે ચાલુ નાણાકીય વર્ષના આ સમયગાળામાં પ.૨ ટકા થયો છે. જો કે મૂડી ખર્ચ વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં સરકારે બજેટ અંદાજના માત્ર ૧૬.૩ ટકા ખર્ચ કર્યો છે જેની સામે ગયા નાણાકીય વર્ષના આ જ સમયગાળામાં તેણે બજેટ અંદાજના ૨૭.૮ ટકા ખર્ચ કર્યો હતો. આ કવાર્ટરમાં મૂડી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેમાં કેન્દ્ર સરકાર અને ૨૨ રાજ્ય સરકારોએ કરેલા આ ખર્ચમાં અનુક્રમે ૩૫ ટકા અને ૨૩ ટકાનો ઘટાડો થયો હોવાનું એક વિશ્લેષકે નોંધ્યું છે. મૂડી ખર્ચમાં આટલો મોટો ઘટાડો કેમ થયો તે બાબતે હજી કોઇ ખુલાસો મળ્યો નથી. આટલો મોટો ઘટાડો ચૂંટણીને કારણે થઇ શકે નહીં. બીજી બાજુ કૃષિ ક્ષેત્ર ઉપરાંત બીજા કેટલાક ક્ષેત્રોનો જીવીએ વિકાસ દર પણ ઘટ્યો છે.
નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ(એનએસઓ)ના જણાવ્યા પ્રમાણે કૃષિ ક્ષેત્રનો ગ્રોસ વેલ્યુ એડેડ(જીવીએ) વિકાસ ઘટીને ૨ ટકા થયો છે જે ગયા નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં ૩.૭ ટકા હતો. નાણાકીય, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સેવાઓનો જીવીએ પણ વર્ષો વર્ષના ધોરણે ધીમો પડ્યો છે. વિકાસદર ઘટયો હોવા છતાં ભારતીય અર્થતંત્ર સતત ચોથા વર્ષ ૭ ટકા કરતા વધુનો વિકાસ દર જાળવી રાખે તેવી અપેક્ષા છે. મૂડીઝ રેટિંગ્સે તાજેતરમાં ભારતના વિકાસદરની આગાહી સુધારીને ૨૦૨૪ માટે ૬.૮ ટકા પરથી ૭.૨ ટકા કરી છે, જ્યારે આરબીઆઇએ નાણાકીય વર્ષ-૨૫ માટે ૭.૨ ટકાના વિકાસદરનો અંદાજ યથાવત રાખ્યો છે.
ભારતનો વિકાસદર વૈશ્વિક રોગચાળા પછી ઘણો સારો રહ્યો છે અને ભારત સૌથી વધુ ઝડપે વિકાસ કરતું મોટું અર્થતંત્ર બન્યું છે. હાલ વિકાસદર ધીમો પડ્યો હોવા છતાં પણ ભારત આ સ્થાન જાળવી રાખશે તેવી આશા છે પરંતુ ગફલતમાં રહેવું જોઇએ નહીં. અર્થતંત્રની સમગ્રલક્ષી સ્થિતિનું સતત મૂલ્યાંકન થવું જોઇએ. કોઇ એક મોટા સેકટરમાંની મુશ્કેલી પણ કયારેક સમગ્ર અર્થતંત્ર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે જે આપણે ચીનના રિઅલ્ટી સેકટરની મુશ્કેલી બાબતમાં જોઇ લીધું છે.