નવી દિલ્હી: ઉત્તરાખંડ (Uttarakhand) પોલીસે રવિવારે 1 સપ્ટેમ્બર, 2024ના રોજ નૈનીતાલના ભાજપના વરિષ્ઠ નેતા વિરુદ્ધ દુષ્કર્મ અને ધાકધમકી માટે FIR દાખલ કરી હતી. ત્યારે રાજ્યમાં 48 કલાકમાં બીજેપી નેતા (BJP leader) દ્વારા કરાયેલી સ્ત્રીસન્માનની છેડતીનો આ કેસ બીજો કેસ હતો. આ પહેલા પણ બીજેપી નેતાએ એક બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા.
અસલમાં પ્રથમ ઘટના 24મી ઓગસ્ટના રોજ ઉત્તરાખંડના સોલ્ટ રેવન્યુ વિસ્તારમાં બની હતી. અહીં એક બાળકી બકરીઓ ચરાવવા ગઈ હતી, ત્યારે આરોપી તેને ટોફી આપીને છેડતી કરી હતી. ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે તેમને ઘટનાની માહિતી 30 ઓગસ્ટના રોજ મળી હતી. આ પછી, આરોપીઓ સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO એક્ટ) અને BNS ની કલમ 74 (સ્ત્રી પર હુમલો અથવા ફોજદારી બળનો ઉપયોગ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ પીડિતાનો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેમજ પાર્ટીએ આરોપીની હકાલપટ્ટી કરી હતી.
બીજી ઘટના પહેલી ઘટનાના 48 કલાકમાં જ બની હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને નૈનીતાલ સ્થિત ઉત્તરાખંડ કોઓપરેટિવ મિલ્ક યુનિયન લિમિટેડના પ્રશાસક મુકેશ બોરા અને તેના ડ્રાઈવરે એક વિધવા સાથે દુષ્કર્મ આચર્યુ હતું, આટલું જ નહીં આ બંને આરોપીઓએ વિધવાને ધાકધમકી પણ આપી હતી. ત્યારે સમગ્ર મામકે FIR નોંધવામાં આવી હતી. તેમજ ગઇકાલે સમગ્ર મામલાની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદના આધારે બોરા અને તેના ડ્રાઈવર કમલ બેલવાલ વિરુદ્ધ બળાત્કાર અને ધમકીનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા બોરાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
નૈનીતાલના એસએસપી પ્રહલાદ નારાયણ મીણાએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, ‘એક મહિલાએ લાલકુઆન પોલીસ સ્ટેશનમાં મુકેશ બોરા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ તેમની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી બોરાએ તેણીની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેને ધમકી આપી હતી કે જો તે આ અંગે વાંધો ઉઠાવશે અથવા તો આ અંગે કોઇને જણાવશે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. આટલું જ નહીં પણ બોરાએ તેણીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કરવાની ધમકી આપી પોતાના મિત્રો સાથે પણ શારીરિક સબંધો બાંધવા દબાણ કર્યું હતું.
ફરિયાદમાં વધુમાં જણાવાયું હતું કે બોરાના ડ્રાઇવરે પણ વિધવા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેને ધમકી આપી હતી. મહિલાએ આપેલી ફરિયાદ મુજબ, જ્યારે તેણી તેના પતિના મૃત્યુ પછી 2021 માં લાલકુઆન પહોંચી, ત્યારે બોરાએ તેને આઉટસોર્સિંગ દ્વારા દૈનિક વેતન પર સહકારી સંસ્થામાં નોકરી આપી હતી. તેના થોડા જ સમય બાદ વિધવાને કાયમી કર્મચારી બનાવવાના બહાને બોરાએ તેણીને હોટલના રૂમમાં બોલાવી હતી અને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ ઘટનાનો ફાયદો ઉઠાવી બોરાના ડ્રાઇવરે પણ તેણી સાથે બળજબરી કરી હતી.