આણંદ.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે નદી – નાળામાં વરસાદી પાણીની આવક વધી છે. જેમાં કડાણા જળાશયની સપાટી 70 ટકા થતા વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. જેના કારણે આણંદ જિલ્લાના મહીકાંઠાના 26 ગામને સાવધ રહેવા સુચના આપવામાં આવી છે.
કડાણા જળાશયના ઉપરવાસમાં વધુ વરસાદ પડતા જળાશયમાં પાણીની આવક શરૂ થઇ છે. હાલ કડાણા જળાશયની સપાટી 70 ટકા થતા જળાશયમાંથી પાણી છોડવામાં આવે તો આણંદ જિલ્લાના 26 જેટલા ગામોને અસર થાય તેમ હોવાથી આ લોકોને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે.
કડાણા વિભાગના પૂર નિયંત્રણ એકમના ઇન્ચાર્જ અધિકારીના જણાવ્યાનુસાર, બોરસદ તાલુકાના ગાજણા, સલોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયાખાડ, દહેવાણ, બદલપુર અને વાલવોડ, આણંદ તાલુકાના ખાનપુર, ખેરડા, આંકલાવડી, રાજુપુરા, ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા, ખોરવાડ, આંકલાવના ચમારા, બામણ ગામ, ઉમેટા, ખડોલ (ઉમેટા), સંખ્યાડ, કહાનવાડી, આમરોલ, ભાણપુર, આસરમા, નવાખલ, ભેટાસીવાટા અને ગંભીરા સહિતના નિચાણવાળા વિસ્તારના ગામોના લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કડાણા ડેમમાં હાલ સતત વરસી રહેલા વરસાદને કારણે અઢી લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. કડાણા બંધમાંથી હાલ પંદર હજાર ક્યુસેક પાણી વીજળી ઉત્પાદન માટે કડાણા હાઈડ્રો પાવર પ્રોજેક્ટને અપાઇ રહેલો છે. જેથી હાલ ત્રણ વીજ યુનિટ કાર્યરત છે. કડાણા ડેમમાં હાલ સાંજે ચાર વાગ્યા સુધીમાં પાણીની સપાટી 408 ફુટ 2 ઇંચ જોવા મળી હતી. ઓગષ્ટ મહિનામાં કડાણા ડેમનું પાણીની સપાટીનું લેવલ 416 ફુટ જાળવવાનું હોય છે. કડાણા બંધમાંથી સાંજના સાઇઠ હજાર ક્યુસેક પાણી ડેમના દરવાજા ખોલીને છોડવામાં આવશે.