નવી દિલ્હી: અંતરિક્ષમાં (Space) ચંદ્રયાન-3 મિશનની સફળતાનું એક વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં આજે આખો દેશ પ્રથમ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની (National Space Day) ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આજના દિવસને વધુ ખાસ બનાવતા ઇસરોઓ (Isro) વધુ એક ખુશખબરી સંભળાવી હતી. તેમજ આજે 24 ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય અંતરિક્ષ દિને ઇસરોએ ચંદ્રયાન-4ની (Chandrayaan-4) વિગતો શેર કરી હતી.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-4 લોન્ચિંગની વિગતો શેર કરવાની સાથે જ ચંદ્રયાન-4ના હેતુઓ પણ જણાવ્યા હતા. અસલમાં ઈસરોનું ચંદ્રયાન-4 માત્ર ચંદ્ર પર ઉતરશે જ નહીં, પરંતુ ત્યાંથી ખડકો અને માટીના નમૂનાઓ પૃથ્વી ઉપર પાછા લાવશે. ઈસરોના ચીફ એસ સોમનાથે માહિતી આપતા કહ્યું હતું કે જો ચંદ્રયાન-4 સફળ થાય છે, તો ભારત ચંદ્રની સપાટીથી પૃથ્વી ઉપર ચંન્દ્રના સેમ્પલ પાછા લાવનાર ચોથો દેશ બની જશે. હાલ આ મિશન સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.
ચંન્દ્રયાન-4 ક્યારે લોન્ચ થશે?
ભારતનું ચોથું મિશન મૂન એટલે કે ચંદ્રયાન-4 ચાર વર્ષ પછી એટલે કે 2028ની આસપાસ લોન્ચ થઈ શકે છે. જે ચંન્દ્રના શિવ-શિક્તિ પોઇન્ટ ઉપર પહોંચશે. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું હતું કે, “અમે ચંદ્રયાન-4ની ડિઝાઈન તૈયાર કરી દીધી છે. આ સાથે જ ચંદ્ર ઉપરથી માટીના સેમ્પલ કેવી રીતે પૃથ્વી પર લાવવામાં આવશે, તેની પણ ડિટેલિંગ થઈ ગઈ છે. અત્યારે અમારી પાસે આટલું પાવરફુલ રોકેટ નથી કે જે ચંદ્રયાન-4ના તમામ પાર્ટ્સને અંતરિક્ષમાં લઇ જઇ શકે. બસ આ જ કારણે અમે મિશનને અલગ અલગ પાર્ટ્સમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.”
ઇસરો ચીફે વધુમાં કહ્યું હતું, “ચંદ્રયાન-4માં 350 કિલોનું રોવર તૈનાત કરવામાં આવશે. જે ચંદ્રયાન-4 ચંદ્રની સપાટી પરથી 3-5 કિલો માટી અને ખડકોના નમૂના પૃથ્વી પર લાવશે. આ અવકાશયાનમાં પાંચ અલગ-અલગ મોડ્યુલ હશે. ત્યારે ભારતીય સ્પેસ સ્ટેશનનું પહેલું મોડ્યુલ 2028માં લોન્ચ કરવામાં આવશે. જેમાં માત્ર રોબોટ મોકલવામાં આવશે. ત્યાર બાદ આ સ્ટેશનમાં એક પછી એક કુલ પાંચ મોડ્યુલ અંતરિક્ષમાં મોકલવામાં આવશે.’’
ચંદ્રયાન-4ના 2 મોડ્યુલ ચંદ્ર પર જશે: ઇસરો
ચંદ્રયાન-4 મિશન અલગ અલગ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. મિશન લોન્ચ બાદ ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી બે મોડ્યુલ મુખ્ય અવકાશયાનથી છુટા પડી જશે. તેમજ આ બંને મોડ્યુલ ચંદ્રની સપાટી પર ઉતરશે. ત્યાર બાદ બંને મોડ્યુલ ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરશે. નમૂનાઓ ભેગા કર્યા પછી એક મોડ્યુલ ચંદ્રની સપાટી પરથી લોન્ચ થશે અને ચંદ્રની ભ્રમણકક્ષામાં મુખ્ય અવકાશયાન સાથે જોડાઇ જશે. ત્યાર બાદ આ અવકાશયાનમાંથી નમૂનાને પૃથ્વી પર પરત ફરનાર અવકાશયાનમાં ટ્રાન્સફર કરવામાં આવશે.