છેલ્લા 10 વર્ષથી દેશ પર શાસન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજયરથને તાજેતરની ચૂંટણીમાં રોકવામાં વિપક્ષો સફળ રહ્યા છે. જ્યારે ચૂંટણી શરૂ થઈ ત્યારે એવો માહોલ સર્જવામાં આવ્યો હતો કે ભાજપને અગાઉ કરતાં વઘારે બેઠકો મળશે અને નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મ ભવ્ય હશે. પરંતુ દેશના મતદારોનો મિજાજ કંઈક અલગ જ હતો. જે વિપક્ષો 100 બેઠકની આસપાસ હતા તે વિપક્ષો ભાજપની લગોલગ આવી ગયા. જે ભાજપ અગાઉ 303 બેઠક ધરાવતો હતો તે ભાજપની બેઠક ઘટીને 240 થઈ ગઈ અને એનડીએનો આંક પણ 293 પર અટકી ગયો હતો. લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં થઈ અને પરિણામ જૂન માસમાં આવ્યા. જોકે, પરિણામોને બે માસનો સમય થઈ જવા છતાં ભાજપ માટે સ્થિતિ સ્હેજેય સુધરી નથી. તાજેતરમાં આજતક અને સી વોટર દ્વારા એક સરવે કરવામાં આવ્યો હતો.
આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે કરાયેલા આ સરવેમાં ભાજપ માટે નિરાશાજનક સ્થિતિ સામે આવી છે. સરવેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીથી માંડીને મોદી બાદ કોણ? સહિતના પ્રશ્નો પુછવામાં આવ્યા અને અનેક તારણો બહાર આવ્યા હતા. 15મી જુલાઈથી 10મી ઓગષ્ટની વચ્ચે આ સરવે કરવામાં આવ્યો હતો. જેમાં દેશની 543 લોકસભા બેઠકને આવરી લઈને 1,36,463 લોકોને પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. લોકો પાસેથી એવું જાણવામાં આવ્યું હતું કે, જો હાલમાં લોકસભાની ચૂંટણી થાય તો કોની સરકાર બને? જવાબમાં લોકોએ એવું કહ્યું હતું કે, આજે ચૂંટણી થાય તો પણ સરકાર ફરી એનડીએની જ બને અને એનડીએને 299 બેઠક મળે. જ્યારે ઈન્ડિયા બ્લોકને હાલની બેઠક આસપાસ જ 233 બેઠક મળે તેમ છે.
જ્યારે અન્યોને 11 બેઠક મળે તેમ છે. સરવેએ એવું બતાવ્યું કે ગત પરિણામોની સરખામણીમાં હાલમાં એનડીએને 6 બેઠક વધારે મળે. જ્યારે ઈન્ડિયા બ્લોકની એક સીટ ઘટે. અગાઉ ભાજપને 240 બેઠક મળી હતી પરંતુ જો હાલમાં ચૂંટણી થાય તો ભાજપને ચાર બેઠકનો ફાયદો થાય અને 244 બેઠક મળે. જ્યારે કોંગ્રેસને 99ની સામે 106 બેઠક મળે. અન્યને 193 બેઠક મળે. આ આંકડાઓ ભાજપ માટે આશાસ્પદ નથી. સરવેમાં જ્યારે વડાપ્રધાન વિશે પૂછવામાં આવ્યું તો 34 ટકા લોકોએ મોદીનું પ્રદર્શન સારૂં, 15 ટકા લોકોએ મોદીનું પ્રદર્શન સરેરાશ અને 10 ટકા લોકોએ મોદીનું પ્રદર્શન નિરાશાજનક ગણાવ્યું હતું. સરવેમાં હાલમાં દેશમાં રહેલી સમસ્યાઓ વિશે જાણવા પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં 28 ટકા લોકોએ બેરોજગારી માટે ચિંતા વ્યક્ત કરી હતી. 19 ટકા લોકોએ મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. જ્યારે 6 ટકા લોકોએ ગરીબી અને અન્ય 6 ટકાએ કૃષિ સંકટ ગણાવ્યું હતું. અન્ય 5 ટકા લોકોએ વીજળી, પાણી અને રસ્તાને સૌથી મોટી સમસ્યા માની હતી.
તાજેતરમાં હરિયાણાની વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે 22 ટકા લોકોએ સીએમ સૈનીના પ્રદર્શનને સંતોષકારક ગણાવ્યું હતું. જ્યારે 40 ટકા લોકોએ અસંતુષ્ટતા વ્યક્ત કરી હતી. હરિયાણઆના 27 ટકા લોકોનું કહેવું છે કે તેઓ સરકારના કામકાજથી સંતુષ્ટ છે. જ્યારે 44 ટકા લોકો સરકારના કામકાજથી સંતુષ્ટ નથી. 25 ટકા લોકો સરકારના કામકાજથી ખુશ છે. રાજ્યમાં બેરોજગારીનો મુદ્દો મોટો હોવાનું 45 ટકા લોકોએ કહ્યું હતું. માત્ર 3 ટકા લોકોએ ભ્રષ્ટાચારને મુદ્દો માન્યો હતો. જ્યારે 14 ટકા લોકોએ મોંઘવારીને મોટો મુદ્દો માની હતી. આજ રીતે ઝારખંડમાં પણ 25 ટકા લોકોએ હેમંત સોરેનના કામને યોગ્ય ગણાવ્યું હતું. 35 ટકા લોકોએ અસંતુષ્ટતા વ્યક્ત કરી હતી. જ્યારે 30 ટકા લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
ઝારખંડના લોકો માટે પણ બેરોજગારી જ મોટો મુદ્દો છે. મહારાષ્ટ્રમાં પણ 34 ટકા લોકોએ સરકારની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રમાં પણ સૌથી મોટો મુદ્દો બેરાજગારીનો જ લોકોએ ગણાવ્યો હતો. બાદમાં વિકાસ અને મોંઘવારીના મુદ્દા રજૂ કરાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં પણ લોકોએ બેરોજગારીને જ સૌથી મોટી સમસ્યા ગણાવી હતી. આ સરવેમાં માત્ર 1.36 લાખ લોકો પાસે જ અભિપ્રાય લેવામાં આવ્યો પરંતુ આ સરવેમાં જે મુદ્દા સામે આવ્યા છે તે ભાજપ માટે ચિંતાજનક છે. ભલે દેશમાં ફરી વખત એનડીએની જ સરકાર બનતી હોય પરંતુ ભાજપ માટે આત્મચિંતન જરૂરી હોવાનું આ સરવે બતાવી રહ્યું છે. જો ભાજપ દ્વારા પોતાની સ્થિતિ સુધારવા માટે પ્રયત્નો કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીઓમાં અનેક રાજ્યો ગુમાવવાની સાથે સાથે ભાજપ માટે કેન્દ્રમાં પણ સરકાર ટકાવવી મુશ્કેલ બનશે તે નક્કી છે.