Charotar

નડિયાદ, મહેમદાવાદમાં બપોરે વરસાદની ધમધમાટી

ગાજવીજ સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

(પ્રતિનિધિ) નડિયાદ, તા.23

ખેડા જિલ્લામાં અસહ્ય બાફ અને ઉકળાટ વચ્ચે આજે શુક્રવારે નડિયાદ અને મહેમદાવાદમાં બપોરે મેઘરાજાએ ધમધબાટી બોલાવી છે. ગાજવીજ સાથે એકાએક વરસાદ તૂટી પડ્યો હતો અને વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો છે. નડિયાદ શહેરમાં બપોરે વરસેલા વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

ખેડા જિલ્લામાં વરસાદની ઘટ વચ્ચે મેઘરાજા આજે શુક્રવારે છુટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા રૂપે વરસ્યા છે. તો ક્યાંક મુશળધાર રૂપે વરસ્યા છે. જિલ્લાના વડામથક નડિયાદ, મહેમદાવાદ સહિતના વિસ્તારોમાં વિજળીના કડાકા સાથે વરસાદ ચાલુ થયો છે. જેના પગલે આ વિસ્તારમાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જળબંબાકાર થઈ ગયા છે. બીજી તરફ લાંબા સમયથી બાફ અને ઉકળાટને કારણે જિલ્લાવાસીઓ ત્રસ્ત થયા હતા અને આ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. નડિયાદ શહેરની સાથે સાથે આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ભારે પવન અને મુશળધાર વરસાદના કારણે વિઝીબીલિટી ઘટી હતી. જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મહેમદાવાદ તાલુકાના બાર મુવાડાના જરાવત ગામમાં વીજળી પડતા એક પશુનું પણ મોત નીપજ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. તો આ તરફ મહેમદાવાદ તાલુકાના સિહુજ ગામમાં પણ ભારે વરસાદ પડતા ભાગોળમા વરસાદી પાણી ભરાઈ ગયા છે.

Most Popular

To Top