Charotar

મહીસાગર જિલ્લામાં ડીજીટલ ક્રોપ સર્વે હાથ ધરાયો

છ તાલુકામાં 1,91,257 સર્વે નંબરોમાં ફિલ્ડ પર જઈને 45 દિવસ સુધી સર્વે કરાશે

(પ્રતિનિધિ) લુણાવાડા તા.23

મહીસાગર જિલ્લામાં હાલ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી ચાલી રહી છે, જિલ્લા ખેતીવાડી અધિકારી જે. આર. પટેલે  લુણાવાડા તાલુકાના ઉચરપી ગામે માસ્ટર ટ્રેનર સાથે આ કામગીરીની મુલાકાત લઈ સર્વેયરોને પ્રત્યક્ષ તાલીમ આપી હતી. આ સર્વેના ભવિષ્યના ફાયદા અંગે ખેડૂતોને માહિતી આપી સબંધિત અધિકારીઓ કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરી કામગીરીની સમીક્ષા કરી હતી.

મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ખેતી ક્ષેત્રે પરફેકટ અને રીયલ ટાઈમ ડેટા મળી શકે અને તેના આધારે ખેતીના પાકોનો સાચો અંદાજ મળી શકે અને નીતિ ઘડતરમાં પણ તે ઉપયોગી બની શકે તે ઉદ્દેશથી નેશનલ લેવલેથી પ્રથમવાર ડિજિટલ ક્રોપ સર્વે શરૂ કરાયો છે. જેમાં ચાલુ વર્ષે મહીસાગર સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં ડિજિટલ કોપ સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

મહીસાગર જિલ્લામાં 10મી ઓગષ્ટથી ડિજિટલ કોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મહીસાગર જિલ્લાના તમામ છ તાલુકાઓમાં 1,91,257 સર્વે નંબરોમાં ફિલ્ડ પર જઈને સર્વેયરો 45 દિવસ સુધી સર્વે કરશે. મહીસાગર  જિલ્લાના તમામ સર્વે નંબરોમાં ફિલ્ડ પર જઈને સર્વેયરો દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે.

જિલ્લા ખેતીવાડી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત દરેક તાલુકામાં તમામ સર્વે નંબરમાં સર્વે કરાનાર હોય તેના માટે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ વર્ગ એક અને વર્ગ બે તથા તલાટી અને ગ્રામ સેવકોને તાલીમ અપાઈ છે અને તેમને ટ્રેનરના હોદ્દા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 800 થી વધુ જેટલા સર્વેયરોને પણ કેવી રીતે સર્વે કરવો તેની પ્રેકટીકલ ફિલ્ડ પર તાલીમ આપી દેવાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

મહીસાગર જિલ્લા અને તાલુકા કક્ષાએ કમિટીની રચના કરાઇ

જિલ્લા અને તાલુકા કક્ષાએ કમિટીઓની રચના કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ કલેક્ટર અને તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં કમિટીઓ કાર્યરત કરાઈ છે. આ ઉપરાંત પંચાયતના વીસીઈ, ફાર્મર ફ્રેન્ડ તેમજ ગામના મોબાઈલના જાણકાર વ્યક્તિઓને સર્વેયર તરીકે કામગીરી સોંપવામાં આવી રહી છે. પ્રત્યેક સર્વે નંબરમાં જો એક પાક હોય તો દસ રૂપિયા પ્રમાણે અને બે પાક હોય તો બાર રૂપિયા પ્રમાણે મહેનતાણારૂપે ચુકવણું કરવામાં આવે છે. ગામના તલાટી કમ મંત્રી મારફતે સર્વેયર દ્વારા કરેલી કામગીરી એપ્રુવ કરવામાં આવશે અને ગ્રામ સેવક દ્વારા એપ્રૂવ ડેટા વેરીફાઈ કરવામાં આવશે. આમ, મહીસાગર જિલ્લામાં અંદાજે 19 લાખ રૂપિયા ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત મહેનતાણારૂપે ચૂકવાશે.

Most Popular

To Top