શિક્ષણ તંત્ર માટે શરમ: બોરસદના દહેમી ગામના ધોરણ 1થી 8ના બાળકોનો જોખમી સ્થિતિ વચ્ચે અભ્યાસ
દહેમી ગામમાં છેલ્લા છ વર્ષથી શાળાના નવા ઓરડાઓનુ બાંધકામ કરવામાં શિક્ષણ તંત્ર નિષ્ફળ
ટેન્ડરના બહાને વિદ્યાર્થીઓને યોગ્ય વ્યવસ્થા મામલે ઓરમાયું વર્તન રખાતું હોવાનો ગણગણાટ
(પ્રતિનિધિ) બોરસદ તા 23
આણંદ જિલ્લા ના બોરસદ તાલુકા ના દહેમી ગામમાં છેલ્લા છ છ વર્ષથી ગામની જર્જરિત શાળામાં અભ્યાસ કરતા બાળકો નવા મકાન માટે રાહ જોઈ રહ્યા છે. અભ્યાસ દરમિયાન હંમેશા જોખમ રહેલું છે. આકસ્મિક સંજોગોમાં બાળકો અને શિક્ષકો માટે માથે મોત ભમતું હોય તેવી ચિંતાજનક સ્થિતિ છે. છતાં પણ તંત્ર જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ હજુ પણ આ મામલે અસરકારક કામગીરીને બદલે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2018મા જર્જરિત પ્રાથમિક શાળાને સ્થાને નવી વિશાળ શાળા બનાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ત્યારથી આજદિન સુધી હજુ પણ દહેમી ગામમાં શાળાનું નવું મકાન નિર્માણ થયું નથી. જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયેલી શાળામાં હાલ ધોરણ 1થી 8મા કુલ 169 વિધાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે . ગ્રામજનો અને વાલીઓ અચરજ સાથે જણાવી રહ્યા છે કે શું આવી રીતે જ ભણશે ગુજરાત ?
દહેમી ગામની પ્રાથમિક શાળાની વ્યવસ્થા અને જરૂરી સગવડોને કારણે પંથકમાં ખુબ જ પ્રશંસનીય ગણાતી હતી. પોતાના વતનમાં આવેલી શાળામાં અભ્યાસ કરવો એ ગામ ના વિદ્યાર્થીઓ માટે ગર્વની વાત ગણાતી હતી. પરંતુ આજે આ શાળા ની વાસ્તવિકતા અલગ જ જોવા મળે છે ,વર્ષ 2018 માં આ શાળા ના તમામ 9 ઓરડા કન્ડમ જાહેર કરી તેને જોખમી હોય ઉતારી લેવા આદેશ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા. અને તેની જગ્યા એ નવા ઓરડાના બાંધકામ ની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ આજે 6 વર્ષ વીતવા છતાં પણ આ ઓરડાઓ ની સ્થિતિ એની એજ છે. નથી ઓરડાઓ ઉતારી લેવા માં આવ્યા કે નથી તેની જગ્યા એ નવા ઓરડા બન્યા. હાલમાં દહેમી ગામની શાળાની ખૂબ જ દયનીય અને જોખમી હાલત થઈ ગઈ છે. આ જર્જરિત શાળામાં 169 જેટલા વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે . દહેમી ગામના લોકો ઈચ્છે છે કે વહેલામાં વહેલી તકે શાળાનુ બાંધકામ શરૂ થવું જોઈએ. જેથી નવી શાળામાં બાળકો સલામતી અને યોગ્ય સગવડો સાથે શિક્ષણ મેળવી શકે તેમ છે.
જર્જરિત ઓરડાઓના કારણે શાળાની કોમ્પ્યુટર લેબ પણ બંધ
જર્જરિત શાળા માં 169 વિદ્યાર્થીઓ જીવ ના જોખમે અભ્યાસ કરી રહ્યા છે હાલ ચોમાસા ની સિઝન છે ત્યારે અહીં વરસતા વરસાદમાં શાળાની ટપકતી છતો નીચે બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ,શાળા ના જર્જરિત ઓરડાઓ ના કારણે અહીં કોમ્પ્યુટર લેબ પણ કાર્યરત નથી કરી શકાતી ,થોડા સમય પહેલા યોજાયેલ લોકસભાની ચૂંટણી દરમિયાન તંત્રને આ શાળા માં મતદાન મથક ઉભું કરવુ યોગ્ય નહોતું લાગ્યું. ત્યારે આવી જર્જરિત શાળામાં બાળકોને અભ્યાસ કરવો પડી રહ્યો છે.
રાજ્ય સરકારની સ્માર્ટ શાળાઓની પોકળ વાતો સામે દહેમી ગામમાં ઉગ્ર આક્રોશ દહેમીના ગ્રામજનો અને શાળાના આચાર્ય તેમજ એસએમસી કમિટી દ્વારા નવા મકાનનું બાંધકામ બાબતે વર્ષ 2019થી તંત્ર ને લેખિત મૌખિક વારંવાર રજૂઆતો કરવામાં આવી છે . સંબંધિત વિભાગ દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે , એક તરફ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્માર્ટ સ્કૂલોની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ આણંદ જિલ્લાના દહેમી ગામની જર્જરિત પ્રાથમિક શાળા રાજ્ય સરકારની સ્માર્ટ શાળાઓ ની પોકળ વાતો ની પોલ ખોલી રહી છે. ત્યારે જોવું રહ્યું કે તંત્ર કુંભકર્ણ જેવી નિંદ્રામાંથી ક્યારે જાગશે અને દહેમી ગામની પ્રાથમિક શાળાના નવા મકાનનું બાંધકામ શરૂ થશે.