Vadodara

ગોરવાનાં મધુનગર ચાર રસ્તા પાસે શ્રીજીની આગમન યાત્રા દરમિયાન કાંકરીચાળો

ધામધૂમ ઉજવાતા ગણેશ મહોત્સવમાં વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ


પ્રતિનિધિ વડોદરા તા. 24
વર્ષ દરમિયાન સૌથી વધું ધામધૂમથી ઉજવવામાં આવતા ગણેશ મહોત્સવમાં વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. ગતરોજ મોડી સાંજે ગોરવા વિસ્તારના મધુનગર ચાર રસ્તા પાસેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પસાર થઇ રહેલી ગણેશજીની આગમન યાત્રા દરમિયાન કેટલાક ઈસમોએ શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગોરવા વિસ્તારમાં કરોડિયા તરફ જતા માર્ગ પર મધુનગર ચાર રસ્તા પાસે કોઈ કારણસર હંગામો થયો હતો અને ત્યારબાદ પથ્થરમારાનાં દ્રશ્યો સર્જાયા હતા અને લોકટોળા દ્વારા વાહનોને‌‌ નુકસાન પણ કરવામાં આવ્યું હતું.‌‌

આ ઘટના બાદ લોકોમાં ભાગદોડ જોવા મળી હતી. આગમન યાત્રા માં તેનાત પોલીસ જવાનો દ્વારા પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ લોક ટોળું એટલું મોટું હતું કે વધુ પોલીસનો કાફલો બોલાવવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતા જ ઝોન-1 ડી.સી.પી. જુલી કોટિયા, એ ડિવિઝન એ.સી.પી. અને એ.સી.પી ક્રાઈમ સહિતનો ઉચ્ચ અધિકારીઓનો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.

ઝોન-1 ડી.સી.પી. જુલી કોટિયાએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે શ્રીજીની આગમન યાત્રા દરમિયાન ડીજે અને ગણેશજીની પ્રતિમા વચ્ચેનું ડિસ્ટન્સ વધારે હતું. ડીજે સિસ્ટમની હાઈટ વધારે હતી અને જેથી ઉપરથી પસાર થતા કેબલો તેને નડતા હતા. જેથી ડીજે સિસ્ટમને આગળ વધારવાનુ સૂચન કરતા કેટલાક ઈસમો દ્વારા હંગાવો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પથ્થર મારો થયો છે તેવી અફવા ફેલાઈ ગઈ હતી . જેથી વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી તેઓ પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું છે. નાશ ભાગની સાથે સાથે બે વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. વાહનોને નુકસાન કેવી રીતે થયું અને કોણે કર્યું છે તેની તપાસ પણ હાલ ચાલુ છે. પરિસ્થિતિને કાબુમાં લઈ લેવામાં આવી હતી. આ ઘટના દરમિયાન જે ઈસમો વધુ હો-હા કરતા હતા તમને હાલ પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે.



સામસામે ટોળાએ પથ્થરો ફેંક્યા
આ ઘટનામાં થયેલ પથ્થર મારો થતાં વિડીયો લોકોના મોબાઇલમાં ફરતા થયા હતા. જેમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે કે સામસામે લોકો વચ્ચે પથ્થર મારો થયો હતો. સમગ્ર ઘટના કયા કારણોસર બની તેની સ્પષ્ટતા પોલીસ તપાસ બાદ જ બહાર આવશે‌. હજુ તો વડોદરા શહેરમાં શ્રીજીની આગમન યાત્રા ઓની શરૂઆત થઈ છે અને તેવામાં આ પ્રકારની ઘટના સામે આવી છે અને આગામી દિવસોમાં શહેરના દરેક વિસ્તારોમાં શ્રીજી ની આગમન યાત્રાઓ નીકળશે અને આવો બનાવો ફરીથી ન બને તે વડોદરા પોલીસ માટે એક ચેલેન્જ હશે.

Most Popular

To Top