કલાલી તળાવ પાસે વરસાદમાં મોટું ગાબડું પડ્યું :
આગામી સમયમાં અકસ્માતની ભીતિની શકયતા :
સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વધુ એક વખત પાલિકા તંત્રની પોલ ઉઘાડી પડી છે. કલાલી તળાવ પાસે મુખ્ય માર્ગ ઉપર આખો રોડ બેસી જતા અકસ્માતની ભીતિ સેવાય છે. ત્યારે ગ્રામજનો એ જાતે ગાબડું પડતા બેરીકેટ મૂક્યા છે. મહત્વની બાબત છે કે આ તળાવ ઓવર ફ્લો થતાં વરસાદી પાણી ગામમાં પ્રસરી જતા લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી હતી.
વડોદરા શહેરમાં વરસેલા વરસાદે પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી ઉપર પાણી ફેરવી દીધું હતું. શહેરમાં ઠેર ઠેર ખાડા ભુવા રોડ બેસી જવા ગાબડા પડવા સહિતના બનાવોનો સિલસિલો શરૂ થયો હતો. જે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરના કલાલી તળાવ પાસે આશરે 60 ફૂટ લાંબો રોડ બેસી ગયો છે. જોકે આ મામલે પાલિકા તંત્રએ કોઈ તસ્દી નહીં લેતા આખરે ના છુટકે ગ્રામજનોએ અકસ્માત ટાળવા પોતે બેરીકેટ લગાવવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે શહેરમાં વરસેલા વરસાદને કારણે આ તળાવ ભરાવાથી સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને પણ ઘણી મુશ્કેલી પડી હતી. હાલ ગ્રામજનોને પસાર થવા માટેનો આ એક મુખ્ય રોડ હોય આ રોડ જ આખો બેસી જતા લોકોમાં પણ અકસ્માતની ભીતિ સેવાય છે.