Vadodara

ખેડા: ટ્રીપલ અકસ્માતમાં મહિલાનું મોત, 9 વ્યક્તિઓને ઈજા

ખેડા નજીક અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર કારે ટક્કર મારતા બાઈક સામેથી આવતી ઈક્કોમાં ઘુસી ગયુ

ટ્રીપલ અકસ્માતમાં મહિલાનું મોત. 9 ઈજાગ્રસ્ત થયા

(પ્રતિનિધિ) નડિયાદ, તા.20

ખેડા નજીક ગતરોજ સમીસાંજે ગમખ્વાર અકસ્માતમાં એક કુટુંબની પુત્રવધુનો જીવ ગયો છે. કાજીપુરા ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ-વડોદરાના નેશનલ હાઈવે પર કાર ચાલકની ગંભીર બેદરકારીથી ટ્રીપલ અકસ્માત સર્જાયો છે. કારે આગળ જતા મોટરસાયકલને ટક્કર મારતાં મોટરસાયકલ સામેથી આવતા ઈકો કારમાં ભટકાયું હતું. આ બનાવમાં મોટરસાયકલ પાછળ બેઠેલ મહિલાનું કરૂણ મોત નિપજયું છે. જ્યારે મોટરસાયકલ ચાલક અને બંને કારમાં મળી કુલ 9 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આ બનાવ મામલે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ખેડા તાલુકાના પીગળજ ગામે ઈન્દિરાઆવાસમાં 68 વર્ષિય રમણભાઈ નાથાભાઈ ખાંટ રહે છે. તેમનો મોટો પુત્ર અજીતભાઈ ગતરોજ પોતાની પત્ની ચેતનાને મોટરસાયકલ પર બેસાડી ખેડા બજારમાં જરૂરી સામાન લેવા માટે ગયા હતા. સાંજે 5 વાગ્યાના અરસામાં આ અજીતભાઈ મોટરસાયકલ લઈને ખેડા તાલુકાના કાજીપુરા પાસેના અમદાવાદ-વડોદરાના નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી આવેલી કાર નંબર (GJ 27 C 8443)એ આ અજીતભાઈના મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી. આથી અજીતભાઈએ મોટરસાયકલ પરનું બેલેન્સ ગુમાવતા સામેથી આવતી ઈકો કારમાં મોટરસાયકલ સાથે ભટકાયા હતા. અકસ્માત બાદ મોટરસાયકલ ચાલક અને પાછળ બેઠેલ તેમની પત્ની રોડ પર પટકાયા હતા. જેથી ચેતનાબેનને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી જ્યારે અજીતભાઈ ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ ચેતનાબેનનુ ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું. આ અકસ્માત બાદ આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક અજીતભાઈ સહિત બંને કારમાં બેઠેલા 8 જેટલા વ્યક્તિ કુલ 9 વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

108 એમ્બ્યુલન્સ દોડી જતા તમામ ઘાયલોને સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર લઈ રહેલા વ્યક્તિઓના નામ જોઈએ તો, અજીતભાઈ ખાંટ (મોટરસાયકલ ચાલક), હંસાબેન મહેશભાઈ નાઇ (રહે. નાયકા), મહેશકુમાર પરષોતમભાઇ નાઇ (રહે. ગોતા), દિપેશભાઈ ચન્દ્રકાન્ત જાદવ (રહે.નિકોલ), હિયાન દિપેશભાઈ જાદવ (રહે. નિકોલ), અરવીંદભાઈ અંબુભાઈ પરમાર (રહે.ખાંધલી),  ગોવીંદભાઇ પરષોતમભાઈ પરમાર (રહે.ખાંધલી), ગીતાબેન અરવીંદભાઈ પરમાર (રહે. ખાંધલી) અને ભારતીબેન ગોવિંદભાઇ પરમાર (રહે.ખાંધલી)નો સમાવેશ થાય છે.

Most Popular

To Top