બોરસદ પંથકમાં ખૂણે ખાચરે ગૌવંશ કતલનું મોટું નેટવર્ક ચાલતું હોવાની શંકા
તરંગ પેટ્રોલપંપ પાસેથી રેલી નીકળશે ત્યાંથી નવા સેવા સદનમાં પહોંચી આવેદનપત્ર આપવામાં આવશે
(પ્રતિનિધિ) બોરસદ તા.20
બોરસદના શહેરના ટેકરીયાપુરા વિસ્તારમાંથી પસાર થતી નાની નહેરમાંથી સોમવારે સવારના સુમારે ગૌવંશનું કપાયેલું માથુ મળી આવતાં સમગ્ર હિન્દુ સમાજમાં ભારે આક્રોશ વ્યાપ્યો હતો . ત્યારે ગૌહત્યા સદંતર બંધ થાય તે માટે બુધવારે શહેરમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને મામલતદાર કચેરીએ પહોંચશે. જ્યાં પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ સોમવારે સવારના સુમારે ટેકરીયાપુરા વિસ્તારમાંથી પસાર થતી નાની નહેરમાંથી ગૌવંશનું તાજુ જ કપાયેલું માથુ મળી આવ્યું હતુ. ઘટનાસ્થળે દોડી આવેલી વેટરનરી ડોક્ટરોની ટીમ તેમજ એફએસએલની ટીમ દ્વારા નમુના લઈને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. સમગ્ર પ્રકરણ સંદર્ભે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજ તેમજ ટેકનીકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ઘરી છે. કોઈ શખ્સોએ ઉશ્કેરણી કરવાના ભાગરૂપે જ આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા અગાઉ ગૌહત્યામાં પકડાયેલા આરોપીઓની પણ પુછપરછ હાથ ઘરી હતી. બીજી તરફ હિન્દુ સંગઠનોએ બુધવારે 21મી તારીખના રોજ સવારના 10.30 કલાકે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરાના તરંગ પેટ્રોલપંપ પાસેથી રેલી નીકળશે. રેલી મામલતદાર કચેરીએ પહોંચશે અને ત્યાં પ્રાન્ત કચેરીને આવેદનપત્ર આપીને ગૌહત્યા સંદર્ભે તેમજ આવનાર સમયમાં ગૌહત્યા બિલકુલ ના થાય તે માટેની માંગણી કરવામાં આવનાર છે.
નહેરમાંથી ગૌવંશના વધુ અવશેષો મળ્યાં
બોરસદની નહેરમાં ટેકરીયાપુરા નજીકથી ગાયનું કપાયેલું માથું પાણીમાં તણાઈ આવ્યું હતું. હજુ આ બાબતે પોલીસ કોઇ પગલાં ભરે તે પહેલાં મંગળવારના રોજ આશરે 500 મીટર દુરથી આજ નહેરમાંથી ગૌવંશના અન્ય અવશેષો મળી આવ્યાં હતાં. આ અંગે પોલીસને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને પાણીમાંથી ગૌવંશના અવશેષો બહાર કાઢી એફએસએલને તપાસ અર્થે મોકલી આપ્યા હતાં. એફએસએલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે આ બંને મળી આવેલ અવશેષો એક જ ગાયના છે. આ ઘટનાને પગલે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે અને શાંતિ ડહોળવા નહેરના પાણીમાં અવશેષો નાંખ્યાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.