દેશમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમના બંધનનો પર્વ રક્ષાબંધન પર્વનો અનેરો મહિમા હોય છે. અને મોટી સંખ્યામાં લોકો આ રક્ષાબંધનના પર્વ પૂર્વેના દિવસોથી પોતાના વતન તરફ જતા હોય છે. જેથી ST વિભાગ દ્વારા સિડ્યુલ બસો સાથે વધારાની બસોનું પણ સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા ST વિભાગને માત્ર ત્રણ દિવસમાં લાખો રૂપિયાની વધારે આવક પ્રાપ્ત થઈ છે.
વડોદરા એસટી ડિવિઝન દ્વારા રક્ષાબંધન નિમિત્તે બહેન ભાઈના ઘરે કે ભાઈ બહેનના ઘરે સમયસર પહોંચી અને રાખડી બાંધી શકે કે બંધાવી શકે તે માટે વડોદરા એસટી ડેપો દ્વારા વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતેથી અમદાવાદ, ગોધરા, દાહોદ, ઝાલોદ, લુણાવાડા, છોટાઉદેપુર, પાવાગઢ અને સૌરાષ્ટ્ર તરફના રૂટો પર 100 બસો વધારાની દોડાવવામાં આવી હતી. જેમાં 50 હજાર ઉપરાંત મુસાફરોએ મુસાફરી કરી હતી.
વડોદરા એસટી ડેપોના અધિકારીએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં એસટી વિભાગને મહિને 30 થી 35 લાખની આવક થતી હોય છે. પરંતુ રક્ષાબંધનના પર્વ પર મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખી ત્રણ દિવસ માટે 235 સિડ્યુલ બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, ગોધરા, દાહોદ, ઝાલોદ, લુણાવાડા, છોટાઉદેપુર, પાવાગઢ સહિત અન્ય રૂટ પર 100 વધારાની બસો દોડાવવામાં આવી હતી. જેમાં દાહોદ, ગોધરા અને અમદાવાદ રૂટ પર મુસાફરોનો ઘસારો વધારે રહ્યો હતો. અને એસટી વિભાગને 19.90 લાખ જેટલી આવક થઈ હતી.