Comments

હરિયાણામાં ભાજપ માટે સૌ સારાં વાનાં નથી

રાજય સરકારોના વહીવટ બાબત કહેવાનું હોય તો ભારતીય જનતા પક્ષ લગભગ તમામ રાજ્યોમાં ઠોઠ પુરવાર થયો છે. અહીં આપણે ભારતીય જનતા પક્ષની વાત કરી રહ્યા છીએ. ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથના કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચવ્હાણનાં શાસનોની વાત કરી રહ્યા નથી. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર વગેરેમાં ભાજપે જે શાસન પ્રણાલી સેટ કરી હતી અને હજી છે, તે હારવા માટે કરી હોય તેવી દશા છે. હરિયાણામાં લોકો ગાઈ વગાડીને કહેતાં હતાં કે મનોહરલાલ ખટ્ટરમાં મુખ્યમંત્રી જેવી કોઇ પ્રતિભા નથી.

એમના નામે એવા કોઇ કામ બોલતાં નથી. તો પણ 2019ની વિધાનસભાની ચૂંટણી મનોહર ખટ્ટરની આગેવાનીમાં લડયા અને બહુમતી ન મળી. આખરે દુષ્યંત ચોટાલાની જેજેપીની મદદ વડે સરકાર બનાવવી પડી. એ ખટ્ટરની આગેવાનીમાં હરિયાણાની લોકસભાની દસમાંથી પાંચ સીટ ભાજપ હારી ગયું તે બદલ મનોહર ખટ્ટરને શિરપાવ આપવામાં આવ્યો. હાલમાં એમને કેન્દ્રમાં મોદી પ્રધાનમંડળમાં લેવામાં આવ્યા છે. જયારે સમજાયું કે ખટ્ટરને રહેવાથી હરિયાણામાં લોકસભામાં ભાજપને મત નહીં મળે ત્યારે છેક છેલ્લે છેલ્લે ખટ્ટરને દૂર કરી નાયબસિંહને મુખ્યમંત્રી બનાવાય. મુખ્યમંત્રીની પસંદગી પ્રથમથી જ પાકી ગણતરીઓ સાથે તેજતર્રાર વ્યક્તિની થવી જોઈએ. પાછળથી નાછૂટકે બદલવા પડે ત્યારે પક્ષની વધુ બેઇજ્જતી થાય છે અને બગડેલા દૂધનું બરાબર પનીર બનતું નથી.

ઉત્તરપ્રદેશમાં ભાજપ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવા માગતો ન હતો. પણ યોગીની જીદની જીત થઇ હતી. અન્યથા હાલમાં કાશ્મીરના ગવર્નર શ્રીમનોજસિંહાની વરણી થઇ ગઇ હતી. મનોજસિંહા ગવર્નર બન્યા એ બાદ એમના વાણી-વર્તન અને રંગઢંગ કહે છે કે એ કહ્યાગરા ગવર્નર બનવાને લાયક જ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે બીજી વાર ચૂંટાયા ન હોત અને હાલમાં સંસદમાં ભાજપને યોગી આદિત્યનાથના પ્રભાવથી સંસદની ત્રીસથી પાંત્રીસ સીટ મળી છે તે પણ ભાજપને મળી ન હોત.

આ લખવાનું તાત્પર્ય એ છે કે તેજસ્વી મુખ્ય પ્રધાનો પસંદ કરવામાં આવે તો આખરે પક્ષનું જ ભલું થતું હોય છે. પક્ષને કહ્યાગરા, ડાહ્યા ડમરા મુખ્યમંત્રીઓ ગમતાં હોય છે, પણ પ્રજાને ગમતાં નથી હોતાં. ગુજરાતમાં અગાઉ કરિશ્માવિહોણા મુખ્યમંત્રી આવી ગયા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ માણસ તરીકે સજ્જન છે, પણ મુખ્યમંત્રી તરીકે પ્રજાનો અભિપ્રાય એમની સંપૂર્ણ તરફેણમાં હોય તેમ જણાતું નથી. ઘણી વખત શકય હોય છે કે દિલ્હીના મોવડીમંડળ તરફથી કામ કરવાની સ્વતંત્રતા અપાતી હોતી નથી. સરકારો, પક્ષો, શાસનો ફરીથી ચૂંટાઈ આવવા માટે કેન્દ્રમાં એકહથ્થુ સત્તા રાખે છે અને આ વલણને કારણે જ જલ્દી સત્તા ગુમાવે છે.

કેન્દ્રના સત્તાધીશોને રાજ્યોમાં સમોવડિયા પેદા થવાનો ડર લાગે છે એટલે કહ્યાગરાને મોવડી બનાવે છે. પણ એમની સરકારની જૂની છાપ, જે લોકોના મગજમાં ઠસી ગઈ હોય છે તે ચૂંટણી હારવામાં નિમિત્ત બને છે, પછી ભલે મુખ્યમંત્રીને હટાવી દેવાયા હોય. ગુજરાત વિધાનસભાની ગઈ ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રતિષ્ઠા કામ કરી ગઇ હતી, પણ આવું વારંવાર નહીં થાય. હરિયાણા અને  રાજયમાં ચૂંટણી જાહેર થઇ છે.આ વખતે હરિયાણામાં ખાસ્સી રસાકસી જામશે. લોકસભાની ચૂંટણીમાં પચાસ ટકા બેઠકો મળવાથી કોંગ્રેસ ઉત્સાહમાં છે. ચોથી ઓકટોબરે ચૂંટણી યોજાશે અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હૂડાએ સ્લોગન આપી દીધું છે કે, ઓકટોબર ચાર, બીજેપી હરિયાણાસે બહાર’. ભૂપેન્દ્રસિંહ રાજ્યમાં ‘હિસાબો માગો’ શીર્ષકથી રાજ્યમાં ટુકડે ટુકડે પદયાત્રા પણ કરી રહ્યા છે.

બેરોજગારી, મોંઘવારી, કાનૂન વ્યવસ્થા વગેરે મુદ્દાઓ કોંગ્રેસ લોકસભાની ચૂંટણી અગાઉથી હરિયાણા સરકાર સામે ઉગામી રહી છે અને તેમાં સફળ પણ થઇ છે. કોંગ્રેસને લાગે છે કે આ વખતે હરિયાણામાં તેને લેન્ડસ્લાઈડ વિજય મળશે. જો કે હરિયાણા કોંગ્રેસમાં એવી એકતા જોવા નથી મળતી, જેટલી હોવી જોઈએ. હરિયાણામાં કોંગ્રેસના સિનિયર નેતા, એમપી અને દલિત ચહેરો ગણાતા કુમારી શૈલજાની વગ ઘણી છે, પણ હુડ્ડા પિતા અને પુત્ર (દીપીનર હૂડા) સાથે શૈલજાને ફાવતું નથી. પરંતુ જયારે મતદારો મત આપવા માટે ઝંખતા હોય છે ત્યારે તેઓ પાર્ટીના આંતરિક કલહને ખાસ ધ્યાનમાં લેતા નથી.

બીજી તરફ બીજેપીએ જાટ મતદારો પર આધાર રાખવો ન પડે તે માટે બિન-જાટ મતદારોનો સમૂહ તૈયાર કર્યો છે અથવા કહો કે‘પાંત્રીસ કોમની ચૂંટણી એ ફોર્મ્યુલા સાથે ભાજપ આગળ વધી રહી છે. જો કે ભાજપ માટે આ મોટી ભૂલ ગણાશે. હરિયાણામાં મોટો સમૂહ જાટ મતદારોનો છે.ભાજપ પાંત્રીસ કોમનો અલગ ચોકો માંડશે તો જાટ મતદારો વધુ એક બનશે. ભાજપની આ પાંત્રીસ કોમની ફોર્મ્યુલા અન્વયે જ મનોહરલાલ ખટ્ટરને દૂર કરી ઓબીસી વર્ગના નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવાયા છે. ભૂપેન્દ્રસિંહ હૂડા કહે છે કે આ વખતે હરિયાણાના મતદારોએ બીજેપીને હરાવવાનું મન બનાવી લીધું છે. કોંગ્રેસનો ઉત્સાહ છલકાઈ રહ્યો છે તે એ બાબતથી નક્કી કરી શકાય છે કે કોંગ્રેસ હરિયાણામાં આમ આદમી પાર્ટી સાથે કોઇ ચૂંટણી સમજૂતી કરવાના મૂડમાં નથી. કોંગ્રેસ અત્યારથી જ રાંધણ ગેસના સિલિન્ડરની કિંમત ઘટાડવાનું તેમજ અગ્નિવીર યોજના બાબતે ફેરફારો કરવાનું અત્યારથી જ વચન આપી રહી છે.

બીજેપી માને છે કે અનેકપક્ષીય ચૂંટણી યોજાશે તો જેજેપી આઈએનએલડી, આપ વગેરે પક્ષોમાં મત વહેંચાઈ જશે જેનો ફાયદો ભાજપને મળશે. પરંતુ ભૂપેન્દ્ર હૂડા કહે છે કે લોકસભાની ચૂંટણીમાં પુરવાર થયો છે કે માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો તેથી આ વખતે પણ મતો વહેંચાઈ જવાની શકયતા નથી. બીજી તરફ કોંગ્રેસ ભલે કહે, પણ ભાજપનો પ્રભાવ કંઇ સાવ ઓસરી જવાનો નથી. ગઇ ચાર જૂને પરિણામો આપ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ બે વખત હરિયાણાની મુલાકાત જઇ આવ્યા છે. હરિયાણાની 90 બેઠકોની વિધાનસભાની ટર્મ સત્તાવાર રીતે ત્રીજી નવેમ્બરે પૂરી થાય છે એ રીતે ચૂંટણી એક મહિનો વહેલી યોજવામાં આવી રહી છે.

કહે છે કે પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર કેન્દ્રીય પ્રધાનમંડળમાં રહીને હરિયાણાના શાસનમાં દખલગીરી કરી રહ્યા છે. પાંત્રીસ પક્ષના જમેલાની યોજના લોકસભામાં સફળ થઇ નથી. ખુદ મનોહરલાલ લોકસભામાં ભાજપ માટે સૌથી સલામત ગણાતી કર્નાલની સીટ પર લડીને ચૂંટાયા છે. જો કે હવે શ્રી અમિત શાહે જાહેર કર્યું છે કે હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ મુખ્યમંત્રી નાયબ સિંહના નેતૃત્વ હેઠળ જ લડાશે. ખટ્ટરના સમયમાં અમલમાં મૂકવામાં આવેલી રાજ્યની અમુક યોજનાઓ લોકપ્રિયને બદલે અલોકપ્રિય બની છે.

જેવી કે પરિવાર પહેચાન પત્ર (પીપીપી).આ યોજનાના અધકચરા અમલને કારણે, ડેટા ન હોવાને કારણે અનેક કુટુંબોને સરકારી યોજનાઓના લાભ મળ્યા નથી. જેમ કે વૃદ્ધોને પેન્શન આપવાની શ્રી દેવીલાલે શરૂ કરેલી યોજનાનો લાભ ખટ્ટર સરકારમાં અનેક વૃદ્ધોને મળ્યો ન હતો. આ પીપીપી સ્કીમ સામે લોકોમાં એટલો આક્રોશ છે કે દરેક જિલ્લા મથકે સમાધાન શિબિરોનું વારંવાર આયોજન કરવું પડે છે. લોકોની માલમિલકતને લગતા આઈડી પણ શાસન તરફથી મળતાં નથી તેથી લોકો પોતાની માલમિલકત વેચી શકતાં નથી. કોંગ્રેસના ભૂપેન્દ્રસિંહે આ બન્ને યોજના રદ કરવાની જાહેરાત કરી છે.

પંજાબમાં નશાકારક દ્રવ્યોના સેવનથી ખૂબ મોટી સમસ્યા વર્ષોથી છે. હવે એ દૂષણ હરિયાણામાં પણ આગળ વધી રહ્યું છે. ગેંગો અને ગેંગસ્ટરોનું દૂષણ પણ વકર્યું છે. હરિયાણામાં દીપેન્દર હૂડા ‘હિસાબ માગો’ યાત્રા પર છે તો કુમારી શૈલજા ‘ન્યાય યાત્રા’ પર છે. ભૂપેન્દ્રસિંહ હૂડા યુગ દીપેન્દરને ભવિષ્યના મુખ્યમંત્રી તરીકે આગળ કરી રહ્યા છે જે કુમારી શૈલજાને માન્ય નથી. હરિયાણાના એક વખતના મોટા નેતા બંસીલાલનાં પુત્રવધૂ કિરણ ચૌધરી ગયા જૂનમાં ભાજપમાં જોડાયાં છે પણ તેનાથી ભાજપને ખાસ મોટો ફાયદો નહીં થાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top