નવી દિલ્હી: કર્ણાટકના (Karnataka) મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની (Siddaramaiah) મુશ્કેલીઓ વધી ગઈ છે. અસલમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. અસલમાં કર્ણાટકના રાજ્યપાલે સિદ્ધારમૈયા વિરુદ્ધ MUDA જમીન કૌભાંડ કેસમાં તપાસ કરવાની મંજૂરી આપી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ કાર્યકર્તા ટીજે અબ્રાહમે રાજ્યપાલને મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) જમીન ફાળવણીના કેસમાં મુખ્યમંત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. ત્યારે આ મામલે કર્ણાટકના રાજ્યપાલ થાવર ચંદ ગેહલોતે આરટીઆઈ કાર્યકર્તા વિરુદ્ધ દાખલ ફરિયાદના આધારે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી હતી.
હવે રાજ્યપાલ થાવરચંદ ગેહલોતની મુખ્યમંત્રી વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરીને કર્ણાટક હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. તેમજ આ અંગે સોમવારે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે. જેની માહિતી મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. મળેલી માહિતી મુજબ રાજ્યપાલે અબ્રાહમને આજે શનિવારે બપોરે 3 વાગ્યે એપોઈન્ટમેન્ટ આપી છે. પરંતુ રાજભવન તરફથી હજુ સુધી કાર્યવાહીની મંજૂરી અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
જણાવી દઈએ કે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર MUDA દ્વારા અધિગ્રહિત જમીનનો એક ટુકડો પોતાની પત્નીના નામે કરવાનો આરોપ છે. નોંધનીય છે કે તેમની પત્નીને મૈસુરના એક પોશ વિસ્તારમાં જમીન આપવામાં આવી હતી અને જેની બજાર કિંમત તેમની પોતાની જમીન કરતા ઘણી વધારે છે. તાજેતરમાં જ ભાજપે આ મામલે સીએમના રાજીનામાની માંગ સાથે બેંગલુરુથી મૈસુર સુધી કૂચ પણ કરી હતી.
રાજ્યપાલે કારણ બતાવો નોટિસ જારી કરી
26 જુલાઈના રોજ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે એડવોકેટ-કાર્યકર ટીજે અબ્રાહમની અરજીના આધારે ‘કારણ બતાવો નોટિસ’ જારી કરી હતી, જેમાં મુખ્ય મંત્રીને તેમના પર લાગેલા આરોપોનો જવાબ આપવા અને શા માટે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ તે સમજાવવા નિર્દેશ કર્યો હતો. ત્યાર બાદ 1 ઓગસ્ટના રોજ કર્ણાટક સરકારે રાજ્યપાલને મુખ્ય મંત્રીને આપવામાં આવેલી કારણ બતાવો નોટિસ પાછી ખેંચવાની સલાહ આપી હતી. તેમણે રાજ્યપાલ પર બંધારણીય પદના ઘોર દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો.
મામલો કોર્ટમાં પણ ગયો હતો
મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) વૈકલ્પિક પ્લોટ ફાળવણી કૌભાંડના સંબંધમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામેની બે વ્યક્તિગત ફરિયાદોની સુનાવણી 20 ઓગસ્ટ સુધી એક વિશેષ અદાલતે મુલતવી રાખી છે. ત્યારે અબ્રાહમની અરજી પર 21 ઓગસ્ટે સુનાવણી થશે. હાલ કોર્ટ બે એક્ટિવિસ્ટ સ્નેહમોયી કૃષ્ણા અને ટીજે અબ્રાહમની ખાનગી ફરિયાદ સ્વીકારવા અંગેના કેસની સુનાવણી કરી રહી છે.
જણાવી દઇયે કે આ કેસ MUDA કૌભાંડથી સંબંધિત છે, જેમાં સિદ્ધારમૈયાની પત્નીને મૈસુર શહેરના કેસરુર ખાતે ત્રણ એકર અને 16 ગુંટા ખેતીની જમીનના કથિત ગેરકાયદે સંપાદન માટે પોશ વિસ્તારમાં વૈકલ્પિક પ્લોટ મળ્યો હતો. ત્યારે સિદ્ધારમૈયાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.