Charotar

વિવાદાસ્પદ સુભાષને ખેડા હેડક્વાર્ટર્સમાં હાજર થયાના 137 દિવસે ‘પુનઃ નડિયાદ ટાઉન મથકે બદલી સાથે બઢતી આપતા અચરજ’



એક જ પોલીસ મથકમાં માનીતા કર્મચારીઓને રાખવા પાછળનો આશય શું? અનેક તર્ક-વિતર્ક
(પ્રતિનિધિ) નડિયાદ, તા.19
ખેડા જિલ્લા પોલીસ વડા દ્વારા પોતાના તાબાના એક પોલીસ કર્મચારી પર ચાર હાથે આશીર્વાદ રાખવામાં આવતા હોવાની ચર્ચાઓ ઉઠી છે. વર્ષોથી સુધી નડિયાદ ટાઉન પોલીસ મથકે જ ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારી સુભાષ મોહનલાલ નાવીની ખેડા હેડક્વાર્ટર્સમાં બદલી કરાઈ અને આ બદલીની ફરજ પર હાજર થયાના 137માં દિવસે પુનઃ નડિયાદ ટાઉનાં બઢતી સાથે બદલી કરી નાખવામાં આવી છે. જેના કારણે આશ્ચર્ય સર્જાયુ છે અને આ એક કર્મચારી પર પોલીસ વડા શા માટે આશીર્વાદ વરસાવી રહ્યા છે, તે અંગે અનેત તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે.
મળતી માહિતી મુજબ વર્ષોથી નડિયાદ ટાઉનમાં અડ્ડો જમાવી બેઠેલા પોલીસ કર્મચારી સુભાષ મોહનલાલ નાવીની ચૂંટણી પહેલા 2 માર્ચ, 2024ના રોજ ખેડા હેડક્વાટર્સમાં બદલી કરાઈ હતી. આ પોલીસ કર્મી પોતાની બદલીના સ્થળે હાજર ન થયા અને તે પછી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ અને તે વખતે જિલ્લા ચૂંટણી અધિકારીને આ બાબતે રજૂઆત થતા તત્કાલ આ સુભાષ મોહનલાલ નાવીને 1 એપ્રિલ, 2024ના રોજ ખેડા હેડક્વાર્ટર્સમાં હાજર થવાની ફરજ પડી હતી. જો કે, 1 એપ્રિલે હાજર થયા બાદ આજે 137 દિવસ પૂરા થયા છે અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ આ પોલીસ કર્મચારી પર આશીર્વાદ વરસાવ્યા છે, જ્યાં ખેડા હેડક્વાટર્સથી હેડ કોન્સ્ટેબલમાંથી એ.એસ.આઈ. તરીકે બઢતી આપી અને નડિયાદ ટાઉન પોલીસ મથકમાં ફરીથી ફરજ સોંપી દેવામાં આવી છે. અગાઉ વર્ષો સુધી નડિયાદ ટાઉનમાં રહ્યા હોવા છતાં ફરી આ જ પોલીસ મથકમાં પાછા લાવી દેવાયા હોવાથી અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. નડિયાદ ટાઉન એ આખા જિલ્લાનું આર્થિક અને અન્ય તમામ બાબતોમાં સૌથી મોટુ પોલીસ મથક છે, જેમાં અગાઉ આ સુભાષ નાવી જ તમામ વહીવટો સંભાળતા હોય અને તેઓ રાજકીય નેતાઓથી માંડી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માનીતા હોવાના કારણે પુનઃ નડિયાદ ટાઉનમાં બઢતી સાથે બદલી આપી હોવાની ચર્ચાઓ છે. વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવતા હોવાનું જાણવા છતાં પોલીસ વડા દ્વારા ફરી નડિયાદ ટાઉનમાં મુકાતા શહેરના જાગૃતજનોમાં પણ અનેક ચર્ચાઓ છેડાઈ છે. સુભાષ નાવી ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓના માનીતા હોવાથી ગેરકાયદેસર રીતે નડિયાદ ટાઉનના પી.આઈ. કરતા વધારે સત્તાઓ ધરાવતા હોવાની ચર્ચાઓ ઉઠી છે. તેમજ નડિયાદ ટાઉનને સબંધિત કોઈ પણ નિર્ણય લેવામાં પોલીસ ઈન્સપેક્ટર કરતા વધારે વગદાર હોવાનું પણ શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે શું રાજકીય ઈશારે અને ઉચ્ચ અધિકારીઓએ પોતાના કામો પાર પાડવા માટે પુનઃ નિમણૂક આપી છે? તે પણ લોકમુખે ચર્ચાનો વિષય છે. આ તરફ અગાઉ વર્ષો સુધી નડિયાદ ટાઉનમાં સુભાષ નાવીએ અડ્ડો જમાવી રાખ્યો હતો, ત્યારે પુનઃ જ્યારે બઢતી સાથે બદલી આપવામં આવી છે, ત્યારે હવે તેમની પાસે અન્ય આસીસટન્ટ સબ ઈન્સપેક્ટરની માફક કામ લેવાશે કે માત્ર વહીવટો કરાવાશે, તે પણ ચર્ચાનો વિષય છે.

97 દિવસ પહેલા ટાઉનમાં પુનઃ ફરજ ન આપવા લેખિત ફરીયાદ થયેલી
નડિયાદ શહેરના એક જાગૃત નાગરીક દ્વારા આ સુભાષ નાવી સામે ગંભીર આક્ષેપો કરી 13 મે. 2024ના રોજ જિલ્લા પોલીસ વડાને લેખિત ફરીયાદ આપી હતી. જેમાં આ સુભાષ નાવીની પુનઃ નડિયાદ ટાઉનમાં ન લાવવા માટે જણાવ્યુ હતુ. તેમજ જો પુનઃ નડિયાદ ટાઉનમાં જ બદલી કરવામાં આવે તો ઉચ્ચ અધિકારીઓ સહિત આ સુભાષ નાવી ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનું પુરવાર થશે, તે મુજબના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. આમ છતાં જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા 97 દિવસ પહેલા કરાયેલી આ લેખિત ફરીયાદને પણ માળીયે ચઢાવી સુભાષ નાવીને ફરી નડિયાદ ટાઉન મથકમાં જ બઢતી સાથે બદલી આપતા હવે નાગરીકોમાં પણ અનેક પ્રકારના પ્રશ્નોનો ગણગણાટ ચાલી રહ્યો છે.

Most Popular

To Top