નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ને આજે વધુ એક સફળતા મળી છે. ISRO એ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ-D3 લોન્ચ કર્યું છે. ત્યારે SSLV-D3-EOS-08 મિશન ફેબ્રુઆરી 2023માં સ્મોલ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ (SSLV-D2-EOS-07)ની બીજી ટેસ્ટ ફ્લાઇટના બીજા સફળ લૉન્ચ સાથે જોડાયેલુ છે.
જણાવી દઇયે કે જાન્યુઆરીમાં PSLV-C58/XpoSat અને ફેબ્રુઆરીમાં GSLV-F14/INSAT-3DS મિશનના સફળ લૉન્ચ બાદ આજનું મિશન બેંગલુરુ-મુખ્યમથકવાળી સ્પેસ એજન્સી માટે 2024માં ત્રીજું મિશન છે. ત્યારે ISROએ જણાવ્યું હતું કે SSLV-D3-EOS08 મિશન – પ્રક્ષેપણ પહેલા સાડા છ કલાકનું કાઉન્ટડાઉન IST 02.47 કલાકે શરૂ થયું હતું.
રોકેટ સવારે 9:19 કલાકે લૉન્ચ કરવામાં આવ્યું
ઇસરો દ્વારા મળેલી માહિતી મુજબ સૌથી નાનું SSLV રોકેટ જેની ઉંચાઈ લગભગ 34 મીટર છે, જે પહેલા તો 15 ઓગસ્ટના રોજ સવારે 9.17 વાગ્યે અને બાદમાં 16 ઓગસ્ટના રોજ સવારે 9:19 વાગ્યે લોન્ચ થવાની યોજના બનાવાઇ હતી. ત્યાર બાદ આ રોકેટ આજે સવારે સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ સેટેલાઇટથી થશે આટલા ફાયદા
ISROએ જણાવ્યું હતું કે SSLV-D3-EOS-08 મિશનનો એક પ્રાથમિક ઉદ્દેશ્ય માઇક્રોસેટેલાઇટ ડિઝાઇન અને વિકાસ કરવાનો છે. તેમજ માઇક્રોસેટેલાઇટ સાથે સુસંગત પેલોડ સાધનો બનાવવા અને ભવિષ્યના ઓપરેશનલ ઉપગ્રહો માટે જરૂરી નવી ટેક્નોલોજીનો સમાવેશ કરવાનો છે. આજના મિશન સાથે ISRO એ સૌથી નાના રોકેટની વિકાસલક્ષી ઉડાન પૂર્ણ કરી છે, જે 500 કિલો સુધીના વજનના ઉપગ્રહોને લઈ જઈ શકે છે.
આ સેટેલાઇટની મદદથી પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં (પૃથ્વી ઉપર 500 કિમી) મૂકી શકાય છે. આ મિશન ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડને પણ પ્રોત્સાહન આપશે, જે ઈસરોની વ્યાપારી શાખા છે. હવે ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડની મદદથી ઉદ્યોગ સાથે મળીને નાના ઉપગ્રહને લઇ જતા વાહનોનો ઉપયોગ કરીને વાણીજ્ય લૉન્ચ કરી શકાશે.
આ અવકાશયાનનું મિશન એક વર્ષનું છે. તેનું વજન આશરે 175.5 કિગ્રા છે. જે લગભગ 420 વોટ પાવર જનરેટ કરે છે. ISRO એ જણાવ્યું હતું કે SSLV-D3/IBL-358 લોન્ચ વ્હીકલ સાથે સેટેલાઇટ ઇન્ટરફેસ છે. પ્રથમ પેલોડ, EOIR, મિડ-વેવ IR (MIR) અને લોન્ગ-વેવ IR (LWIR) બેન્ડમાં, દિવસ અને રાત બંને સ્થિતિમાં ફોટા પાડવા માટે રચાયેલા છે. તેનો ઉપયોગ ઉપગ્રહ-આધારિત મોનિટરિંગ, ડિઝાસ્ટર મોનિટરિંગ, પર્યાવરણીય દેખરેખ, અગ્નિ શોધ, જ્વાળામુખી પ્રવૃત્તિ નિરીક્ષણ અને ઔદ્યોગિક અને વીજળી આપત્તિ નિરીક્ષણ જેવા કાર્યક્રમો માટે થાય છે.
બીજું GNSS-R પેલોડ, દરિયાની સપાટીના પવનનું વિશ્લેષણ, જમીનની ભેજનું મૂલ્યાંકન, હિમાલયના પ્રદેશમાં ક્રાયોસ્ફિયર અભ્યાસ, પૂરની શોધ અને આંતરિક જળાશયની શોધ જેવી એપ્લિકેશન માટે GNSS-R-આધારિત રિમોટ સેન્સિંગનો ઉપયોગ કરવાની ક્ષમતાને દર્શાવે છે.