Vadodara

વડોદરાનું ખ્યાતનામ પદમાવતી શોપિંગ સેન્ટર આખરે તૂટશે, એંધાણ વર્તાયા



કોર્પોરેશનનું રૂપિયા 2.34 કરોડના ખર્ચે TP -13 માં નવું પ્રેસ બિલ્ડીંગ બનશે

16 ઓગસ્ટના રોજ મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં કોર્પોરેશનના પ્રેસ માટે નવા બિલ્ડીંગ અંગેનો નિર્ણય લેવાય તેવી શક્યતા :


વડોદરા કોર્પોરેશનની વિવિધ સ્ટેશનરીના છાપકામ માટે શહેરની મધ્યમાં પદ્માવતી શોપિંગ સેન્ટરમાં પાલિકાનું વર્ષોથી પ્રિન્ટિંગ પ્રેસ આવેલું છે. હવે આવનાર સમયમાં પદ્માવતી શોપિંગ સેન્ટર ગમે ત્યારે તૂટે તેવી શક્યતાઓ હોવાના કારણે વડોદરા કોર્પોરેશન દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે રૂપિયા 2.34 કરોડના ખર્ચે TP – 13 છાણી વિસ્તારમાં નવું બિલ્ડીંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં નવું બિલ્ડીંગ બનાવવા આવેલા ભાવપત્રક મંજૂર કરવા માટે દરખાસ્ત આવી છે. શહેરના છાણી TP – 13 વિસ્તારમાં ફાઇનલ પ્લોટ નંબર – 11 માં મ્યુનિસિપલ ઇન્ડસ્ટ્રીયલ રિઝર્વ શેડમાં પ્રેસ બિલ્ડીંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિમાં આવેલી દરખાસ્તમાં જણાવાયું છે કે, પાલિકાની હાલની પ્રેસ વર્ષોથી પદ્માવતી સેન્ટરમાં કાર્યરત છે. શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પ્રેસ હોવાના કારણે લોડિંગ અને અનલોડીંગની મુશ્કેલી સર્જાય છે. આ ઉપરાંત પાર્કિંગની પણ સુવિધા ન હોવાના કારણે અવારનવાર લોકો સાથે ઘર્ષણ થતું હતું. જેના કારણે પાલિકા દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટર સ્થિત પ્રેસને TP – 13 ફાઈનલ પ્લોટ 11 મ્યુનિસિપલ ઇન્ડસ્ટ્રીઝ શેડમાં નવું બિલ્ડીંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવા પ્રેસ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટોર રૂમ, રેકોર્ડ રૂમ, ક્લાર્ક રૂમ, SOD કેબીન, ફોર્મ રૂમ, ડિલિવરી સેકસન, પ્લેટ મેકિંગ રૂમ, બાઈન્ડિંગ સેક્સન રૂમ, ઓફસેટ સેક્શન રૂમ, સ્ક્રેપ રૂમ, પેન્ટ્રી, લેડિઝ ટોયલેટ તેમજ જેન્ટ્સ ટોયલેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ફર્સ્ટ ફ્લોર ઉપર કોન્ફરન્સ રૂમ, ઓફિસર કેબિન, સ્ટોર રૂમ, કોમ્પ્યુટર રૂમ, ડિજિટલ ડુપ્લીકેટ સેક્સન રૂમ , હેન્ડીકેપ ટોયલેટ, સ્ટ્રોંગ રૂમ, ટુ વિલર અને ફોર વ્હીલર પાર્કિંગ તથા સિક્યુરિટી કેબિનનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મનપાની સ્થાયી સમિતિમાં નવું બિલ્ડીંગ બનાવવા માટે રૂપિયા 2,34,95,363 નું ટેન્ડર મંજૂર કરવા માટે દરખાસ્ત આવી છે. આગામી તારીખ 16 ઓગસ્ટના રોજ મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં કોર્પોરેશનના પ્રેસ માટે નવા બિલ્ડીંગ અંગેનો નિર્ણય લેવાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, શહેરની મધ્યમાં આવેલ પદ્માવતી શોપિંગ સેન્ટર જમીનદોસ્ત કરવાનું પાલિકાનું આયોજન છે. અને આ શોપિંગ સેન્ટર ગમે ત્યારે જમીનદોસ્ત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે પદ્માવતી શોપિંગ સેન્ટર સ્થિત પ્રેસનું બિલ્ડીંગ નવું બનાવવાનું અને તેમાં પ્રેસ સ્થળાંતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રેસ મકરપુરા જીઆઇડીસી ખાતે પ્લોટ નંબર 204 માં નવું બિલ્ડીંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈક કારણોસર આ સ્થળમાં ફેરફાર કરીને TP – 13 મ્યુનિસિપલ ઇન્ડસ્ટ્રીયલ ફાઇનલ પ્લોટ નંબર – 11 ના રિઝર્વ પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top