Editorial

રશિયા-યુક્રેન યુદ્ધમાં બાજી પલટાઇ રહી છે?

વર્ષ ૨૦૨૨ના ફેબ્રુઆરીની ૨૪મી તારીખે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી શરૂ થયેલું યુદ્ધ હજી પણ બે વર્ષ કરતા વધુ સમય પછી પણ ચાલુ છે. યુદ્ધની શરૂઆતમાં એવું લાગતું હતું કે મહા શક્તિશાળી રશિયા સમક્ષ યુક્રેન થોડા જ દિવસોમાં કે સપ્તાહોમાં ઘૂંટણિયે આવી જશે. પણ એ ધારણા ખોટી નિવડી છે. આજે મહિનાઓ પછી પણ યુદ્ધ ચાલુ છે અને હવે થોડા દિવસથી તો બાજી પલટાઇ રહી હોય તેમ લાગે છે. યુક્રેનિયન દળો ભારે જોર બતાવી રહયા છે અને રશિયન પ્રદેશોમાં પ્રવેશવા માંડયા છે.

છેલ્લા કેટલાક સમયથી આક્રમક અભિગમ અપનાવી રહેલા યુક્રેને આ સોમવારે વધુ એક રશિયન પ્રદેશ પર હુમલો કરીને તેમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા તેણે જ્યાં પ્રવેશ કર્યો હતો કુર્સ્ક પ્રદેશમાં લડાઇ ચાલુ જ છે ત્યારે યુક્રેને હવે રશિયાના બેલગોરોડ પ્રદેશ પર સોમવારે આ હુમલો કર્યો હતો. જો કે આટલા સમયની લડાઇમાં યુક્રેને ભારે ખુવારી વેઠવી પડી છે, તેના પ્રમાણમાં રશિયામાં નુકસાની ઘણી ઓછી છે. યુક્રેનમાં હજાર લોકો માર્યા ગયા છે, સંખ્યાબંધ ઇમારતો કાટમાળમાં ફેરવાઇ ગઇ છે અને લાખો લોકો વિસ્થાપિત બન્યા છે. મોટા પ્રમાણમાં લોકોએ બીજા દેશોમાં શરણ લીધું છે. જો કે યુક્રેનને અમેરિકા સહિતના પશ્ચિમી દેશોનો ભારે ટેકો છે અને તેમના જોરે તેણે રશિયાને સખત ટક્કર આપી છે અને હવે બાજી પલટાઇ રહી હોય તેવું પણ લાગે છે.

યુક્રેને સોમવારે સવારે રશિયાના બેલ્ગોરોડ પ્રદેશમાં હુમલો કર્યો હતો, જેણે તેના વધુ ગ્રાઉન્ડ યુનિટોને મોકલ્યા હતા જેમને ટેન્કોની કન્ટીજન્ટનો ટેકો હતો. આના પહેલા તેણે જયાં આ જ પ્રકારનો હુમલો કર્યો હતો તે રશિયાના કુર્સ્ક પ્રદેશમાં ચાલુ જ છે ત્યારે યુક્રેને રશિયન પ્રદેશમાં  થોડા દિવસોમાં આ બીજો હુમલો કર્યો છે. ટેન્કો અને લશ્કરી દળો સરહદ તરફ આગળ વધી રહી હોવાના અહેવાલ વચ્ચે બેલ્ગોરોડના પ્રાદેશિક ગવર્નર યાચેસ્લાવ ગ્લાદકોવે ક્રાસ્નોયારુસ્કી જિલ્લામાં વસતા હજારો લોકો માટે સવારે પાંચ વાગ્યે સ્થળાંતરની ચેતવણી આપી હતી. આના કલાકો પછી રશિયન ન્યૂઝ સાઇટ મેશે અહેવાલ આપ્યો હતો કે યુક્રેનના ભાંગફોડિયા જૂથે ઓછામાં ઓછી પાંચ ટેન્કોના સહારે સરહદ તોડી છે અને બોલ્ગોરોડના કોલોટીલોવ્કા નગરમાં પ્રવેશ્યા છે. વિશ્લેષકો આ હુમલાને આ રીતે જોઇ રહ્યા છે કે તે હુમલો યુક્રેનના પશ્ચિમી ટેકેદારોને એ બતાવવા માટે છે કે યુક્રેન હજી મોટા લશ્કરી ઓપરેશનો કરી શકે છે જ્યારે તે સંભવિત યુદ્ધ વિરામની મંત્રણા પહેલા વધુ સોદાબાજીની અનુકૂળતાઓ મેળવવા માગે છે.

આ બધી ધમાધમી વચ્ચે અણુ હોનારતનો ભય ઉભો થયો હતો જયારે યુક્રેનના ઝાપોરિઝિઆ અણુ મથકમાં એક કૂલીંગ ટાવરમાં આગ ફાટી નિકળી હતી જેના અંગે રશિયા અને યુક્રેન એક બીજા પર આક્ષેપો કરી રહ્યા છે. જો કે મોડી રાત્રે આગ કાબૂમાં લઇ લેવાઇ હતી. જ્યારે યુક્રેનના હુમલા અંગે રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિને  જણાવ્યું હતું કુર્સ્ક પ્રદેશમાં યુક્રેનિયન લશ્કરની ઘૂસણખોરી, જેને કારણે એક લાખ કરતા વધુ નાગરિકોએ ભાગી છૂટવું પડ્યું હતું છે તે પૂર્વ યુક્રેનના દોનબાસ પ્રદેશમાં મોસ્કોના આક્રમણને અટકાવવા માટે છે અને સંભવિત ભવિષ્યની શાંતિ મંત્રણાઓમાં લાભ મેળવવાનો હેતુ ધરાવે છે. યુક્રેન રશિયન પ્રદેશોમાં અસ્થિતા સર્જવા માગે છે પણ તેમાં તે સફળ રહ્યૂં નથી એમ પુટિને કહ્યું હતું. પુટિન ભલે ગમે તે કહેતા હોય પણ રશિયાને યુક્રેન હંફાવવા માંડ્યું છે તે નક્કી છે.

આપણે અગાઉ જ જોયું તેમ યુક્રેનને અમેરિકા સહિતના અનેક પશ્ચિમી દેશોનો વ્યાપક ટેકો છે. અને આ પશ્ચિમી દેશોના ટેકે જ યુક્રેન આટલા સમય સુધી રશિયા જેવી મહાસત્તા સામે ટકી શક્યું છે. આમાં તેના નેતાઓ અને પ્રજાના એક મોટા વર્ગનું ખમીર પણ યશને પાત્ર છે. જો કે અંગત રીતે તેણે ભારે ખુવારી વેઠવી પડી છે પરંતુ તેણે એ સાબિત કરી બતાવ્યું છે કે હામ અને હિંમત હોય અને અન્યોનો પુરતો સાથ સહકાર હોય તો બળિયા શત્રુને પણ હંફાવી શકાય છે. બળવાન ગણાતા રશિયાની અનેક નબળાઇઓ આ યુદ્ધમાં ખુલ્લી પડી ગઇ છે તે એક જુદી જ વાત છે. રશિયાનું લશ્કર માનવબળની દષ્ટિએ નબળુ પુરવાર થયું છે અને તેણે ભાડૂતી સૈનિકોનો પણ આશરો લેવો પડ્યો હતો તે વાત જાણીતી બની ગઇ છે. હવે જ્યારે યુક્રેન બળ બતાવવા માંડ્યું છે ત્યારે યુદ્ધ કેવો વળાંક લે છે તે જોવાનું રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રશિયા એ યુક્રેન કરતા વિસ્તાર અને લશ્કરી શક્તિ બંને દષ્ટિએ ઘણુ મોટું છે. બીજી બાજુ, યુક્રેનને આ યુદ્ધને પગલે પશ્ચિમી દેશોનો ઘણો સાથ મળી રહ્યો છે. તેને સતત મળી રહેલી શસ્ત્ર સહાયને કારણે તે રશિયા સાથે લાંબા સમયથી ટક્કર લઇ રહ્યું છે. જ્યારે કે અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે રશિયાને કેટલીક આર્થિક મુશકેલીઓનો સામનો કરવો પડ્યો છે અને તેને કારણે તે કંઇક નબળુ પણ પડ્યું હોઇ શકે છે. એ પણ નોંધનીય છે કે રશિયાના મજબૂત ગણાતા લશ્કરની ઘણી નબળાઇઓ પણ આ યુદ્ધમાં ખુલ્લી પડી ગઇ છે. સંસાધનોની રીતે રશિયન લશ્કર ભલે બળુકુ હોય પણ માનવ બળની રીતે તે નબળુ પુરવાર થયું છે. તેના સૈનિકો બહુ શિસ્તબધ્ધ અને તાલીમયુક્ત જણાયા નથી. રશિયન પ્રજાના પણ એક મોટા વર્ગનો આ યુદ્ધમાં પુટિનને બહુ સાથ મળ્યો નથી. આ બધા સંજોગો જોતા બાજી ધીમે ધીમે પલટાઇ રહી હોય તે શક્યતા નકારી શકાય નહીં.

Most Popular

To Top