National

હરિયાણામાં સોમ અને નકટી નદીના બાંધ તુટતા 15 ગામમાં પાણી ઘૂસ્યા, ખેડૂતનું મોત

નવી દિલ્હી: હિમાચલના (Himachal) સિરમૌરમાં પર્વતો પર પડી રહેલો ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટના હરિયાણાના (Haryana) લોકો માટે આફત બની ગઇ છે. અસલમાં પર્વત પર પડી રહેલા વરસાદના કારણે હરિયાણાની નકટી અને સોમ નદીઓના બાંધ તૂટી ગયા હતા. જેથી નદીઓના પાણી ગામમાં ઘુસી ગયા હતા.

અસલમાં પ્રથમ વખત હરિયાણાની સોમ નદીમાં 24 હજાર ક્યુસેક પાણી પ્રવેશતા 15થી વધુ ગામોમાં પાણી ઘુસ્યા હતા. ત્યારે નકટી નદીના ઉછાળાને કારણે સઢૌરાની શેરીઓમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. તેમજ ચિંતપુરમાં ખેતરમાં ગયેલો 34 વર્ષીય ખેડૂત સતપાલ ડૂબી ગયો હતો. ત્યારે NDRFની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ સિવાય સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળતા ઘરોમાં પાણી ભરાયા હતા જેના કારણે સામાનને નુકસાન થયું છે. તેમજ ખેતરનો પાક પણ બરબાદ થઇ ગયો છે. આ સાથે જ સધૌરા નગરમાં પાંચ ફૂટ પાણીનો જમાવડો થયો છે. જેથી પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યારે વહીવટીતંત્રની મદદ ન મળવાને કારણે લોકોમાં રોષ છે.

પ્રાપ્ત વિગતો મુજબ સોમ નદીના પાળા તૂટવાને કારણે આજુબાજુના ગામો સૌથી વધુ પ્રભાવિત થયા છે. ગામડાઓમાં રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. યમુના નદીમાં 65 હજાર પાણીનો પ્રવાહ નોંધાયો છે. તેમજ સોમ નદીમાં 24 હજાર ક્યુસેક પાણી હતું. આ અત્યાર સુધીનું સૌથી વધુ પાણી છે. જિલ્લામાં 21 મીમી વરસાદ નોંધાયો હતો. સધૌરા વિભાગમાં 80 મીમી વરસાદ નોંધાયો હતો. જેથી હજારો એકરના પાકમાં પૂરના પાણી જમા થયા છે.

ગ્રામજનોએ કહ્યું- પાળા પર કોઈ કામ થયું નથી
અસરગ્રસ્ત ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં પાળા બાંધવાની જરૂર છે, સિંચાઈ વિભાગના અધિકારીઓ ત્યાં પાળા બાંધતા નથી. જ્યાં તેની જરૂર નથી ત્યાં પાળા બાંધવામાં આવ્યા છે. જેના કારણે સમસ્યા સર્જાઈ રહી છે. સિંચાઈ વિભાગ દ્વારા પૂર સંરક્ષણની કામગીરી પણ હજુ સુધી પૂર્ણ કરવામાં આવી નથી. આ સાથે જ મલિકપુર બાંગર, રુકલી, બસતિયાવાલન સહિતના અનેક ગામોના ખેડૂતો લાંબા સમયથી સોમ નદી પર બાંધવામાં આવેલ ગેરકાયદેસર બાંધને હટાવવાની માંગ કરી રહ્યા છે.

આ મામલો ફરિયાદ નિવારણ સમિતિની બેઠક સુધી પહોંચ્યો હતો, પરંતુ અધિકારીઓએ આ દિશામાં કોઈ કામગીરી કરી ન હતી. એક ખેડૂતનો બે એકર પાક બચાવવા માટે ખેડૂતોનો હજારો એકર પાક બગડી રહ્યો છે. કેટલાક ખેડૂતોએ ગેરકાયદે રીતે બાંધેલા પાળાને હટાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યા હતા.

હિમાચલમાં વાદળ ફાટવાના કારણે આટલું પાણી આવ્યું
સમગ્ર મામલે સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેર આરએસ મિત્તલે જણાવ્યું હતું કે હિમાચલના સિરમૌરમાં વાદળ ફાટવાના કારણે સોમ નદીમાં આટલું પાણી પહેલીવાર આવ્યું છે. આ પાણી સતત વહી રહ્યું છે. જેના કારણે ખેતરો અને ગામડાઓમાં પાણી ઘુસી ગયા છે.

Most Popular

To Top