Vadodara

પ્રાથમિક સુવિધાઓથી વંચિત પૂર્વ વિસ્તારના નાગરિકોએ માટલા ફોડી કર્યો વિરોધ



પ્રતિનિધિ વડોદરા તા. 11
વડોદરા શહેરના નાગરિકો પાસેથી મિલકત વેરો લેનાર વડોદરા મહાનગરપાલિકા સંપૂર્ણ રીતે જવાબદાર છે કે તે નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે. પરંતુ શહેરના પૂર્વ વિસ્તારમાં ક્રિષ્ના રેસીડેન્સીના નાગરિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ક્રિષ્ના રેસીડેન્સી સોસાયટીની બહાર રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી છે. સાથે સાથે રોડ રસ્તાની સુવિધા જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપવી જોઈએ તે પણ હજુ સુધી નાગરિકોને મળી નથી. વડોદરા મહાનગરપાલિકા પાસેથી શુદ્ધ પીવાનું પાણી મેળવવું એ નાગરિકોનો અધિકાર છે. પરંતુ એવી કોઈ પ્રાથમિક સુવિધાઓ ક્રિષ્ના રેસીડેન્સી ના રહીશોને નથી મળી રહી.



ત્યારે આજરોજ ક્રિષ્ના રેસીડેન્સી ના રહીશો દ્વારા માટલા ફોડી તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી કોર્પોરેશન ના પાણીની લાઈન માટે કોશિશ કરતા હતા ત્યારે હવે એક મહિના પૂર્વે કોર્પોરેશનના પાણીની લાઈનનું જોડાણ ક્રિષ્ના રેસીડેન્સી ને મળ્યું છે પરંતુ જે પ્રકારે દૂષિત પીવાનું પાણી અહીંના રહીશોને મળે છે જેના લીધે ઘણા બધા રહીશો બીમારીમાં સપડાયેલ છે. અને જો અહીંયા રોગચાળો પહેલા છે તો તેનું જવાબદાર તંત્ર અને અહીંના સ્થાનિક કોર્પોરેટરો હશે.

છેલ્લા ત્રણ દિવસથી જે પ્રકારે વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે જેના લીધે વિસ્તારમાં પાણી ભરાયેલું રહે છે અને અહીંના રહીશોને ઘરની બહાર નીકળવાની પણ મુશ્કેલી થાય છે. સ્થાનિક કાઉન્સિલરો અહીંયા આવવા માટે તૈયાર નથી અને જ્યારે ચૂંટણી હોય ત્યારે મત માંગવા માટે આવે છે. જો સ્થાનિક કાઉન્સિલરો ને વિસ્તારની તકલીફો જોવા માટે સમય ન હોય તો વોટ માંગવા પણ આવવું નહીં.

Most Popular

To Top