Vadodara

વડોદરા : અટલાદરા ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ, રસ્તો બ્લોક થતા લોકોની દયનિય હાલત…

કોર્પોરેટરો અને અધિકારીઓ જોવા સુદ્ધા પણ નહિ આવ્યા હોવાના આક્ષેપ :

લોકોના વાહનો ખોટકાતા સ્થાનિક યુવકો ચાલકોની વ્હારે .

વડોદરા શહેરમાં અટલાદરા ગામ ખાતે વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં લોકો કફોડી હાલતમાં મુકાયા છે. વાહન ચાલકોને પસાર થવામાં પણ ઘણી મુશ્કેલી વેઠવાની ફરજ પડી રહી છે.અટલાદરા તળાવ ઓવર ફ્લો થતા પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યાં છે.

વડોદરા શહેરમાં શનિવારે વરસેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. તો બીજી તરફ અટલાદરા ગામની તંત્રના પાપે દુર્દશા થઈ છે.અટલાદરા તળાવ ઓવરફ્લો થતાં ગામના રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ વરસાદી પાણીનો આજે પણ નિકાલ નહીં થતાં સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડી છે.

અત્યાર સુધી કોઈ કાઉન્સિલર કે કોર્પોરેશનના અધિકારીઓ જોવા પણ નથી આવ્યા તેવા સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા. બીજી તરફ લોકોને પોતાના વાહનો લઈને પસાર થવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. કેટલાય લોકોના વાહનો બંધ પડ્યા હતા.ત્યારે ગામના યુવાનોએ આગળ આવી આ વાહનોને ધક્કો મારી બહાર કાઢવાની ફરજ પડી હતી. વધુમાં સ્થાનિક લોકોએ અટલાદરા ગામમાં પ્રિમોન્સૂનની કામગીરી થઈ નથી તેવા આક્ષેપ સાથે તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને વહેલીતકે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી :

અટલાદરા તળાવ દર ચોમાસામાં ઓવર ફ્લો થાય છે. પહેલાના સમયમાં જ્યારે પણ આ તળાવ ઓવરફ્લોર થતું હતું. ત્યારે બીજી બાજુ નીકળી જતું હતું. પરંતુ, અત્યારે હાલમાં બધા રસ્તા બંધ થઈ ગયા છે અને જે તે સમયે વરસાદ અતિ ભારે પડ્યો અને એના કારણે આ તળાવ ઓવરફ્લો થયું અને એનું સીધું પાણી ભરાઈ ગયું છે. જે અત્યાર સુધી નીકળ્યું નથી કોર્પોરેશન દ્વારા જે પંપ બેસાડવામાં આવ્યો છે. જે દિવસમાં એક જ વખત ચાલુ થાય છે. કોર્પોરેટરને રજૂઆત કરી હોવા છતાં નિરાકરણ આવતું નથી અને આ અટલાદરા ગામમાં આવવા માટેનો મુખ્ય રસ્તો છે. અહીંયાથી અવરજવર પણ દિવસમાં ખૂબ થાય છે. આજે આ રોડ કેટલાય દિવસથી બ્લોક થઈ ગયો છે. પરંતુ સ્થાનિક કોર્પોરેટરો કોઈ ધ્યાન આપતું નથી અને જોવા સુદ્ધા આવ્યા નથી : રાજેશ ચૌહાણ,સ્થાનિક રહીશ

અમારે રસ્તો બંધ કરી બીજો કોઈ રસ્તો શોધવો પડશે :

આવું અને આવું રહેશે તો અમારે આ રસ્તો બંધ કરી દેવો પડશે અને બીજો કોઈ રસ્તો શોધવો પડશે. આ અટલાદરા ગામમાં જવાનો રસ્તો છે અને અટલાદરા થી મેન રોડ ઉપર નીકળવા માટેનો આ માર્ગ છે બધા હેરાન પરેશાન થઈ ગયા છે.જેમ બને તેમ જલ્દી આનો નિકાલ કરવામાં આવે : તૃષાર પટેલ, સ્થાનિક રહીશ

પાલિકા તંત્રની મહેરબાનીથી પરિવાર ચારરસ્તા નજીક આવેલ જિલ્લા રમત ગમત સંકુલ પણ પાણીમાં ગરકાવ

વડોદરા મહાનગરપાલિકાના પાપે શહેરમાં વરસાદમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા અને હજી પણ વરસાદ સમયે હવે રમત ગમત સંકુલ પણ બાકી રહ્યું નથી. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ ખાતે આવેલા પરિવાર ચારરસ્તા નજીક વડોદરા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પરિક્ષણ કેન્દ્ર જિલ્લા રમત સંકુલ ખાતે કે જ્યાં ભવિષ્યમાં રાજ્ય અને દેશ માટે ઉભરતા ખેલાડીઓ તૈયાર થાય છે ત્યાં જ દુર્દશા પાલિકાના પાપે સર્જાય છે. આજે ખેલાડીઓ આવા પાણી ભરાયેલા જિલ્લા રમત સંકુલ માં પ્રેક્ટિસ કરવા મજબૂર બન્યા છે.

Most Popular

To Top