World

બ્રાઝીલનું વિમાન રમકડાની જેમ ગોળ-ગોળ ફરતું જમીન પર પટકાયું, 61નાં મોત

નવી દિલ્હી: બ્રાઝિલમાં (Brazil) ગઇકાલે શુક્રવારે એક મોટી વિમાન દુર્ઘટના (Plane Crash) સર્જાઈ હતી. જેમાં એક પ્રાદેશિક ટર્બોપ્રોપ વિમાન (Regional turboprop aircraft) રમકડાની જેમ ગોળ-ગોળ ફરતું નીચે ધડામ દઇને પડ્યું હતું. આ ઘટનાના વીડિયો પણ ઝડપથી વાઇરલ થઇ રહ્યા છે. જેમાં જોઇ શકાય છે કે વિમાન ખુબ જ જોરથી પટકાય છે.

પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના બ્રાઝિલના સાઓ પાઉલો નજીક બની હતી હતું. જ્યાં એક સ્થાનિક ટર્બોપ્રોપ વિમાન ક્રેશ થતા વિમાનમાં સવાર તમામ 61 લોકોના મોત થયા હતા. પ્લેન અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે વાયરલ વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે વિમાન દુર્ઘટના કેટલી ભયાનક હતી.

વાયરલ વીડિયોમાં પ્લેન ઊંચાઈ પર ઉડતું જોવા મળે છે, પછી અચાનક તે સીધુ નીચે જમીન તરફ પડવા લાગે છે. તેમજ વિમાનનો પાયલોટ સંપૂર્ણ રીતે પ્લેન પરથી નિયંત્રણ ગુમાવી દે છે, અને પ્લેન આગળ વધવાને બદલે નીચેની તરફ રહેણાંક વિસ્તારમાં પટકાય છે. મળેલી માહિતી મુજબ ટર્બોપ્રોપ પ્લેન ક્રેશ થયું તે પહેલા તેમાં 61 લોકો સવાર હતા. તેમજ અકસ્માત બાદ તમામ મુસાફરોના મોત થયા હતા.

વિમાન બપોરે 1:30 કલાકે ઉપડ્યુ હતુ
આ ઘટના અંગે પ્રાદેશિક અધિકારીઓએ જણાવ્યું હતું કે સાઓ પાઉલો ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે રવાના થયેલા વિમાને પરના રાજ્યના કાસ્કેવેલથી બપોરે 1:30 વાગ્યે ઉડાન ભરી હતી. તેમજ વિમાન સાઓ પાઉલોથી ઉત્તરપશ્ચિમમાં લગભગ 80 કિમી (50 માઇલ) દૂર વિન્હેડો શહેરમાં ક્રેશ થયું હતું.

પ્લેન પડતાની સાથે જ ધુમાડાના વાદળો ઉછળ્યા હતા
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બ્રાઝીલનું ATR-72 એરક્રાફ્ટ બેકાબૂ થઈ ગયું હતું. તેમજ આ વિમાન વિન્હેડોના ઘરોની નજીકના ઝાડના જંગલની પાછળ પડ્યું હતું. ત્યારે વિમાન નીચે પડતાની સાથે જ હવામાં ધુમાડાના ગોટેગોટા ઉડવા માંડે છે અને વિમાનમાં આગ લાગી જાય છે.

સ્થાનિક લોકોએ પ્લેન ક્રેશનો જોરદાર અવાજ સાંભળ્યો હતો
જ્યાં અકસ્માત થયો હતો તે વિસ્તારના રહેવાસી અને પ્રત્યક્ષદર્શી ડેનિયલ ડી લિમાએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે તેણે બારી બહાર જોતા પહેલા જોરદાર અવાજ સાંભળ્યો હતો. તેમજ વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે કે પ્લેન ગોળ-ગોળ ફરી રહ્યું હતું, પરંતુ તે આગળ ન વધ્યુ અને થોડી જ વારમાં આકાશમાંથી જમીન પર પટકાયું અને જોરદાર વિસ્ફોટ થયો.

Most Popular

To Top