Charotar

આણંદમાં કંપનીની આગમાં 4 ફાયર ફાયટર દાઝ્યાં…

આણંદના ગોપાલપુરામાં આવેલી સત્યેન્દ્ર પેકેજીંગમાં મોડી રાત્રે આગ ભડકી

ફાયર ફાયટરના જવાનો પાણીનો મારો ચલાવતાં હતાં તે સમયે પીપમાં બ્લાસ્ટ થયો..

આણંદના ગોપાલપુરામાં આવેલી સત્યેન્દ્ર પેકેજીંગમાં મંગળવારની મોડી રાત્રે ભયાનક આગ ભડકી હતી. આ આગના પગલે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે, આ દરમિયાન કેમિકલ ભરેલા પીપમાં બ્લાસ્ટ થતાં ચાર જવાનો દાઝી ગયાં હતાં. જેમને તાત્કાલિક સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં બેની હાલત ગંભીર ગણાવાઇ હતી. આ ઘટનાના પગલે ધારાસભ્ય હોસ્પિટલ પર પહોંચ્યાં હતાં.

આણંદના ગોપાલપુરામાં સત્યેન્દ્ર પેકેજીંગ કંપનીમાં અગમ્ય કારણોસર મંગળવારની મોડી રાત્રે આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના પગલે કંપનીના કર્મચારીઓએ તુરંત આણંદ અને વિદ્યાનગર ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેના પગલે ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો શરૂ કર્યો હતો. જોકે, આ દરમિયાન જ કેમિકલ ભરેલા પીપમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે 4 જવાનો ગંભીર રીતે દાઝી ગયાં હતાં. જેમને તાત્કાલિક સારવાર માટે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

આ ઘટનામાં વિદ્યાનગર ફાયર બ્રિગેડ વિભાગના ઉમેદસિંહ ઠાકોર અને મુકેશ પટેલ જ્યારે આણંદ ફાયર બ્રિગેડના ભાવેશ વરૂ અને વિશાલ ડોડ દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં ઉમેદ ઠાકોર અને ભાવેશ વરૂની સ્થિતિ વધુ ગંભીર ગણાવાઇ રહી છે.

સત્યેન્દ્ર પેકેજીંગની આગ શંકાસ્પદ બની

આણંદના ગોપાલપુરામાં આવેલી સત્યેન્દ્ર પેકેજીંગમાં મંગળવારની મોડી રાત્રે લાગેલી આગ શંકાસ્પદ બની છે. આ આગ કેવી રીતે લાગી તે બીજા દિવસે પણ જાણી શકાયું નહતું. પરંતુ આ આગમાં કશુક રંધાયું હોવાની ચર્ચા ઉઠી છે. આ અગાઉ પણ 2021માં આગ લાગી હતી. આમ છતાં ફરી આગ લાગવા બાબતે અનેક તર્ક વિતર્કો ઉઠી છે.

Most Popular

To Top