નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (Central Govt) ગુરુવારે રાજ્યસભામાં (Rajya Sabha) ચોંકાવનારી માહિતી શેર કરી હતી. અસલમાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે છેલ્લા પાંચ વર્ષમાં (2019-23)માં કેટલા ભારતીય નાગરિકોએ (Indian citizens) પોતાની નાગરિકતા છોડી દીધી છે તેના સંદર્ભમાં લેખિત જવાબ આપ્યો હતો. તેમણે રાજ્યસભામાં વર્ષ 2011 થી 2018ના આંકડા પણ રજૂ કર્યા હતા.
નાગરિકત્વનો ત્યાગ કરનારા ભારતીયોના આંકડા આપતા મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું હતું કે, ગયા વર્ષે એટલે કે 2023માં 2,16,219 ભારતીયોએ પોતાની નાગરિકતાનો ત્યાગ કર્યો હતો. ત્યારે 2023ની સરખામણીમાં 2022માં 2,25,620 લોકોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો હતો. આ સાથે જ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સરકારને સવાલ કરતા પૂછ્યું હતું કે શું સરકારે ‘મોટી સંખ્યામાં લોકો તેમની નાગરિકતાનો ત્યાગ’ અને ‘ભારતીય નાગરિકતાની ઓછી સ્વીકૃતિ’ પાછળના કારણોની તપાસ કરી છે?
નાગરિક્તાનો ત્યાગ કરેલા લોકોની સંખ્યા (વર્ષ પ્રમાણે)
- 2023- 2,16,219
- 2022- 2,25,620
- 2021- 1,63,370
- 2020- 85,256
- 2019- 1,44,017
શું નાણાકીય અને બૌદ્ધિક નુકસાનનું કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું?
રાઘવ ચઢ્ઢાએ એમ પણ પૂછ્યું હતું કે શું મોટી સંખ્યામાં લોકોએ પોતાની નાગરિકતાનો ત્યાગ કરવાથી થયેલા “નાણાકીય અને બૌદ્ધિક નુકસાન” નું કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે? ત્યારે AAP સાંસદના પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે નાગરિકતા છોડવાનો કે નાગરિક્તા સ્વિકારવાનો નિર્ણય વ્યક્તિગત છે.
વિદેશી ભારતીય સમુદાય દેશ માટે એક સંપત્તિ – સરકાર
રાઘવ ચઢ્ઢાને જવાબ આપતા સમયે મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું હતું કે સરકાર જ્ઞાન અને અર્થવ્યવસ્થાના યુગમાં વૈશ્વિક સ્તરે કામ કરવા માટે આપવામાં આવતા નાણા અને તેમના કામ કરવાના સ્થળની પરિસ્થિતિ જાણે છે. જેના કારણે ભારતના પ્રવાસી લોકો સાથેના સબંધોમાં પણ સુધાર આવ્યો છે. વર્ધને આગળ કહ્યું કે એક સફળ, સમૃદ્ધ અને પ્રભાવશાળી NRI સમુદાય દેશની સંપત્તિ છે.
આ કારણોસર લોકો નાગરિકતા છોડી દે છે
સામે આવેલા અહેવાલો મુજબ ભારતના લોકો સારી નોકરી, રહેવાની સ્થિતિ અને સારી જીવનશૈલી માટે અન્ય દેશોની નાગરિકતા અપનાવે છે. ઉપરાંત, લોકો પોતાના દેશમાં તકોના અભાવને કારણે પણ વિદેશી નાગરિક્તા અપનાવે છે. પરંતુ કોઇ દેશની નાગરિક્તા અપનાવવી કે છોડવીએ સંપુર્ણ પણ જે-તે દેશના નાગરિકની પસંદગીની વાત છે. આ બાબતે સરકાર કશું કરી શકે તેમ નથી.