National

ઉત્તરાખંડમાં આભ ફાટ્યુ, કેદારનાથમાં 200 ભક્તો ફસાયા, ટિહરીમાં 6ના મોત અને 4 ગુમ

નવી દિલ્હી: ઉત્તરાખંડમાં (Uttarakhand) બુધવારે સાંજે હવામાન બદલાયું હતું અને ભારે વરસાદે (Rainfall) તબાહી મચાવી હતી. દરમિયાન ઉત્તરાખંડમાં ટિહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં વ્યાપક નુકસાન થયું હતુ. અહીં ટિહરીમાં 8 થી 10 વાહનો ધોવાઈ ગયા હતા અને 6 લોકોના મોત થયા હતા. તેમજ કેદારનાથમાં 200 ભક્તો ફસાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ કેદારનાથની ફૂટપાથ પર ભીમ બલિના ગડેરામાં વાદળ ફાટ્યું હતું. ત્યારે ભારે પથ્થરોના કાટમાળને કારણે લગભગ 30 મીટરનો વૉકિંગ પાથ ક્ષતિગ્રસ્ત થયો હતો અને ફૂટપાથ પર અવરજવર બંધ થઇ ગઇ હતી, જેના કારણે ભીમ બલીમાં લગભગ 150 થી 200 શ્રદ્ધાળુઓ અટવાયા હતા. બીજી બાજુ ટિહરીના ઘંસાલીમાં ગડેરે ઓવરફ્લો થવાને કારણે રસ્તાની બાજુની એક રેસ્ટોરન્ટ અને 8 થી 10 વાહનો ધોવાઈ ગયા હતા. જેમાં રેસ્ટોરન્ટ સંચાલક, તેની પત્ની અને પુત્રનું મોત થયું હતું.

પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી મુજબ રુદ્રપ્રયાગમાં ઘણી જગ્યાએ કેદારનાથ ફૂટપાથ ધરાશાયી થઈ હતી. જેના કારણે યાત્રાળુઓને માત્ર કેમ્પમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. અહીં મંદાકિની નદીનું જળસ્તર વધવાને કારણે ગૌરીકુંડ અને સોનપ્રયાગમાં તપ્તકુંડ વિસ્તારમાં પાર્કિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું. તેમજ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

બીજી બાજુ હરિદ્વારમાં ઘરની છત ધરાશાયી થતાં બે બાળકોના મોત થયા હતા અને દેહરાદૂનમાં બે યુવકો વરસાદી નાળામાં તણાઈ ગયા હતા, જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. હલ્દાણીમાં પણ એક યુવાન નદીમાં તણાઈ ગયો હતો. તેમજ ચમોલીના બેલચૌરી નામના સ્થળે મકાન ધરાશાયી થવાની અને એક મહિલા અને બાળક ગુમ થવાની માહિતી સાંપડી હતી.

ગંગોત્રી નેશનલ હાઈવે પર મુસાફરો ફસાયા
ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર નેતાલા અને બિશનપુર નજીક પહાડી પરથી કાટમાળ અને પથ્થરો ધસી પડ્યા હતા. જેના કારણે લગભગ બે કલાક સુધી રૂટ બંધ રહ્યો હતો અને 200 કાવડીયા અટવાયા હતા. ટિહરી જિલ્લા મુખ્યાલયથી 65 કિમી દૂર ભીલંગાણા વિકાસ બ્લોકના જખાન્યાલી ગામમાં મોડી સાંજે વાદળ ફાટ્યું હતું.

ટિહરી જીલ્લામાં થયેલી તબાહીમાં રેસ્ટોરન્ટ સંચાલક ભાનુ પ્રસાદ (50), તેની પત્ની નીલમ દેવી (45) અને પુત્ર વિપિન (28) કાટમાળ નીચે દબાઇને મૃત્ય પામ્યા હતા. જેમાં SDRFએ ત્રણેયનું રેસ્ક્યુ કર્યું હતું પરંતુ ત્યાં સુધીમાં ભાનુ અને નીલમનું મોત થઈ ગયું હતું અને વિપિન ઘાયલ થયો હતો. ત્યારે હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું પણ મોત નીપજ્યું હતું. આ સાથે જ મુયલ ગામમાં ઘણસાલી-તિલવારા મોટર રોડ પર બનેલો પુલ પણ પૂરમાં ધોવાઈ ગયો હતો.

આજે પણ ભારે વરસાદ, સાત જિલ્લાની શાળાઓમાં રજા
હવામાન કેન્દ્રના નિર્દેશક બિક્રમ સિંહના જણાવ્યા અનુસાર ગુરુવારે નૈનીતાલ, ઉધમ સિંહ નગર અને ચંપાવતમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમજ દેહરાદૂન, પૌરી, ટિહરી અને હરિદ્વારમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે. ત્યારે પૌરી, ટિહરી, ચંપાવત અને ઉત્તર પ્રદેશની શાળાઓમાં આપવામાં આવી હતી.

Most Popular

To Top