Charotar

નડિયાદની વિવાદીત 13 દુકાનોના પ્રાંતે દસ્તાવેજ માંગ્યાં

પ્રાંત અધિકારીએ દસ્તાવેજો રજૂ કરવા ભાડુઆતોને 2 દિવસનો સમય આપ્યો

ભાડુઆત એસોશિએશન દ્વારા મુખ્યમંત્રી કક્ષાએ રજૂઆત કરી ન્યાય મેળવવા દોડધામ

(પ્રતિનિધિ) નડિયાદ, તા.30

નડિયાદ નગરપાલિકાની માલિકીની 13 દુકાનોનો વિવાદ તેની ચરમસીમા પર પહોંચ્યો છે. જ્યાં મંગળવારે પ્રાંત અધિકારી સમક્ષ ચાલી રહેલા નગરપાલિકાના દાવાની અંતિમ સુનાવણી પૂર્ણ થઈ છે. જો કે, આ મામલે પ્રાંત અધિકારી દ્વારા આ બાબતને લગતા તમામ કોર્ટ અને કચેરીઓના દસ્તાવેજો અને દલીલો રજૂ કરવા માટે ભાડુઆતોને અંતિમ 2 દિવસનો સમય આપ્યો છે. જે બાદ દુકાનો ખાલી કરાવવા મામલે પ્રાંત અધિકારી દ્વારા નિર્ણય લેવાશે.

નડિયાદમાં રેલવે સ્ટેશનની બહાર ટાઉન પોલીસ મથકની સામે આવેલી 13 દુકાનોનો મામલો દિવસને દિવસે પેચીદો બની રહ્યો છે. આ 13 દુકાનો ખાલી કરાવવા માટે નગરપાલિકાને પણ કાઠુ પડી રહ્યુ છે. એકતરફ નગરપાલિકા કાયદેસરની પ્રક્રિયા થાય ત્યાં સુધી રાહ જોવાની છે, ત્યાં બીજીતરફ ભાડુઆતો અને ભાડુઆત એસોશિએશન સક્રિય થઈ અને છેક મુખ્યમંત્રી કક્ષાએ રજૂઆતો કરી દુકાનો ખાલી ન કરાવાય તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. આ વચ્ચે નડિયાદ નગરપાલિકા દ્વારા આ 13 દુકાનો મામલે પ્રાંત અધિકારી સમક્ષ દુકાનો ખાલી કરાવવા બાબતેની અરજી દાખલ કરાઈ હતી. જે મામલે પ્રાંત અધિકારી સમક્ષ છેલ્લા કેટલાય મહિનાઓથી મુદ્દતો ચાલી રહી હતી. જેમાં નગરપાલિકાએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને બીજીતરફ ભાડુઆતોએ પણ પોતાની દલીલો અને દુકાનો ખાલી ન કરાવવા માટેની જરૂરી રજૂઆતો કરી હતી. જો કે, આ વચ્ચે આજે પ્રાંત અધિકારી સમક્ષ સુનાવણીની અંતિમ મુદ્દત હતી. જ્યાં પ્રાંત અધિકારીએ બંને પક્ષની દલીલો અને રજૂઆતોને ધ્યાને લીધા બાદ આ મામલે ભાડુઆતોને 2 દિવસનો સમય આપ્યો છે. આ સમયગાળામાં કોર્ટ અને સબંધિત કચેરીઓમાં આ 13 દુકાનોને લગતી તમામ બાબતોના દસ્તાવેજો અને દલીલો રજૂ કરવા જણાવ્યુ છે. બીજીતરફ આ સમયગાળા વચ્ચે ભાડુઆત એસોશિએશન દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયથી માંડી અને મ્યુનિસિપલ કમિશ્નર સુધી પહોંચી અને આ સમગ્ર મામલે રજૂઆતો કરી ન્યાયની ગુહાર લગાવી છે. જેથી હવે આગામી સમયમાં આ સમગ્ર મામલે શું નિર્ણય આવે છે, તેની પર સૌ કોઈની નજર છે.

Most Popular

To Top