National

દિલ્હી કોચિંગ અકસ્માત મામલે MCD બહાર હોબાળો, મેયરના રાજીનામાની માંગ

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં રાવ આઈએએસ કોચિંગના (Rao IAS Coaching) ભોંયરામાં 27 જુલાઇના રોજ ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે બે દિવસ બાદ આજે આ મામલે ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરોએ MCD હાઉસની બહાર હોબાળો મચાવ્યો હતો. તેમજ બંને પક્ષના કાઉન્સિલરોએ મેયરના રાજીનામાની માંગણી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગૃહની બેઠક શરૂ થાય તે પહેલા જ ભાજપે ગૃહની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. તેમજ મેયર વિરુદ્ધ જોર શોરથી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ ભાજપના કાઉન્સિલરોએ સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે આ અકસ્માત નહીં પરંતુ હત્યા છે.

ઓલ્ડ રાજેન્દ્ર નગરની ઘટનાને લઈને AAP ઓફિસ પાસે AAP સરકાર વિરુદ્ધ વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરો અને નેતાઓને વિખેરવા માટે દિલ્હી પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતુ અને જૂના રાજેન્દ્ર નગરની ઘટના અંગે MCD કમિશનર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

બીજી બાજુ આ ઘટના પર લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે, “જ્યારથી આ ઘટના બની છે, ત્યારથી હું ઘટના ઉપર નજર રાખી રહ્યો છું, જેણે પણ આ ભૂલ કરી છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના ખૂબ જ દુઃખદ છે જે થવી જોઈતી ન હતી. હું વચન આપું છું કે હું દરેક સુવિધા આપીશ, મને થોડો સમય આપો.”

તેમણે વધુમાં કહ્યું કે, “કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. હું અહીં રહેતા લોકોને અન્ય કોઈ સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા પણ કરીશ. હું તમારી સાથે છું, તમે મને બોલાવો ત્યારે હું આવીશ. જેમણે જીવ ગુમાવ્યો છે તેમના પરિવારને વધુ વળતર આપવા માટે અમે કામ કરી રહ્યા છીએ.” જણાવી દઈએ કે શનિવારે દિલ્હીમાં રાવ IAS કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું. ત્યારે આ મામલે દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે.

બીજી બાજુ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશને રાવ IAS સ્ટડી સેન્ટરમાં થયેલા અકસ્માતના સંબંધમાં વધુ પાંચ લોકોની ધરપકડ કરી હતી, જેમાં કાર ચાલકનો પણ સમાવેશ થાય છે જેણે વરસાદ દરમિયાન રસ્તા પરથી ખૂબ જ ઝડપે કાર હંકારી હતી જેના કારણે કોચિંગનો ગેટ તૂટી ગયો હતો. આ ઉપરાંત બેઝમેન્ટના માલિકની પણ પોલીસે ધરપકડ કરી હતી.

Most Popular

To Top