Vadodara

વડોદરા : ટ્રાફિક પોલીસ એસીપીએ રિક્ષાચાલકોને ધક્કે ચડાવ્યા, વિરોધ કરનારની અટકાયત

ઓટો રીક્ષા ચાલકો સાથે ભેદભાવ કરી રોજગારી છીનવી,બંધારણીય અને માનવીય અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાના આક્ષેપ :

ન્યાયિક માંગણીઓ સમયસર પૂરી કરવામાં નહીં આવે તો હાઇકોર્ટ ખાતે અરજી કરવાની ચીમકી :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.28

વડોદરા શહેર જિલ્લા રીક્ષા ચાલક યુનિયન દ્વારા પોલીસની પરવાનગી માંગી પોલીસ કમિશનરની કચેરી સામે ધરણા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પરંતુ પોલીસ દ્વારા આ બાબતે યુનિયનને કોઈ પણ પ્રકારની પરવાનગી આપવામાં આવી ન હતી. જેથી પોલીસે રીક્ષા ચાલક યુનિયનના આગેવાનો અને સામાજિક કાર્યકરોની અટકાયત કરી હતી.

વડોદરા શહેર જિલ્લા રીક્ષા ચાલક યુનિયન દ્વારા મુખ્યમંત્રી, કલેકટર વડોદરા, પોલીસ કમિશનર વડોદરા, સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ ગ્રામ્ય વડોદરાને રીક્ષા ચાલકો સાથે ભેદભાવ કરી તેમની રોજીરોટી છીનવી, બંધારણીય અને માનવીય અધિકારોના ઉલ્લંઘન બાબતે રજૂઆત કરવામાં આવી હતી. પહેલાંના સમયમાં ઓટોરીક્ષા ચલાવી લોકો પોતાનું અને સંતાનોનું ભરણપોષણ, ભણતર અને લગ્ન સુધી કરાવી શકતા પરંતુ હાલની પોલીસ અને સરકાર ની નિતીના કારણે ઓટોરીક્ષા ચાલકો અર્ધ બેરોજગાર બન્યા છે. જ્યારે જ્યારે હાઇવે ઉપર કોઈ બીજા વાહનોનો મોટો અકસ્માત થાય કે કોઈ જગ્યાએ આગનો બનાવ બને ત્યારે પોલીસ દ્વારા ઓટોરિક્ષા ચાલકોને નિશાનો બનાવી તેમની સામે પગલાં લેવામાં આવે છે. તેમની રોજીરોટી છીનવામાં આવે છે. જ્યારે કે આ ઘટના સાથે ઓટો રીક્ષા ચાલકોની કોઈ જ લેવાદેવા હોતી નથી.

ઓટોરિક્ષા ચાલકો એ રોજ લાવી રોજ ખાનાર અને એક અસંગઠિત મજદૂર વર્ગ છે. વડોદરાના એક લાખથી વધુ ઓટો રીક્ષા ચાલકોની વતી દરેક મુદ્દે ઝીણવટભરી રજૂઆત કરી માંગણીઓ કરવામાં આવી કે, વડોદરા શહેરમાં નવા ઓટોરિક્ષા ના પરમીટ બંધ કરવામાં આવે, વડોદરા શહેરમાં રીક્ષાની સંખ્યાને અનુસંધાને ઓટોરિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવે, મોટર વ્હીકલ એક્ટની કલમ ૨૦૭ અને આઇપીસી ની કલમ ૧૮૮ તેમજ ૨૮૩ નો દુરઉપયોગ કરી ઓટો રીક્ષા ચાલકોની રોજીરોટી છીનવામાં ન આવે, મોટર વ્હીકલ એક્ટની કલમ ૬૭ ભાડા બાબતેનું અને ટેકસી મીટરના કાયદાનું પાલન દરેક પ્રકારના પરમિટ વાહનોને કરવામાં આવે, ઓટોરિક્ષા ચાલકોને અસામાજિક તત્વો અને અનિષ્ટ તત્વ બતાવવાનું બંધ કરવામાં આવી તેવી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. રિક્ષાચાલક બિલાલભાઈએ જણાવ્યું હતું કે, અમારી ન્યાયિક માંગણીઓ સમયસર પૂરી કરવામાં નહીં આવે તો અમો દ્વારા હાઇકોર્ટ ઓફ ગુજરાત ખાતે અરજી કરવામાં આવશે. સાથે સાથે ધરણા, વિરોધ પ્રદર્શન, સવિનય કાનુની ભંગ અને વિરોધ પ્રદર્શનનું હથિયારનો ઉપયોગ કરવામાં આવશે.

Most Popular

To Top