Vadodara

ધારાસભ્ય મનીષાબેનના ફોટાવાળા આ પોસ્ટરને જોઈ લોકો આવકનો દાખલો લેવા પહોંચ્યા, પણ કેમ્પના સ્થળે કોઈ હતું જ નહિ

સરકારી યોજનાઓના નામે લોકો સાથે મજાક

મહત્વના ગણાતા આવકના દાખલાના માટે સ્થળ પર આવ્યા અને ધક્કો પડતા લોકો માં રોષ

સરકારી યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી કાગળિયાઓ પૈકી એક આવકનો દાખલો છે. આવકનો દાખલો સામાન્ય રીતે સ્થાનિક તલાટીની ઓફીસેથી કાઢવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકોને આવકના દાખલાની જરૂરીયાત હોવાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા તેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જ્યાં સરળતાથી લોકો પોતાના પુરાવા રજુ કરીને આવકનો દાખલો મેળવી શકે છે. ત્યારે આજે વડોદરાના વોર્ડ નં – 4 માં લોકો જોડે આવકના દાખલાના કેમ્પના નામે મજાક કરવામાં આવી હોવાની ઘટના સામે આવવા પામી છે. શહેર વિધાનસભા દ્વારા વોર્ડ નં – 4માં આવકના દાખલાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય તેવી માહિતી વાળું પોસ્ટર સોશિયલ મીડિયા થકી લોકો સુધી પહોંચ્યું હતું. જેમાં આજે 28, જુલાઇ – 2024 ના રોજ સવારે 10 – 3 વાગ્યા સુધી માય શાનેન સ્કુલમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ છે. શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલનો પણ તેમાં ફોટો મુક્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આ પોસ્ટર જોઈ-વાંચીને લોકો આજે સવારે શાળાઓ પહોંચ્યા હતા. પરંતુ શાળાએ કોઇ પણ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં ન આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી લોકોને ખોટો ધક્કો પડ્યો હતો.
આ પ્રકારે લોકો સાથે મજાક કરવામાં આવી હોય તો તેની ચોક્કસ તપાસ થવી જોઇએ. અને જો છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ રદ્દ થયો હોય તો તેની જાણ લોકોને કેમ કરવામાં ન આવી તે અંગે ધારાસભ્ય અથવા આયોજકો દ્વારા ખુલાસો કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.

રજા લઈને દાખલો લેવા આવી હતી
આવકનો દાખલો લેવા આવેલા શિતલબેન જણાવે છે કે મને મેસેજ આવ્યો હતો, કે રવિવારના દિવસે અહિંયા આવકનો દાખલાનું કામ થશે. પણ અહીંયા તો કોઇ નથી. તે બાદ અમને કોઇ મેસેજ આવ્યો નથી. હું રજા લઇને આવકનો દાખલો કઢાવવા આવી છું.

ખોડિયારનગર થી આવ્યા, કોઈ હતું જ નહિ
ધક્કો ખાઈ પાછા જતા કૈલાશબેન જણાવે છે કે, આવકના દાખલા માટે કામ છોડીને આવ્યા છીએ. કોઇ છે નહીં. અમને ધક્કો પડ્યો છે. અમે ખોડિયારનગરથી આવીએ છીએ. કેમ્પ રદ્દ થવા અંગે પણ કોઇ મેસેજ મળ્યો નથી.

વરસાદના એલર્ટને લીધે આયોજન કેન્સલ કર્યું: મનીષા વકીલ

આ અંગે ધારાસભ્ય મનીષા વકીલે જણાવ્યું હતું કે આ કેમ્પનું આયોજન જરૂર કર્યું હતું. પરંતુ વરસાદી એલર્ટ ના કારણે મોકૂફ રાખવામાં આવ્યું હતું. અમે કોઈ પણ જગ્યા એ પોસ્ટ નથી કર્યું અને નથી કોઈ બેનર છપાવ્યા. કાર્યકરે ગ્રુપમાં મૂક્યું અને પાચ મિનિટ માં ડિલીટ કરી નાખવામાં આવ્યું હતું . પરંતુ કેમ્પનું આયોજન કેન્સલ કર્યું એ પોસ્ટ વાયરલ થઈ નહિ અને આયોજનની પોસ્ટ વાઇરલ થઈ ગઈ હતી.

Most Popular

To Top